Homeધર્મતેજભક્તકવિ દયારામ: શૃંગાર અને હવેલી સંગીતની ગરિમા

ભક્તકવિ દયારામ: શૃંગાર અને હવેલી સંગીતની ગરિમા

આચમન-ડૉ. ધર્મેશ ભટ્ટ

ભક્તકવિ દયારામ મધ્યકાલીન સાહિત્યનું છેલ્લું રત્ન ગણાય છે. મધ્યકાલીન સાહિત્યમાં નરસિંહથી થયેલા આરંભ બાદ મહાન કવિઓમાં આખરે દયારામનું નામ આવે છે. તેઓ આપણા સાહિત્યમાં ‘ગરબી કવિ’નું માનભર્યું સ્થાન પામ્યા છે. ‘મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે જાવું’ એમની જાણીતી લોકજીભે ચડેલી ગરબી છે. કવિ દયારામ સાહિત્યમાં બંસીબોલના કવિ તરીકે પણ જાણીતા છે.
કવિ દયારામે પોતાની ગરબી દ્વારા ગુજરાતનું લોકહૃદય જીત્યું છે. નર્મદાના તીરેે ચાણોદ ગામમાં જન્મેલા ઝાઝું ભણ્યા નહોતા. પરંપરાગત ધર્મસંસ્કારો અને સંત સમાગમને કારણે તેઓ ભક્તિભાવની રચનાઓ તરફ વળ્યા હતા. ‘ગુજરાતની ગોપી’ તરીકે પણ દયારામ જાણીતા હતા. તેમણે સંખ્યાબંધ ગરબીઓ, પદ, ધોળ, ગરબા, આખ્યાન ઉપરાંત ‘ભાગવતસાર’, ‘રસિકવલ્લભ’ જેવી કૃતિઓ આપી છે. તેમની ગરબીમાં ગીત, સંગીતનો સુભગ સમન્વય જોવા મળે છે. તેમની વાણી સરળ, સચોટ, મધુર, ચાતુરીભરી અને શુદ્ધ છે. તેમણે પ્રેમલક્ષણા ભક્તિને મન મૂકીને પોતાની ગરબીમાં ગાઇ છે. તેમની ગરબીઓ ‘દયારામ રસસુધા’માં સંગ્રહાયેલી છે. હવેલી સંગીતમાં ગવાતી રચનાઓમાં કવિ દયારામનું નોંધપાત્ર પ્રદાન છે. તેમની શૃંગારિક રચનાઓ પણ અનન્ય છે.
દયારામે ગરબીઓ આપી ગુજરાતી સાહિત્યને અમર બનાવ્યું છે.
‘શ્યામ રંગ સમીપે ન જાવું’
આજ થકી, રંગ સમીપે ન જાવું.’
ગરબીમાં તેમણે અભાવમાં ભાવ અને નકારમાં હકાર દર્શાવી ગોપીનો ઉત્કૃષ્ટ પ્રેમ દર્શાવ્યો છે. ગોપી અને કૃષ્ણના પ્રેમભાવ ભવોભવના છે, અને કૃષ્ણ પોતાની વાંસળીના સૂરમાં ગોપીને ઘેલું લગાડી છેતરે છે. બંસીબોલના આ ભક્ત કવિએ કૃષ્ણના તોફાનો
અને ગોપીની રીસનું સુંદર વર્ણન કર્યું છે અને પ્રેમ
હોય ત્યાં તકરાર હોય એનું ઉદાહરણ આપતાં કવિ
કહે છે.
‘વેરી હોય તો વઢતાં ફાવીએ
પણ પ્રાણથી પ્યારો એને લહીએ રે.’
દયારામ પાસે જ્ઞાનભક્તિનો, સૌંદર્યલક્ષિતાનો અને પ્રેમલક્ષણા ભક્તિનો ભવ્ય વારસો હતો. એમણે એ બધા પૂર્વસૂરિઓ પાસેથી જ પ્રાપ્ત કર્યું અને નોખા અવાજ સાથે પ્રગટ કર્યું છે. દયારામ વ્રજ ભાષામાં પણ લખતા હતા અને ફારસી, ઉર્દૂ શબ્દને પ્રયોજી શક્યા એટલે તેઓ માત્ર ગુજરાતી કવિ નહીં રહેતા અગ્રીમ હરોળના ભારતીય કવિ તરીકે પણ પ્રતિષ્ઠિત છે. મધ્યકાલીન યુગના છેલ્લા કવિ દયારામ વાસ્તવમાં આધુનિક યુગના શ્રીગણેશ કરે છે.
મોગલ શાસન દરમિયાન ગુજરાતી સાહિત્યમાં આખ્યાનો દ્વારા પ્રત્યાયન શરૂ થયું અને સ્વાભાવિક રીતે જ ભક્તિ અને ધર્મના તરાપાઓ લઇને એ વખતના નિરક્ષર લોકો સુધી પહોંચીનેએના અદ્ભુત વારસાને સાચવવાનું કાર્ય સરળ બન્યું. નરસિંહથી લઇને દયારામ સુધી ભક્ત કવિઓની રચનાઓમાં ગોકુળ, વ્રજ,
વૃંદાવન, ગોપી અને રાસલીલા બહુવિધ વિશેષતારૂપે હતા. તેઓ પુષ્ટિમાર્ગના મહાન ઉપાસક અને અનુયાયી ગણાય છે.
ભક્તિમાર્ગી ગીત-સંગીતના સમન્વયની ક્ષમતા, એ એમની મોટી સિદ્ધિ હતી. દયારામના પદો, ગરબી, ચાતુરીનો ગરબો વગેેરેથી વિશેષ હવેલી સંગીતને મોટું બળ મળ્યું. ગોપીઓના શૃંગારની વાત છોછ વગર લખનાર દયારામ વિરહના કાવ્યમાં પણ એટલી ઉત્કટતા દાખવે છે. તેમની રચનામાં કહ્યું છે કે
‘પ્રેમની પીડા તે કોની કહીએ
હો મધુકર પ્રેમની પીડા તે….
થતાં ન જાણી પ્રીત જોતાં પ્રાણ જાયે,
હાથના કીધા તે વાગી હૈયે રે…’
આવી રચનાઓ દ્વારા ભાષાની કોમળતાના આ કવિ ગુજરાતીઓને હંમેશ યાદ રહેશે.
ગોપીઓને એક પ્રકારની અલ્લડતા, અભિમાન અને કોમળ લાગણીઓ દાખવતી શૃંગારપ્રચુર પ્રેમિકાઓના રૂપમાં દયારામ આલેખે છે. મોટાભાગની રચનાઓ બે સખી વચ્ચેની વાતચીત છે અને વાતચીતનો વિષય છે કૃષ્ણ. દયારામ રસિકહૃદયના કવિ છે. એટલે કાવ્યનાયકની ઊલટતપાસ ગોપીઓ અધિકારપૂર્વક લે છે. એ પદ આ પ્રમાણે છે.
‘રંગીલા રંગભેર ક્યાં રમી આવ્યા,
લાલ કેહની માળા ચોરી લાવ્યા,
તમારી નિત્ય હું વાટ જોતી,
તમારું મુખડું જોઇ મન મોહિત,
હવે મને શીદ મૂકો છો રોતી.
તમને કોઇ મોહી નારી,
કહોની સાથ રમી આવ્યા ગિરધારી.’
ગોપીની ઊલટતપાસમાં ભાષા સંયમિત બની છે. જોકે તેના દરેક સંકેતો અને લહેકાઓ સાથે ભોગશૃંગારની વાત છતી કરી છે. દયારામ કહે છે કે-
‘હારના ચિહ્ન દે છે ઉર દેખા,
અધર પર દીસે છે અંજન રેખા.’
મધ્યકાલીન કવિઓએ વિપ્રલંભ શૃંગારના નિરૂપણમાં અને ખાસ કરીને રાધા-કૃષ્ણના વિરહના નિરૂપણમાં આપણા મહિનાઓનો સરસ ઉપયોગ કર્યો છે.
આથી જ ગોપી વિરહ અવસ્થામાં કૃષ્ણ પ્રત્યે પોતાની નારાજી વ્યક્ત કરીને કહે છે કે –
‘શ્યામ રંગ સમીપે ન જાવું મારે
આજ થકી, શ્યામ રંગ સમીપે ન જાવું.
ગોપી કહે છે કે પ્રીત થવાનો ઉપાય પણ જાવાનો જડે નહીં કારણ કે જયારે પ્રીત થઇ ત્યારે તો તેને વિસ્મય થયો હતો.
‘હું શું જાણું! જે વ્હાલે મુજમાં શું દીઠું?
વારે વારે સામું ભાળે, મુખ લાગે મીઠું.’
દયારામે આત્માના સાયુજય પહેલાંના દેહને સાયુજયનો છોછ નથી. એ પ્રેમ કરવામાં અને વ્યક્ત કરવામાં માને છે. સંંબંધ શ્યામ સાથેનો છે. એટલે એમાં રસ છે, રંગ છે, રૂપ છે અને પ્રેમશાસ્ત્રની સામગ્રી છે. મિલન, વિરહ, છણકા, લાડ, વાતવાતમાં વાંકું પાડવાની કળા અને અંતે રિઝવવાની, રીઝ્યા પછી ખીજવવાની અને છેવટે મનાવી લેવાની ચતુરાઇ છે. દયારામ અન્યોન્ય પ્રીતિ સરખી ભૂમિકાઓ હોવી જોઇએ એમ માને છે. ગોપી કેવી રીસ અને લાડથી પોતાની વાત વહેતી કરે છે.
‘હવે હું સખી નહીં બોલું રે, કદાપી નંદકુંવરની સંગે,
મુને શશિવદની કહી છે રે, ત્યારની દાઝ લાગી
છે અંગે.’
વળી, ગોપીના શબ્દોમાં દયારામે ઊલટતપાસ કરીને બધુ જ સંભળાવી પણ દે છે,
‘રાસ રમતાં બોલ્યાં તે પાળીએ,
શીદ જૂઠું આલ્યું મુજને વચન જો.’
દયારામે વસંત, ફાગણ અને હોળીના ગીતો ગાયા છે. ગરબીઓ લખી છે અને પોતાની શૃંગાર ભક્તિની ઊર્મિઓને સબળ રીતે મૂકી શકે છે. આંખ અને હૃદય બન્ને વચ્ચે મીઠો ઝઘડો છે.
જીવ અને પરમાત્મા વચ્ચે આવતું માયાવી મન માનવીને ચિત્તને ચંચળ બનાવે છે. એટલે ‘ઝઘડો લોચન મનનો’છે. તેમણે લખ્યું હતું.
‘હરિ તુને પ્રસન્ન કેમ થાય? તારા મનનું કપટ
ન જાય
તારા મનનો છળ ન જાય, પ્રભુ તને પ્રસન્ન કેમ થાય.’
વ્રજ વહાલું રે વૈકુંઠ નહીં આવું
ત્યાં શ્રી નંદકુંવર ક્યાંથી લાવું?
પ્રેમભક્તિના કવિ દયારામ મધ્યકાલીન યુગના અંતિમ શિખર આજે આધુનિક યુગના મશાલચી બન્યા છે. ગુજરાતી સાહિત્યના તેજસ્વી તારલા દયારામની ગરબીઓ ગુજરાતી ગદ્યની મહામૂલી જણસ છે. હવેલી સંગીતને લોકજીભે રમતું કરવામાં દયારામની રચનાઓનો મોટો ફાળો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular