Homeમેટિનીદેવગણનું ‘મૈદાન’ આઠમીવાર ગોલ ચૂક્યું

દેવગણનું ‘મૈદાન’ આઠમીવાર ગોલ ચૂક્યું

ભારતમાં બનેલી સ્પોર્ટસ આધારિત ફિલ્મો બોકસઑફિસ ગજાવે છે

કવર સ્ટોરી-ઉમેશ ત્રિવેદી

અજય દેવગણ અભિનીત ફિલ્મ ‘મૈદાન’ની રિલીઝની તારીખ આઠમીવાર પાછળ ઠેલવામાં આવી છે. આ ફિલ્મમાં અજય દેવગણ ‘રેટ્રો’ લુકમાં દેખાવાનો છે. આ ફિલ્મ સૌથી પહેલાં ૨૦૨૦માં રજૂ થવાની હતી, પણ ત્યારે કોરોનાને કારણે આ ફિલ્મની રિલીઝ ટાળવામાં આવી હતી. ત્યારથી તેને યોગ્ય તારીખ મળતી જ નથી. અજય દેવગણ અભિનીત આ ફિલ્મમાં પ્રિયમણિ, ગજરાજ રાવ, કીર્તિ સુરેશ અને મહેમાન કલાકાર તરીકે અક્ષય કુમાર છે.
આ ફિલ્મ ૨૩મી જૂને રિલીઝ થવાની હતી પણ હવે સાતમી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. તે દિવસે જન્માષ્ટમી છે અને ચાર દિવસનો વિક એન્ડ મળવાની શકયતા છે. અમિત શર્માના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ ૧૯૫૨ અને ૧૯૬૨ના ૧૦ વર્ષના ગાળામાં ભારતીય ફૂટબોલનો સુવર્ણયુગ હતો, તેના પર આધારિત છે. બોની કપૂર અને ઝી સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં અજય દેવગણ ફૂટબોલના કોચ સૈયદ અબ્દુલ રહીમની ભૂમિકામાં દેખાશે.
બોલીવૂડમાં રમતગમત પર આધારિત અનેક ફિલ્મો બની છે અને મોટાભાગની ફિલ્મો બાયોગ્રાફીક્સ ફિલ્મો રહી છે. રમતગમત પર આધારિત ફિલ્મોની બીજી વિશેષતા એ હોય છે કે લોકો એ વાત સારી રીતે જાણતાં હોય છે. જોકે, આજ સુધીમાં સૌથી વધારે ફિલ્મો ક્રિકેટ પર બની છે અને મોટાભાગની ફિલ્મો સફળ પણ થઈ છે.
બોલીવૂડમાં બનેલી રમતગમત પરની ફિલ્મો પર એક નજર નાખતા પહેલાં ‘મૈદાન’ પછી આવનારી ‘ચકડા એક્સપ્રેસ’ની વાત કરી લઈએ. ‘ચકડા એક્સપ્રેસ’ એ મહિલા ક્રિકેટ ખેલાડી ઝુલન ગોસ્વામી પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં અનુષ્કા શર્માએ મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ સીધી જ ઓટીટી પર રિલીઝ થવાની છે.
જોકે, અત્યારસુધી એવું જોવા મળ્યું છે કે મહિલા ખેલાડીઓ પર બનેલી ફિલ્મને બોક્સઑફિસ પર જોઈએ એવો આવકાર મળતો નથી. આ અગાઉ તાપસી પન્નુની ‘શાબાશ મીઠુ’ નામની ફિલ્મ રિલીઝ થઈ હતી, જે મહિલા ક્રિકેટર મિતાલી રાજ પર આધારિત હતી, પણ તે ફિલ્મને બોક્સ ઑફિસ પર નિષ્ફળતા મળી હતી.
તાપસી પન્નુએ ભૂમિ પેડણેકર સાથે ‘સાંડ કી આંખ’ નામની ફિલ્મમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મ પણ એક બાયોગ્રાફિકલ ફિલ્મ હતી. આ ફિલ્મ શૂટિંગ પર આધારિત હતી. જેમાં ભૂમિએ ચંદ્રો તોમર અને તાપસીએ પ્રકાશી તોમરની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં બંને અભિનેત્રીનો અભિનય વખણાયો હતો, પણ ફિલ્મને બોક્સ ઑફિસ પર સફળતા મળી નહોતી.
રશ્મિ રોકેટ: આ ફિલ્મમાં તાપસી પન્નુએ રશ્મિ છીબર ઉર્ફે રશ્મિ રોકેટની ભૂમિકા ભજવી હતી. આ દોડવીરે ઈન્ડિયન નેશનલ ઓપન એથ્લેટિક, ૨૦૧૪ એશિયન ગેમ્સ અને ૨૦૧૬માં યોજાયેલી સાઉથ એશિયન ગેમ્સમાં ભાગ લીધો હતો. આ ફિલ્મમાં જેન્ડર ટેસ્ટિંગનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ‘રશ્મિ રોકેટ’ ફિલ્મને બોક્સઑફિસ પર સફળતા મળી નહોતી.
સાઈના: બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલના જીવન પર બનેલી આ ફિલ્મમાં સાઈનાની ભૂમિકા પરિણીતી ચોપરાએ ભજવી હતી. આ પણ એક બાયોગ્રાફિકલ ફિલ્મ હતી. આ ફિલ્મ ક્યારે આવી અને ક્યારે ચાલી ગઈ તેની જાણ પણ થઈ નહોતી.
મેરી કોમ: મહિલા એથ્લેટ કે મહિલા ખેલાડી પર બનેલી ફિલ્મમાંથી માત્ર ને માત્ર આ ફિલ્મને જ સફળતા મળી હતી. છ વખત વિશ્ર્વ ચેમ્પિયન અને ઑલિમ્પિકસમાં બ્રોન્ઝ મેડલ મેળવનારી બોક્સર મેરી કોમના જીવન સંઘર્ષ પર બનેલી આ ફિલ્મે લોકોને ખૂબ જ આકર્ષ્યા હતા. અત્યારે વિશ્ર્વસ્તરે નામના મેળવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પડદા પર મેરી કોમને હુબહુ જીવંત કરી હતી. તેનાં કારણે જ આ ફિલ્મ સફળ થઈ હતી.
બોલીવૂડમાં આ સિવાય સૌથી વધારે ફિલ્મો ક્રિકેટ પર બની છે અને એકાદ-બે અપવાદ કરતાં મોટાભાગની ફિલ્મો સફળ પણ થઈ છે. આમાં કેટલીક કાલ્પનિક વાર્તાવાળી ફિલ્મ તો કેટલીક બાયોગ્રાફિકલ ફિલ્મોનો સમાવેશ થાય છે.
ક્રિકેટ આધારિત ફિલ્મોની વાત કરીએ તો અત્યાર સુધીમાં બોલીવૂડમાં કુલ ૨૦ થી ૨૨ ફિલ્મો ક્રિકેટ પર બની છે, તેમાં શાહિદ કપૂર અભિનિત ‘જર્સી’, રણવીરસિંહ અભિનીત ફિલ્મ ‘૮૩’, સુશાંતસિંહ રાજપૂત અભિનીત ફિલ્મ ‘કાઈપો છે’, ‘એમ. એસ. ધોની – અનટોલ્ડ સ્ટોરી’, સચિન તેન્ડુલકર પર બનેલી ફિલ્મ ‘સચિન: અ બિલિયન ડ્રીમ્સ’, ઈમરાન હાશમી અભિનીત ફિલ્મ ‘અઝહર’, શર્મન જોશી – બોમન ઈરાનીની ‘ફેરારી કી સવારી’, રિશી કપૂર – અક્ષય કુમાર અભિનીત ‘ધ પતિયાલા હાઉસ’, રાણી મુખર્જી – શાહિદ કપૂરની ફિલ્મ ‘દિલ બોલે હડિપ્પા’, હર્મન બાવેજા અભિનીત ‘વિક્ટરી’, ઈમરાન હાશમી – સોનલ ચૌહાણ અભિનીત ફિલ્મ ‘જન્નત’. આ ફિલ્મમાં ક્રિકેટ પર લગાડવામાં આવતા સટ્ટાની વાત વણી લેવામાં આવી હતી.
મીરાબાઈ – નોટ આઉટ એ ફિલ્મમાં મંદિરા બેદી, ઈજાઝ ખાન અને અનુપમ ખેરની ફિલ્મ ભૂમિકા હતી. આ ફિલ્મમાં ક્રિકેટ પ્રેમી મહિલાની વાત વણી લેવામાં આવી હતી. રાહુલ બોસ અભિનીત ‘ચૈન ખૂલી કી મૈન ખૂલી’, કુણાલ કપૂર અને રીમા સેન અભિનીત ‘હેટ્રીક’, સંજય સૂરી, મિલિન્દ ચૌહાણ, શ્રદ્ધા નિગમ અભિનીત ફિલ્મ ‘સે સલામ ઈન્ડિયા’, નસીરુદ્દીન શાહ, શ્રેયસ તળપદે અભિનીત ‘ઈકબાલ’, રવિના ટંડન અભિનિત – નિર્મિત ફિલ્મ ‘સ્ટમ્પ્ડ’, આમિર ખાન – ગ્રેસીસિંહ અભિનીત ફિલ્મ ‘લગાન’, દેવઆનંદ નિર્મિત – દિગ્દર્શિત અને અભિનિત તેમજ આમિર ખાન – આદિત્ય પંચોલી અભિનીત ‘અવ્વલ નંબર’, કુમાર ગૌરવ – રતિ અગ્નિહોત્રી
અભિનીત ‘ઓલ રાઉન્ડર’, અને ૧૯૫૯માં ઓલી
દેવઆનંદ – માલા સિંહાની ‘લવ મેરેજ’નો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં દેવ આનંદે ક્રિકેટરની ભૂમિકા ભજવી હતી. આમાંની મોટાભાગની ફિલ્મો ‘હિટ’ સાબિત થઈ હતી. આ બધી જ ફિલ્મોના કેન્દ્રસ્થાને માત્ર ક્રિકેટ જ હતું.
ક્રિકેટ પછી ફૂટબોલના વિષય પર બનેલી ફિલ્મો પર એક નજર નાંખીએ તો ‘મૈદાન’ સિવાય ‘ધનધનાધન ગોલ’ નામની ફિલ્મ આવી હતી. જેમાં જહોન અબ્રાહમ, બિપાશા બાસુ, બોમન ઈરાની અને અર્શદ વારસી જેવા કલાકારો હતા. અનિલ કપૂર, અમૃતાસિંહ, રાખી અભિનીત ફિલ્મ ‘સાહેબ’, આર. માધવન, નાઝીર ખાન અને પરઝાન દસ્તુરની ફિલ્મ ‘સિકંદર’, રાજ કિરણ, દિપ્તી નવલ અભિનીત ફિલ્મ ‘હિપ હિપ હુર્રે’, જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
બોક્સિગં પર બનેલી ફિલ્મોમાં ‘મેરી કોમ’ ઉપરાંત હાલમાં જ આવેલી સાઉથની પણ હિન્દીમાં ડબ થયેલી ફિલ્મ ‘લાઈગર’, ધર્મેન્દ્ર, સની દેઓલ, બોબી દેઓલ અભિનીત ફિલ્મ ‘અપને’, ફરહાન અખ્તર અભિનીત ફિલ્મ ‘તૂફાન’, મિથુન ચક્રવર્તી અભિનીત ફિલ્મ ‘બોક્સર’, પરમીશ વર્મા અભિનીત ફિલ્મ ‘રોકી મેન્ટલ’, અજય દેવગણ, કરિશ્મા કપૂર, પરેશ રાવળ, અજીત, ગુલશન ગ્રોવર અભિનીત ફિલ્મ ‘જીગર’, ધર્મેન્દ્ર, રીના રોય, અમરીશ પુરી અભિનીત ફિલ્મ ‘મૈ ઈન્તકામ લૂંગા’, આર. માધવનની ‘સાલા ખડૂસ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
આમિર ખાન, ફાતિમા સના શેખ, સાનિયા મલહોત્રા, સાક્ષી તનવર અને ઝાયરા વસીમની ફોગાટ કુટુંબ પરની ‘બાયોપિક’ ફિલ્મ ‘દંગલ’એ કુસ્તી પર આધારિત ફિલ્મ હતી. આવી જ બીજી એક ફિલ્મ હતી ‘સુલતાન’ જે એકદમ કાલ્પનિક ફિલ્મ હતી, જેમાં સલમાન ખાન, અનુષ્કા શર્મા, રણદીપ હુડા, અમિત સાધની ભૂમિકા હતી. આ સિવાય હિન્દીમાં ‘ડબ’ થયેલી ‘પૈલવાન’નો ઉલ્લેખ જરૂરી છે, જેમાં સુદીપ, આકાંક્ષા સિંહ, સુનીલ શેટ્ટીની મુખ્ય ભૂમિકા હતી. આ બધી ફિલ્મો પહેલવાની પર આધારિત હતી. આવી ફિલ્મોની શરૂઆત દારાસિંહે કરી હતી. તેમની અનેક ફિલ્મોમાં પહેલવાની બતાડવામાં આવતી હતી.
હવે હોકી પર બનેલી ફિલ્મોની વાત કરીએ તો પહેલાં ‘ગોલ્ડ’નો ઉલ્લેખ થવો જરૂરી છે. અક્ષય કુમાર, મૌની રોય, સન્ની કૌશલ, કુણાલ કપૂર અને અમિત સાધ અભિનીત આ ફિલ્મમાં ૧૯૪૮ની વાત વણી લેવામાં આવી હતી. ફિલ્મમાં અક્ષય કુમારે તપન દાસની ભૂમિકા કરી હતી. ફિલ્મમાં ભારતીય હોકી ટીમ કઈ રીતે ઓલિમ્પિકમાં ‘ગોલ્ડ મેડલ’ મેળવે છે તે વાત વણી લેવામાં આવી હતી. આ બીજી ફિલ્મ હતી ‘ચક દે ઈન્ડિયા’. ફિલ્મમાં શાહરૂખ ખાન, સાગરિકા ઘાટગે, વિદ્યા માલવડે, ચિત્રાશી રાવત જેવા કલાકારો હતા. આ ફિલ્મ હોકી કોચ મીર રંજન નેગીના જીવન પર બનાવવામાં આવી હતી અને બોક્સઑફિસ છલકાવી દીધી હતી. હોકી પર બનેલી બીજી એક ફિલ્મ હતી ‘સૂરમા’. ફિલ્મમાં દિલજીત દોસાંજ, તાપસી પન્નુ અને અંગદ બેદીની મુખ્ય ભૂમિકા હતી અને તે સંદિપસિંહ નામના હોકી પ્લેયર પર બનેલી બાયોપિક ફિલ્મ હતી.
હવે દોડવીરો પર બનેલી ફિલ્મ પર એક નજર નાંખીએ તો સૌથી વધારે રસપ્રદ ફિલ્મ ‘ભાગ મિલ્ખા ભાગ’ હતી. મિલ્ખાસિંહ અને તેની પુત્રીએ લખેલા આત્મકથાનત્મક પુસ્તક ‘ધ રેસ ઑફ માય લાઈફ’નો આધાર લઈને આ ફિલ્મ બનાવવામાં આવી હતી. ફિલ્મમાં મિલ્ખાસિંહની ભૂમિકા ફરહાન અખ્તરે ભજવી હતી. તેની સાથે દિવ્યા દત્તા, પવન મલહોત્રા, દિલીપ તાહિલ, યોગરાજસિંહ અને પ્રકાશ રાજ જેવા કલાકારો હતા. રૂ. ૪૧ કરોડને ખર્ચે બનેલી આ ફિલ્મે લગભગ રૂ. ૨૦૦ કરોડની કમાણી કરી હતી. આવી બીજી ફિલ્મ હતી ‘બુધિયા સિંહ – બોર્ન ટુ રન’. ફિલ્મમાં પાંચ વર્ષના એક બાળકની વાત હતી, જે નાની ઉંમરે મેરેથોન દોડીને વિક્રમ નોંધાવે છે.
માત્ર પાંચ વર્ષની ઉંમર સુધીમાં બુધિયાસિંહ ૪૮ મેરેથોનમાં ભાગ લે છે એની વાત આ ફિલ્મમાં વણી લેવામાં આવી હતી. ફિલ્મમાં બુધિયાના કોચની ભૂમિકા મનોજ બાજપાઈએ ભજવી હતી.
દોડવીર પર બનેલી વધુ એક ફિલ્મ હતી પાનસિંહ તોમર. જેમાં મુખ્ય ભૂમિકા ઈરફાન ખાને ભજવી હતી. પાનસિંહ તોમર એક સૈનિક હતા, ત્યાર પછી એથ્લિટ અને પછી ડાકુ બન્યા હતા, એ બધું આ ફિલ્મમાં દર્શાવાયું હતું. ૩૦૦૦ મીટર સ્ટીપલ ચેઝમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ એશિયન ગેમ્સમાં કરીને જે વિક્રમ સ્થાપ્યો હતો, તે ૧૦ વર્ષ સુધી અતૂટ રહ્યો હતો, આ ફિલ્મ માત્ર સાત કરોડમાં બની હતી અને તે સુપરહીટ સાબિત થઈ હતી.
હવે કાર રેસની વાત કરીએ તો બોલીવૂડમાં કાર રેસ પર બનેલી ફિલ્મોમાં સૌથી સફળ ફિલ્મ ‘અપરાધ’ હતી. ફિરોઝ ખાન નિર્મિત – દિગ્દર્શિત અભિનીત આ ફિલ્મમાં ફિરોઝ ખાન, મુમતાઝ, પ્રેમ ચોપરા જેવા કલાકારો હતા. આવી જ બીજી એક ફિલ્મ હતી ‘ચલતી કા નામ ગાડી’. કિશોરકુમાર, અનુપકુમાર, અશોકકુમાર, મધુબાલા અભિનીત આ ફિલ્મ કોમેડી ફિલ્મમાં કાર રેસના સારા દૃશ્યો હતા.
૨૦૦૭માં સૈફ અલી ખાન, રાણી મુખર્જી, જાવેદ જાફરી અભિનીત ફિલ્મ આવી હતી ‘તારા રમ પમ’ અમાં ‘ફોર્મ્યુલા વન કાર રેસ’ના દૃશ્યો સારી રીતે ફિલ્માવાયા હતા, અને બોકસઑફિસ પર પણ આ ફિલ્મને સફળતા મળી હતી.
સ્પોર્ટસ આધારિત ફિલ્મોમાં ‘જો જીતા વોહી સિકંદર’નો ઉલ્લેખ ન આવે તો આર્ટિકલ અધૂરો જ ગણાય. આ ફિલ્મ સાઈકલ રેસ પર બનેલી સૌથી સફળ ગણાય છે. ફિલ્મમાં આમિર ખાન, આયેશા ઝુલ્કા, દિપક તિજોરી, મામિક અને પૂજા બેદીની મુખ્ય ભૂમિકા હતી અને ફિલ્મના અંત ભાગમાં સાઈકલ રેસ ખૂબ જ સારી રીતે બતાડવામાં આવી હતી.
આમ પણ દર્શકોને ફિલ્મો અને ક્રિકેટ એ બંને ખૂબ જ આકર્ષે છે. અત્યારે એક તરફ આઈપીએલ ચાલી રહી છે ત્યારે રમતગમત પરની ફિલ્મો અંગે જાણવું રસપ્રદ સાબિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -