કૃષિ મહોત્સવની ‘કુપન’ વેચવામાં આવી હશે તો સહન નહીં કરાય એવું નિવેદન કર્યું: એકનાથ શિંદેએ કર્યો સત્તારને ફોન: આજે સત્તાર પોતાનું વલણ સ્પષ્ટ કરે છે
વિપુલ વૈદ્ય
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુસત્રના બીજા અઠવાડિયાનો પહેલો જ દિવસ રાજ્યની એકનાથ શિંદે સરકાર માટે આકરો નીવડ્યો હતો. મુખ્ય પ્રધાનના અત્યંત નજીકના માનવામાં આવતા અબ્દુલ સત્તારને નિશાન પર લેવામાં આવ્યા હતા. અધુરામાં પૂરું નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપેલા જવાબને કારણે સત્તારના ટેન્શનમાં વધારો થઈ ગયો છે. સોમવારે સાંજે નાગપુર પાછા ફરેલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સત્તાર સાથે વાત કર્યા પછી અબ્દુલ સત્તાર મોડે સુધી પોતાની કચેરીમાં કામ કરી રહ્યા હતા તેના પરથી તેઓ પોતાની સામેના આરોપોનો ખુલાસો જાતે જ વિધાનસભામાં કરે એવી શક્યતા જણાઈ રહી છે.
વાશિમ ખાતેના કથિત જમીન કૌભાંડ અને સિલ્લોડમાં કૃષિ મહોત્સવ પરથી વિપક્ષી નેતા અજિત પવારે સોમવારે કૃષિ પ્રધાન અબ્દુલ સત્તાર પર ગંભીર આરોપ કર્યા હતા. અધિવેશનમાં અત્યંત આક્રમક થતાં તેમણે કહ્યું હતું કે કૃષિ મહોત્સવના નામે ‘કુપન’ છાપીને વસૂલી કરવામાં આવી રહી હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો. અજિત પવાર સહિત સમગ્ર વિપક્ષે અબ્દુલ સત્તારના રાજીનામાની માગણી કરી હતી.
તેમણે કહ્યું હતું કે મારી પાસે પુરાવા છે કે જે જિલ્લામાં 10થી વધુ તાલુકા છે ત્યાં પ્લેટિનમ કાર્ડ, તેને માટે રૂ. 25,000ની કિંમતત, અન્ય ‘કુપન’ના પાંચ હજાર, સાડાસાત હજાર અને દસ હજારના દર નિર્ધારિત કરવામાં આવ્યા છે અને તેના મારી ાપસે પુરાવા છે.
તેના પર જવાબ આપતાં દેવેન્દ્ર ફડણવીસે અબ્દુલ સત્તારનું ટેન્શન વધારી નાખ્યું હતું. ફડણવીસે કહ્યું હતું કે જો આવું થતું હશે તો તેના પર ચોક્કસ આકરી કાર્યવાહી થશે.
‘આ વખતે રાજનામું આપો, રાજીનામું આપો, અબ્દુલ સત્તાર રાજીનામું આપો.’ સત્તારની હકાલપટ્ટી થવી જ જોઈએ, ગોચરની જમીન વેચનારાને જોડાથી મારો, પન્નાસ ખોકે, એકદમ ઓકે, સત્તારાને ઘેતલે ખોકે, સરકાર મ્હણતેય ઓકે એવા સૂત્રોચ્ચાર વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા. આ બધાને પગલે હવે સત્તારનું આજે શું થાય છે તેના પર બધાનું ધ્યાન છે.