PM મોદીએ વાગોળી વડોદરા સાથેની યાદો! ‘વડોદરા માતાની જેમ પ્રેમ આપતુ શહેર છે, આ શહેરે ક્યારેક મને પણ સાચવ્યો હતો અને મારુ લાલનપાલન કર્યુ હતું.’

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

પાવાગઢ મહાકાળી માંના દર્શન કર્યા બાદ PM નરેન્દ્ર મોદી વડોદરા પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ વડોદરા એરપોર્ટથી એક ખુલ્લી જીપમાં સવાર થઇ લેપ્રસી મેદાન પહોંચ્યા હતા. તેમણે ખુલ્લી જીપમાંથી તેમની રાહ જોઈ રહેલી જનતાનું અભિવાદન ઝીલ્યું હતું.
PM મોદીએ તેમના હિન્દીમાં આપેલા ભાષણ દરમિયાન વચ્ચે વચ્ચે ગુજરાતીમાં બોલી વડોદરા સાથેની યાદો તાજી કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘વડોદરા માતાની જેમ પ્રેમ આપતુ શહેર છે. કારણ કે આ સંસ્કારની નગરી છે. આ શહેર આવનારા તમામ લોકોને સંભાળે છે અને સુખ દુ:ખમાં સાથ આપે છે. આ શહેરે ક્યારેક મને પણ સાચવ્યો હતો અને મારુ લાલનપાલન કર્યુ હતું. આ નગર પ્રેરણાનું નગર છે.’

વડાપ્રધાન મોદીએ રિમોટથી બટન દબાવીને ગુજરાત માટેના 21,000 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. તો PM મોદીએ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને પોષણ સુધા યોજનાનો સ્ટેજ પરથી પ્રારંભ કરાવ્યો હતો. તેમણે મેદાનમાં હાજર હજારોની જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે, ‘હવે તમારા ઘરે એક દિવસ મહેમાન આવે તેમને ક્યાંક લઈ જવા હોય તો નવા બનેલા પાવાગઢમાં લઈ જાઓ. ત્રણ-ચાર દિવસ લઈ જવા હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈ જાઓ. વડોદરાની તો પાંચેય આંગળીઓ ઘીમાં છે. વડોદરાને સ્માર્ટ બનાવવા 1,000 કરોડ રૂપિયા અને ૨૫ પ્રોજેક્ટ સ્વીકૃત કરાયા છે. વડોદરાને સેન્ટ્રલ યુનિવર્સિટી, સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને રેલવે યુનિવર્સિટી પણ મળી છે. વડોદરામાં ગરબા હોય ત્યારે આખો દેશ જુએ. દેશના દરેક ખૂણાના લોકો અહી રહે છે, ભણે છે. વડોદરા સર્વિસ સેક્ટરનું એક હબ બન્યું છે. અહીં બોમ્બાર્ડિયર કંપનીની મેટ્રો દુનિયામાં જઈ રહી છે.’

તેમણે વડોદરા શહેર સાથે તેમની યાદો અને શહેરના ગૌરવપૂર્ણ વારસા વિષે કહ્યું હતું કે, ‘વડોદરાના શાસ્ત્રીપોળ, રાવપુરા સહિતનાં સ્થળોને ક્યારેય નહીં ભૂલી શકું, ડભોઇ, પાદરા સાથે મારી ગણી ગણાય નહીં એટલી યાદો છે. ૨૦૧૪માં અહીંથી લોકસભા ચૂંટણી લડ્યો ત્યારે નવનાથ અને કાશી વિશ્વનાથ મંદિરમાં મને આશીર્વાદ મળ્યા. વડોદરા માતાની જેમ પ્રેમ આપતુ શહેર છે, કારણ કે આ સંસ્કારની નગરી છે. આ શહેર આવનારા તમામ લોકોને સંભાળે છે. આ નગર પ્રેરણાનું નગર છે, જેમાં સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, વિનોબા ભાવે, બાબા સાહેબ આંબેડકર જેવા લોકોને પ્રેરિત કર્યાં છે.
બેલૂર મઠના અધ્યક્ષ અને મારી કિશોર અવસ્થામાં મારા જીવનને ઘડપણની ભૂમિકા ભજવી તેવા સ્વામી આત્માનંદની ઉપસ્થિતિમાં મને વડોદરામાં દિલારામ બંગલો રામકૃષ્ણ મિશનને સોંપવાનો મોંકો મળ્યો હતો. વડોદરા આવો તો જૂની યાદ આવે, આ શહેરે મને બાળકની જેમ સાચવ્યો, પોતાપણાનો ભાવ આપ્યો. વિકાસયાત્રામાં વડોદરાનું યોગદાન હુ નહિ ભૂલું.’

આ દરમિયાન વડાપ્રધાને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને પોષણ સુધા યોજનાનો સ્ટેજ પરથી પ્રારંભ કરાવતા કહ્યું હતું કે, ‘અહીની આદિવાસી બહેનો અને બાળકોની સમસ્યા મેં નજીકથી જોઈ હતી. સિકલસેલથી આદિવાસી બહેનો પીડાતી હતી. આ સમસ્યા અમારી સરકાર પહેલા પણ હતી. પણ કોઈનાં પેટનુ પાણી ન હલ્યુ, અને અમે આ બીડુ ઉપાડ્યું. ગુજરાત સરકારે પોષણ પર હંમેશા ધ્યાન આપ્યુ છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે CM ભૂપેન્દ્ર પટેલને અભિનંદન. પોષણ સુધા યોજનાનો વિસ્તાર તમામ આદિવાસી જિલ્લા તાલુકામાં વધાર્યો છે. આ દીકરાને કારણે ગુજરાતની બહેનો 3000 કરોડની સંપતિની માલિક બની છે.’

તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘આજનો દિવસ મારા માટે માતૃવંદનાનો દિવસ છે. આજે સવારે જન્મદાત્રી માતાના આર્શીવાદ લીધા, તેના બાદ જગતજનની મહાકાળીના આશીર્વાદ લીધા. અને હવે સભામાં માતૃશક્તિના વિરાટ રૂપનુ દર્શન કર્યુ. આજે જીપમાં સવાર થઈને અહી સુધી આવ્યો તો મહિલા શક્તિના દર્શન થયા. આજે મને એવી માતાઓ મળી જેમના હાથે મેં ક્યારેક રોટલી ખાધી હતી.’

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.