નવી દિલ્હી: આખી દુનિયા કટોકટીની સ્થિતિમાં છે, એ સંજોગોમાં વિશ્ર્વનું રાજકીય-આર્થિક વહીવટી માળખામાં પરિવર્તન માટે વિકાસશીલ દેશોને અગ્રેસર થવાનો અનુરોધ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો. બે દિવસની વોઇસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટના ઉદ્ઘાટન સત્રમાં વક્તવ્ય આપતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે આજની સ્થિતિમાં વિકાસશીલ રાષ્ટ્રોની આગેવાનીમાં પ્રયત્નોથી અસમાનતાઓ દૂર થશે અને અવસરો વ્યાપક બનશે.
ભારતના યજમાનપદે યોજાયેલી વર્ચ્યુઅલ ગ્લોબલ સાઉથ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે વડા પ્રધાને યુક્રેન-રશિયાની લડાઈ, ત્રાસવાદ અને પર્યાવરણમાં ફેરફારોને કારણે ઊભી થતી અન્ન-ખાદ્ય તથા ઊર્જા ક્ષેત્રોની પડકાર રૂપ સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો. એ સમસ્યાઓ તથા તેનાં કારણો માટે જવાબદાર ન હોવા છતાં વિકાસશીલ દેશોને તેની ઝાળ લાગી
રહી છે. આપણે યુદ્ધ, સંઘર્ષ, ત્રાસવાદ, ભૌગોલિક-રાજકીય તંગદિલી, અન્ન-ખાદ્ય, ખાતર અને ઇંધણના ભાવોમાં વધારો, પર્યાવરણમાં ફેરફારોને પગલે આવેલી કુદરતી આફતો અને કોરોના રોગચાળાને કારણે અર્થતંત્ર પર પડેલી ઘેરી અસરો મૂકનારા વર્ષને તાજેતરમાં વિદાય આપી છે. વિશ્ર્વ કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે, એ બાબત સ્પષ્ટ છે. આ અસ્થિરતા કેટલો લાંબો વખત રહેશે, એ કહેવું મુશ્કેલ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્ર્વને ફરી ઊર્જાવાન બનાવવાની જરૂર છે. હાલના પડકારોના પ્રતિકાર માટે ‘પ્રતિસાદ, સ્વીકાર, સન્માન અને સુધાર’નો વૈશ્ર્વિક કાર્યક્રમ અપનાવવાની જરૂર છે. આ વૈશ્ર્વિક કાર્યક્રમમાં સર્વસમાવેશક અને સમતોલ ઇન્ટરનેશનલ એજન્ડા ઘડીને ‘ગ્લોબલ સાઉથ’ની પ્રાથમિકતાઓને પ્રતિસાદ, ‘સર્વસામાન્ય, પણ વિભાજિત જવાબદારીઓ’નો સિદ્ધાંત તમામ વૈશ્ર્વિક પડકારોને લાગુ થાય છે, એ બાબતનો સ્વીકાર, તમામ રાષ્ટ્રોના સાર્વભૌમત્વનું સન્માન અને મતભેદો તથા વિવાદોનું કાયદેસર અને શાંતિમય રીતે નિવારણ તેમ જ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારણાનો સમાવેશ છે.
ગ્લોબલ સાઉથ સંગઠનમાં મુખ્યત્વે એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના વિકાસશીલ દેશોનો સમાવેશ છે. વર્ચ્યુઅલ વોઇસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટમાં બંગલાદેશ, થાઈલૅન્ડ, ઉઝબેકિસ્તાન, વિયેતનામ, કંબોડિયા, ગુયાના, મોઝામ્બિક, મોંગોલિયા અને સેનેગલ સહિત કેટલાક દેશો સામેલ થયા હતા.
વડા પ્રધાને કહ્યું હતું કે ગ્લોબલ સાઉથનો અવાજ ભારતનો અવાજ છે. તમારી પ્રાથમિકતાઓ ભારતની પ્રાથમિકતાઓ છે. (એજન્સી)
———
ભારતને ગતિશીલ રાખતું પરિબળ ‘યુવાશક્તિ’
હુબલી (કર્ણાટક): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું કે ભારતને ગતિશીલ રાખતું પરિબળ ‘યુવાશક્તિ’ છે અને દેશની આર્થિક વૃદ્ધિ નવયુવકોને મોટા અવસરો પ્રદાન કરે છે. કર્ણાટકના હુબલીમાં યોજાયેલા રાષ્ટ્રીય યુવા મહોત્સવને સંબોધતાં મોદીજીએ રાષ્ટ્રના વિકાસ અને સિદ્ધિઓનું વર્ણન કર્યું હતું.
વડા પ્રધાને જણાવ્યું હતું કે ભારત બહુવિધ ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહ્યું છે. આપણો દેશ રમકડાંના ઉત્પાદન, પર્યટન, સંરક્ષણ અને ડિજિટલ ટેક્નોલૉજી સહિત અનેક ક્ષેત્રોમાં સમગ્ર વિશ્ર્વમાં અગ્રીમ હરોળમાં પહોંચ્યો છે. આજે દુનિયાના ખૂણે ખૂણેથી લોકો બુલંદ અવાજે કહે છે કે ૨૧મી સદી ભારતની છે. આ સદી તમારી, ભારતના યુવાનોની સદી છે. દુનિયાના સૌથી આધુનિક રાષ્ટ્રથી આગળ નીકળી જવા માટે સહેજ અટકવું પડે તો તેમાં કોઈ વાંધો ન હોવો જોઇએ. એ ‘હકારાત્મક સ્થગિતતા’ છે. આ ઇતિહાસનો વિશિષ્ટ કાળ છે અને આજની પેઢી પણ વિશિષ્ટ છે. (એજન્સી)
———-
આજે વારાણસીના ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કરશે
વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુક્રવારે વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન થનાર ‘ટેન્ટ સિટી’નો વિકાસ ગુજરાતના કચ્છ અને રાજસ્થાનની તર્જ પર કરવામાં આવ્યો છે. વારાણસીમાં ગંગાના રેતાળ કિનારે, બસોથી વધુ તંબુઓ પ્રવાસીઓને જીવંત શાસ્ત્રીય સંગીત, સાંજે ‘આરતી’ અને યોગ સત્રો સાથે નદીની બીજી બાજુએ પવિત્ર શહેરના પ્રખ્યાત ઘાટનું મનોહર દૃશ્ય પ્રદાન કરે છે. વારાણસીના ડિવિઝનલ કમિશનર કૌશલ રાજ શર્માએ જણાવ્યું હતું કે, દરેક દસ હેક્ટરના ત્રણ ક્લસ્ટરમાં ટેન્ટ સિટીનો સમાવેશ થાય છે અને તે શહેરની પ્રવાસન ક્ષમતાને વેગ આપશે તેવી અપેક્ષા છે.
વારાણસી ડેવલપમેન્ટ ઓથોરિટીના વાઈસ ચૅરમૅન અભિષેક ગોયલે કહ્યું કે ટેન્ટ સિટી ધર્મ, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો સંગમ હશે. ટેન્ટ સિટીના મહેમાનો સૂર્યોદય, સવારે લાઇવ મ્યુઝિક ઇવેન્ટ્સ, નદી કિનારે યોગ સત્ર તેમજ બોટ પ્રવાસનો અનુભવ કરશે.
તમામ પ્રવાસીઓના આરામ, સગવડ અને સલામતી માટે વિશેષ કાળજી લેવામાં આવી છે.
ગોયલે જણાવ્યું હતું કે તંબુઓના ત્રણ ક્લસ્ટરમાં દરેક નવસો ચોરસ ફૂટના વિલા, ૪૮૦થી ૫૮૦ ચોરસ ફૂટના સુપર ડીલક્સ આવાસ અને પ્રત્યેક અઢીસોથી ચારસો ચોરસ ફૂટના ડીલક્સ આવાસનો સમાવેશ થાય છે.
સ્વિસ કોટેજ, રિસેપ્શન એરિયા, ગેમિંગ ઝોન, રેસ્ટોરન્ટ્સ, ડાઇનિંગ એરિયા, કોન્ફરન્સ વેન્યુ, સ્પા અને યોગ સેન્ટર્સ, લાઇબ્રેરી અને આર્ટ ગેલેરી સાથે ટેન્ટ સિટી સંપૂર્ણ છે.
તે ગંગાના રેતાળ કિનારે વોટર સ્પોર્ટ્સ અને ઊંટ અને ઘોડેસવારી પણ ઓફર કરશે.
ટેન્ટ સિટીના ડિઝાઇનર નીરજ ઉપાધ્યાયે કહ્યું કે તંબુઓને મંદિરના ગુંબજનો આકાર આપવામાં આવ્યો છે. તંબુઓ લક્ઝરીનો અહેસાસ કરાવશે અને હોટેલની સુવિધાઓ પ્રદાન કરશે.
તેમાં કાશીની છબી રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટેન્ટ સિટીનું વાતાવરણ એવું છે કે તે પાંચેય ઇન્દ્રિયોને ગલીપચી કરશે.
ચંદન, ગુલાબ અને લવંડરની સુગંધ ટેન્ટ સિટીમાં સુગંધિત થઈ શકે છે. પ્રખ્યાત બનારસી થંડાઈ, ચાટ અને બનારસી પાનનો સ્વાદ પ્રવાસીઓ માટે એક ટ્રીટ હશે.
શહેરનાં પોલીસ કમિશનર મુથા અશોક જૈને જણાવ્યું હતું કે ટેન્ટ સિટી માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં બે હંગામી પોલીસ ચોકીઓ ઊભી કરવામાં આવી છે.
ટેન્ટ સિટીમાં માંસાહારી ખાદ્ય પદાર્થો અને દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. (એજન્સી)