મુંબાદેવી મંદિર પરિસરનો વારાણસીને ધોરણે વિકાસ કરો

આમચી મુંબઈ

ભાજપના વિધાનસભ્ય રાજ પુરોહિતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને લખ્યો પત્ર:
ભાવિકોને માટે અનેક પ્રકારની સુવિધા વિકસાવવાની યોજના: પાલિકાનો ખાલી પ્લોટ આપવાની વિનંતી

રાજ્યમાં ક્યાં મંદિરોમાં છે ભક્ત નિવાસ
મહારાષ્ટ્રમાં અષ્ટવિનાયકના બધા જ મંદિરો, શિરડી, પંઢરપુર, ગણપતિપુળે જેવા મોટા ભાગના બધા જ મોટા અને મહત્ત્વના મંદિરમાં ભક્ત નિવાસની સુવિધા વિકસાવવામાં આવી છે. શિરડી પરિસર અને પંઢરપુર પરિસરમાં તો વ્યવસ્થિત રીતે વિકાસ કરવામાં આવ્યો છે. આવી જ રીતે મુંબાદેવી મંદિરનો વિકાસ કરવામાં આવે એવી માગણી છે.

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વારાણસીના કાશી વિશ્ર્વનાથ મંદિરના ધોરણે મુંબઈનું નામ જેના પરથી પડ્યું છે તે મુંબાદેવી મંદિરનો વિકાસ કરવાનો પ્રસ્તાવ મુંબઈના વિધાનસભ્ય રાજ પુરોહિતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સમક્ષ રજૂ કર્યો છે અને આને માટે મંદિરની બાજુમાં આવેલા મુંબઈ મનપાના ખાલી પ્લોટને મંદિર ટ્રસ્ટને હસ્તાંતરિત કરવાની માગણી કરી છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મોકલાવવામાં આવેલા પત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મુંબાદેવી મંદિર ૨૦૦ વર્ષથી જૂનું એટલે કે ઐતિહાસિક મંદિર છે. મુંબાદેવી મુંબઈની ગ્રામદેવી છે અને તેના નામ પરથી જ શહેરનું નામ મુંબઈ પડ્યું છે.
મુંબાદેવી મંદિરના દર્શને ફક્ત મુંબઈમાંથી જ નહીં આખા દેશમાંથી લોકો આવતા હોય છે, પરંતુ આ મંદિર પરિસરની જગ્યા ઘણી ઓછી હોવાથી ભાવિકો માટે અનેક પ્રકારની સગવડ-સુવિધા મંદિર ટ્રસ્ટ ઊભી કરી શકતું નથી.
કાશી વિશ્ર્વનાથ મંદિર પરિસરના વિકાસ માટે જેમ ઓથોરિટી બનાવવામાં આવી હતી એવી રીતે એક ઓથોરિટી બનાવીને મંદિરની આસપાસ આવેલા અન્ય નાના મોટા મંદિરો, દુકાનો, ગાર્ડન, મેદાન, આસપાસની એક-ચાલીઓને સમાવીને અહીં મુંબાદેવી કોરિડોર બનાવી શકાય એમ છે. અત્યારે મેદાન પર ગેરકાયદે અતિક્રમણ થઈ રહ્યા છે. મંદિરની આસપાસ પણ અનેક અતિક્રમણો થયા છે. આ બધાને વ્યવસ્થિત કરવું આવશ્યક છે, કેમ કે શનિ-રવિ, રજાના દિવસો, નવરાત્રીના સમયગાળામાં આ મંદિરમાં આવતા ભાવિકોની સંખ્યા ઘણી મોટી હોય છે. તેમ જ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ મુંબઈમાં આવે ત્યારે પહેલાં આ મંદિરને જોવા માટે આવતા હોય છે. જેવી રીતે કાશીની ઓળખ વિશ્ર્વનાથ મંદિર છે, તેવી રીતે મુંબઈની ઓળખ મુંબાદેવી મંદિર છે. તેથી તેનો વિકાસ કાશીના ધોરણે થવો જોઈએ, એમ ભાજપના વિધાનસભ્ય રાજ પુરોહિતે મુંબઈ સમાચારને જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે મુંબાદેવી મંદિર પરિસર અત્યંત ધમધમતો વિસ્તાર છે અને અહીં મંદિરના વિકાસ તેમ જ અન્ય સુવિધાઓ વિકસાવવા માટે જગ્યા ઉપલબ્ધ નથી. આ મંદિર જે પરિસરમાં આવેલું છે તે માર્કેટ વિસ્તાર છે અને આર્થિક સર્વેક્ષણને આધારે મુંબઈનું ૭૫ ટકા મહેસુલ આ વિસ્તારમાંથી કેન્દ્ર અને રાજ્ય સરકારને મળે છે. આ મંદિરમાં આવતા ભાવિકોને માટે આવશ્યક સગવડ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે મંદિર પ્રશાસન પ્રયત્નશીલ છે, પરંતુ જગ્યાના અભાવે ભાવિકો માટે દર્શનની નિયોજનબદ્ધ લાઈન, સ્વચ્છતાગૃહ, ભક્તનિવાસ, વિશ્રામગૃહ, સ્વચ્છ પીવાના પાણીની સુવિધા તેમ જ ભાવિકોના વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવાની ઈચ્છા મંદિર ટ્રસ્ટની છે. તેમ જ ભાવિકો તેમ જ સ્થાનિક નાગરિકો માટે એક મોટું મેડિકલ સેન્ટર પણ બાંધવાની યોજના છે. આથી મંદિરની ઉત્તર દિશામાં મુંબઈ મનપાની માલીકીના ખાલી પડેલા પ્લોટનો ઉપયોગ કરવા દેવાની માગણી કરવામાં આવી છે.
તેમણે એવી માહિતી આપી હતી કે મંદિરની ઉત્તર દિશામાં ૬૦૧૫.૯૩ ચો. મીટરનો મોટો પ્લોટ ખાલી પડ્યો છે. એક સમયે અહીં મુંબઈ મનપાની સ્કૂલ હતી, પરંતુ ૨૫ વર્ષ પહેલાં સ્કૂલ બંધ થઈ ગઈ હતી અને ૧૦ વર્ષ પહેલાં તો આ જર્જરિત ઈમારતને તોડી પણ પાડવામાં આવી હતી. આ પ્લોટ પર થોડા સમય પહેલાં પે એન્ડ પાર્કની સુવિધા વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિકોના વિરોધને કારણે તે યોજના પણ પડી ભાંગી હતી. છેલ્લા ત્રણ મહિનાથી આ પ્લોટ સાવ ખાલી પડ્યો છે અને તેનો સદુપયોગ કરી શકાય એમ છે. મંદિર પરિસરમાં આવેલા દુકાનદારોને પણ તેમાં સમાવી શકાશે. અત્યારના આડેધડ વિકાસને બદલે પદ્ધતિસરનો વિકાસ કરવામાં આવશે તો આખી દુનિયામાં મુંબાદેવી મંદિરની ખ્યાતિમાં વધારો થશે.
મુંબા દેવી મંદિરના મેનેજર હેમંત જાધવે જણાવ્યું હતું કે મંદિરમાં આવનારા લોકોને ટોઈલેટ, પાર્કિંગ, અન્નક્ષેત્ર વગેરે જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે મંદિરને વધુ જગ્યાની આવશ્યકતા છે અને તેને માટે મુખ્ય પ્રધાનને વિનંતી કરવામાં આવી છે. મુંબઈમાં ઈસ્કોન મંદિરને બાદ કરતાં એકેય મંદિરમાં બહારગામથી આવનારા ભાવિકો માટે ભક્ત નિવાસની સુવિધા નથી, પરંતુ રાજ્ય સરકારનો સહકાર મળે તો શ્રી મુંબાદેવી મંદિર ચેરિટી ટ્રસ્ટ શહેરમાં ભક્તનિવાસ બનાવવાની તૈયારી ધરાવે છે. રાજ્યના બાકીના મોટા ભાગના મંદિરોમાં ભક્તનિવાસની સુવિધા કરવામાં આવી છે. આ વિકાસના કામ માટે મંદિર ટ્રસ્ટ બધો જ ખર્ચ પણ કરવા તૈયાર છે, રાજ્યસરકારના સહકારની આવશ્યકતા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.