દેવદાસ: પેજથી પ્રોજેક્ટર સુધી પ્રાદેશિક પુસ્તકનો પાવર (ભાગ -૩)

મેટિની

મલ્ટીપલ મેગ્નમ ઓપસ મુવીઝનો આધાર બનેલી એક નવલકથા

શો- શરાબા -દિવ્યકાંત પંડ્યા

આ સિરીઝમાં પહેલા અઠવાડિયે પ્રાદેશિક ભાષાના પુસ્તકો પરથી બંનેની અનેકવિધ હિન્દી ફિલ્મ્સની વાત કર્યા પછી આપણે ગયા અઠવાડિયે વાત કરી શરતચંદ્ર ચટ્ટોપાઘ્યાયની ઉત્કૃષ્ટ બંગાળી નવલકથા ‘દેવદાસ’ પરથી બનેલી અમુક ફિલ્મ્સની. પણ ‘દેવદાસ’ પરથી તો એક-બે નહીં, રેકૉર્ડબ્રેકિંગ વીસ ફિલ્મ્સ બની છે. સાત ફિલ્મ્સની વાત ગયા અઠવાડિયે કર્યા બાદ, ચાલો માંડીએ બાકીની ફિલ્મ્સની વાત!
૧૯૫૫માં બનેલી બિમલ રોય દિગ્દર્શિત દિલીપ કુમારની ક્લાસિક ‘દેવદાસ’ પછી છેક ૧૦ વર્ષે ફરી ‘દેવદાસ’ બની. પણ ૧૯૬૫માં બનેલી એ ફિલ્મની ખાસ વાત એ છે કે એ ફિલ્મ ભારતીય નહોતી. જી હા, દિગ્દર્શક ખ્વાજા સરફરાઝે બનાવેલી એ ફિલ્મ ઉર્દૂમાં બનેલી એક પાકિસ્તાની ફિલ્મ હતી. મજાની વાત એ છે કે મૂળ ભારતના એક છેડે લખાયેલી એક નવલકથા પરથી ભાગલા થયાના અઢાર વર્ષે પણ બીજા છેડે એક ફિલ્મ બનાવી હતી. હબીબ, શમીમ આરા અને નૈયર સુલતાના જેવા પાકિસ્તાની સ્ટાર કલાકારોએ ‘દેવદાસ’માં અભિનય કર્યો હતો.
એ પછી આવી વિજયા નિર્મલા દિગ્દર્શિત ‘દેવદાસુ’ (૧૯૭૪). વિજયા નિર્મલા એટલે ‘દેવદાસ’ પરથી ફિલ્મ બનાવનારી પહેલી અને અત્યાર સુધીની એકમાત્ર મહિલા દિગ્દર્શક. આ ફિલ્મ એમ તો અક્કીનેની નાગેશ્ર્વર રાવની ‘દેવદાસુ’ (૧૯૫૩)ની રીમેક પણ ખરી. વિજયા નિર્મલા દિગ્દર્શકની સાથે અભિનેત્રી પણ હતાં. ફિલ્મમાં પાર્વતીનું પાત્ર તેમણે જ ભજવ્યું છે.
આ દરમિયાન નવલકથાની મૂળ ભાષા બંગાળીમાં ફિલ્મ બનાવવાનો મેકર્સનો પ્રેમ અટકતો નહોતો. ૧૯૭૯માં દિગ્દર્શક દિલીપ રોયે બંગાળીમાં ‘દેબદાસ’ બનાવી. ફિલ્મમાં બંગાળી ભાષાના ધુરંધર કલાકારો જેવા કે સૌમિત્ર ચેટર્જી, સુપ્રિયા ચૌધરી, સુમિત્રા મુખર્જી વગેરેએ કામ કરેલું. પછી ત્રણ જ વર્ષે એટલે કે ૧૯૮૨માં પાછી બંગાળીમાં જ ‘દેવદાસ’ બની પણ આ વખતે એ બનાવનાર હતા બાંગ્લાદેશી દિગ્દર્શક ચાશી નઝરુલ ઈસ્લામ. કેવી નવીન વાત નહીં કે ફિલ્મ મૂળ ભાષામાં ખરી છતાં બીજા દેશની ગણાય. આખરે પાડોશી ખરા ને! પણ તેના છ વર્ષ પછી વળી ‘દેવદાસ’નું ભારતની એક નવી ભાષામાં ખેડાણ થયું. ૧૯૮૯માં કે. વેલાયુધન નાયર (ક્રોસબેલ્ટ મણિના નામથી જાણીતા)ના દિગ્દર્શનમાં ‘દેવદાસ’ મલયાલમમાં બની. ફિલ્મમાં દેવદાસનું પાત્ર ભજવેલું વેણુ નાગાવલ્લીએ, ચંદ્રમુખીનું પાત્ર ભજવેલું રામ્યા ક્રિશ્ર્નને (‘બાહુબલી’ ફેમ શિવગામી દેવી) અને પાર્વતીનું પાત્ર જોગાનુજોગ ભજવેલું પાર્વતી જયરામે!
એ પછી ફરી એક વખત ‘દેવદાસ’ના નવા એડેપ્ટેશનને પડદા સુધી પહોંચવામાં લાંબો સમય વીત્યો. પણ એ સમયની જાણે ખોટ પૂરવાની હોય તેમ ૨૦૦૨ના વર્ષમાં એકસાથે બે ફિલ્મ આવી. પહેલી ફિલ્મ એટલે દિગ્દર્શક શક્તિ સામંતા (‘આરાધના’, ‘કટી પતંગ’, ‘અમર પ્રેમ’, ‘કશ્મીર કી કલી’)ની બંગાળી ફિલ્મ ‘દેવદાસ’. દિગ્દર્શક તરીકેની તેમની એ છેલ્લી ફિલ્મ હતી. આ સિરીઝના પહેલા અઠવાડિયે ૧૯૭૬ની ફિલ્મ ‘બાલિકા વધુ’ની આપણે વાત કરેલી એ ફિલ્મનું નિર્માણ પણ તેમણે જ કરેલું. જો કે પ્રસેનજિત ચેટર્જી, અર્પિતા પાલ, ઈન્દ્રાણી હલદાર અભિનીત તેમની ‘દેવદાસ’ બૉક્સઑફિસ પર નિષ્ફ્ળ નીવડેલી. પણ એ જ વર્ષની બીજી ફિલ્મે ‘દેવદાસ’ને એક નવી ઊંચાઈ આપવામાં કોઈ જ કસર બાકી ન રાખી. એ ફિલ્મ એટલે ખરા અર્થમાં વિઝ્યુઅલી મેગ્નમ ઓપસના સર્જક સંજય લીલા ભણસાલીએ ડિરેક્ટ કરેલી શાહરૂખ ખાન, ઐશ્ર્વર્યા રાય, માધુરી દીક્ષિત અને જેકી શ્રોફ અભિનીત ‘દેવદાસ’! એ ફિલ્મની જાણવા અને માણવા જેવી વાતોનો તો એક આખો અલગ જ લેખ કરવો પડે, પણ અત્યારે તો આપણી સિરીઝના પ્રવાહમાં નોંધનીય વાતો જોઈ લઈએ.
૫૦ કરોડના એ વખતના તોતિંગ બજેટમાં બનેલી એ વખતની એ સૌથી મોંઘી ફિલ્મ હતી. જેમાંથી ૨૦ કરોડ તો ફક્ત સેટ બનાવવા પાછળ ખર્ચાયા હતા. સંજય લીલા ભણસાલી અને તેની ટીમે બ્રિટિશ રાજ વખતના કલકત્તાના મકાનોની ડિઝાઈન પર ખૂબ રિસર્ચ કરીને સેટ્સ બનાવેલા. ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થયા પહેલા કાન (હા, કાન્સ નહીં) ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થઈ હતી. ત્યાં ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ નહોતો મળ્યો પણ પછી થિયેટર રિલીઝ વખતે તો દર્શકોએ ફિલ્મને ભરપૂર વખાણી અને ૧૬૦ કરોડની કમાણી કરાવી આપી. ફિલ્મને ૧૧ ફિલ્મફેર ઍવોર્ડ્સ અને ૫ નેશનલ ઍવોર્ડ્સ મળ્યા છે. એટલું જ નહીં પણ વિશ્ર્વના પ્રખ્યાત બાફ્ટા (ઇઅઋઝઅ) ઍવોર્ડ્સ માટે પણ ફિલ્મ નોમિનેટ થઈ હતી. તેલુગુ અને મલયાલમને બાદ કરતા દરેક ફિલ્મના નામ દેવદાસ’ જ હોવા છતાં સંજય લીલા ભણસાલીને આ ટાઈટલ મેળવવા માટે તકલીફ પડી હતી કેમ કે નિર્માતા કે. ચોપરાએ પણ એ રજિસ્ટર કરાવીને રાખેલું.
શાહરૂખની ‘દેવદાસ’ પછી નવલકથા પરથી જે કંઈપણ બન્યું છે એમાંનું મોટાભાગનું આધુનિક છે. આધુનિક એ રીતે કે તેમાં કથાનક એ જ રાખીને સમય, પાત્રો અને સ્થળમાં મોટાપાયે ફેરફારો કરવામાં આવ્યા છે. વીસમી સદીના બ્રિટિશ રાજના પૂર્વાર્ધને બદલે એકવીસમી સદીની વાત કરવામાં આવી છે. ૨૦૦૯માં આવેલી અનુરાગ કશ્યપ દિગ્દર્શિત ‘દેવ.ડી’ એ પ્રકારની પહેલી ફિલ્મ. અભય દેઓલ, માહી ગિલ અને કલ્કી કેકલા (હા, કોચલીન નહીં) અભિનીત આ ફિલ્મમાં બેકડ્રોપમાં કલકત્તા નહીં પણ પંજાબ અને દિલ્હી છે. અહીં ચંદ્રમુખી ચંદા છે, તો પાર્વતી પરમિન્દર અને દેવદાસ દેવેન્દ્ર. અનુરાગ કશ્યપની આ મોડર્ન ટેકવાળી ફિલ્મ અત્યંત સફળ ફિલ્મ રહી. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી પણ એક ગીતમાં બેન્ડ સિંગર તરીકે દેખાય છે. ફિલ્મના સંગીત માટે અમિત ત્રિવેદીને નેશનલ ઍવોર્ડ મળેલો અને ફિલ્મફેરમાં પણ ફિલ્મ અલગ-અલગ છ કેટેગરીમાં ઍવોર્ડ્સ જીતી લાવેલી.
‘દેવ.ડી’ પછી ૨૦૧૦ અને ૨૦૧૩માં અનુક્રમે ઉર્દૂમાં બનેલી ઈકબાલ કશ્મીરીની પાકિસ્તાની ફિલ્મ અને બંગાળીમાં બનેલી ચાશી નઝરૂલ ઈસ્લામની બાંગ્લાદેશી ફિલ્મ
‘દેવદાસ’ આવી. હા. ચાશી નઝરૂલ ઈસ્લામે ૧૯૮૨ પછી ફરી વખત ‘દેવદાસ’ બનાવી હતી. ૨૦૧૩ની ફિલ્મ દુર્ભાગ્યવશ તેમની હ્યાતીમાં તેમની રિલીઝ થયેલી છેલ્લી ફિલ્મ બની રહી. એ પછી ૨૦૧૭માં એટલે કે નવલકથાના ૧૦૦ વર્ષે તેની અંજલિ રૂપે દિગ્દર્શક રીક બાસુએ બંગાળીમાં ‘દેવી’ નામની ફિલ્મથી ‘દેવદાસ’નું એડેપ્ટેશન કર્યું. હા, મૉડર્ન ટેક ઉપરાંત આ ફિલ્મમાં જેન્ડર આધારિત રોલ રિવર્સલ પણ કરવામાં આવ્યા. મતલબ મુખ્ય પાત્ર પુરુષ નહીં પણ ‘દેવી’ નામની સ્ત્રી અને બાકીના પાત્રો પાર્વતી અને ચંદ્રમુખી નહીં પણ પ્રતિક અને ચંદન! અને દેવી (પાઓલી દામ) પણ શરાબી નહીં પણ આજના સમય પ્રમાણે જંકી એટલે કે ડ્રગિસ્ટ. શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયે આવું કદી સપનેય નહીં વિચાર્યું હોય પણ સિનેમા તો સમાજનો અરીસો કહેવાય એટલે વાર્તામાં ફેરફાર તો સમય પ્રમાણે થવાના જ ને. એ ફેરફારના ભાગરૂપે જ ફોર્મેટ પણ બદલાયું અને ૨૦૧૭માં જ ઓલ્ટ બાલાજી પર દિગ્દર્શક કેન ઘોષની વેબ સિરીઝ આવી ‘દેવ ડીડી’. તેમાં પણ જેન્ડર પ્રમાણે રોલ રિવર્સલ જોવા મળ્યા હતા.
ક્લાસિક ‘દેવદાસ’ પરનું અત્યાર સુધીનું છેલ્લું એડેપ્ટેશન એટલે ૨૦૧૮માં આવેલી સુધીર મિશ્રાની ‘દાસ દેવ’. ફિલ્મની વાર્તા એટલે દેવના પ્રેમ ઉપરાંત તેની પોલિટિકલ કારકિર્દીમાં દાસથી દેવ બનવા સુધીની સફર પણ. ફિલ્મમાં રાહુલ ભટ્ટ, રિચા ચઢ્ઢા અને અદિતિ રાવ હૈદરીએ મુખ્ય પાત્રો ભજવ્યા છે. ‘દેવ.ડી’ના દિગ્દર્શક અનુરાગ કશ્યપે પણ તેમાં ગેસ્ટ અપિયરન્સ કર્યો છે.
‘દેવદાસ’ પુસ્તક અને ફિલ્મ જગત બંનેમાં સૌથી વધુ વંચાતી નવલકથા અને સૌથી વધુ ફિલ્મ એડેપ્ટેશન્સવાળી વાર્તા તરીકેની અભૂતપૂર્વ સિદ્ધિ ધરાવે છે. આ સિદ્ધિનું કારણ સંજય લીલા ભણસાલીના આ શબ્દોમાં સમાયેલું છે, ‘પ્રેમ શાશ્ર્વત છે અને દેવદાસ એક અદ્ભૂત લવ સ્ટોરી છે!’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.