દેવદાસ: એક ઉત્કૃષ્ટ નવલકથા, મલ્ટિપલ મેગ્નમ ઓપસ મૂવીઝ!

મેટિની

ભારતની સૌથી વધુ ફિલ્મ્સ એડેપ્ટેશન્સવાળી કહાણી – શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની ‘દેવદાસ’

શો- શરાબા -દિવ્યકાંત પંડ્યા

હિન્દી પુસ્તકો પરથી હિન્દી ફિલ્મ્સ અને પ્રાદેશિક પુસ્તકો પરથી પ્રાદેશિક ફિલ્મ્સ આપણા દેશમાં ઘણી બધી બની છે, પણ આપણે પ્રાદેશિક ભાષાના પુસ્તક પરથી બનેલી હિન્દી ફિલ્મ્સની મજેદાર વાતો ગયા અઠવાડિયે જોઈ. એમાં એક એવા પ્રાદેશિક પુસ્તકની વાત આપણે બાકી રાખેલી જેના પરથી ભારતમાં સૌથી વધુ ફિલ્મ અને નાટક એડેપ્ટેશન્સ થયાં છે અને એ એટલે ‘દેવદાસ’ (૧૯૧૭)! શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય લિખિત આ નવલકથા આજે એક ક્લાસિક પુસ્તક ગણવામાં આવે છે તેની પાછળ તેના આધારે બનેલી ફિલ્મ્સની સફળતાનો ફાળો પણ ઘણા અંશે મહત્ત્વપૂર્ણ ગણવો જ પડે. આ નવલકથાની વાર્તામાં એવું તે શું છે કે આટઆટલા ફિલ્મમેકર્સ અને તેના થકી દર્શકો આટલા દશકે પણ વારંવાર તેના તરફ આકર્ષાયા કરે છે. પ્રેમના પાયા પર ઊભેલી આ કહાણીમાં કિસ્મત અને કરુણતા નામનાં બે એવાં લોહચુંબક છે જે લોકોને પોતાના તરફ ખેંચ્યા કરે છે!
શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની કલમે કંડારેલાં કિરદાર દેવદાસ, પાર્વતી (પારો) અને ચંદ્રમુખી તેમની અંદર રહેલી પીડાને હાથો બનાવીને કલાપ્રેમીઓને પોતાની નજીક બોલાવ્યા જ કરે છે. તાલશોનાપુર ગામના અમીર ઘરનો દેવદાસ અને તેના પાડોશમાં રહેતી પાર્વતી બંને બાળપણનાં મિત્ર હોય છે. મોટાં થાય ત્યારે સમજાય છે કે તેમની વચ્ચે પ્રેમ છે! પાર્વતીનો પરિવાર લગ્નની વાત કરે છે, પણ દેવદાસનો પરિવાર દહેજ અને સામાજિક કક્ષામાં ફેર જેવાં કારણો ગણાવી સંબંધ નામંજૂર કરે છે. દેવદાસ કાયર થઈને લગ્ન માટે કોશિશ કર્યા વિના કોલકાતા જતો રહે છે. પાર્વતીના એક આધેડ વિધુર જમીનદાર સાથે લગ્ન કરવામાં આવે છે અને દેવદાસને પોતાની ભૂલ સમજાય છે. તે હંમેશ માટે ઘર છોડીને શરાબનો સહારો લઈ લે છે. ચંદ્રમુખીનો કોઠો તેનું નવું ઠેકાણું બને છે અને તે શરાબમાં પોતાની બરબાદી નોતરે છે. ચંદ્રમુખી દેવદાસને ચાહવા લાગે છે, પણ દેવદાસના હોઠે ફક્ત પાર્વતીનું જ નામ હોય છે! પાર્વતીને દેવદાસની હાલત વિશે ખબર પડે છે અને એ પછી આવે છે વાર્તાનો એક ટ્રેજિક અંત!
દર્શકોનો પણ સમય પ્રમાણે એક મૂડ હોય છે, પણ ‘દેવદાસ’ની ટ્રેજેડી હંમેશાં લોકોની સંવેદનાઓને અડતી જ રહી છે. મુખ્યત્વે સૌ ૧૯૫૫માં આવેલી દિલીપ કુમારની બિમલ રોય દિગ્દર્શિત ‘દેવદાસ’ અને ૨૦૦૨માં આવેલી શાહરુખ ખાનની સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ‘દેવદાસ’થી પરિચિત છે, પણ શું તમને ખબર છે કે આ પુસ્તક પરથી ભારતમાં ફક્ત આ બે નહીં, પણ ૨૦ વખત ફિલ્મ્સ બની છે? હા, તમે સાચું જ વાંચ્યું, કોઈ ભૂલ નથી થતી!
‘દેવદાસ’ પરથી ફક્ત હિન્દી જ નહીં, પણ બીજી અનેક ભાષામાં પણ ફિલ્મ્સ બની છે. પુસ્તક પ્રકાશિત થયાનાં ૧૧ વર્ષે આવેલી પહેલી ફિલ્મ કઈ ભાષામાં હતી ખબર છે? એક પણ નહીં, કેમ કે હજુ એ દોર હતો મૂંગી ફિલ્મ્સનો. ૧૯૩૧માં આવેલી પહેલી બોલતી ફિલ્મ ‘આલમ આરા’ને હજુ ૩ વર્ષની વાર હતી. ૧૯૨૮માં આવેલી એ ‘દેવદાસ’ના દિગ્દર્શક હતા નરેશ મિત્ર, જેમણે એ ફિલ્મમાં એક્ટિંગ પણ કરી હતી અને સિનેમેટોગ્રાફી પણ. એ પછી આ અફલાતૂન નવલકથા પરથી ફિલ્મ બનાવવાનું બીડું ઝડપ્યું દિગ્દર્શક પી. સી. બરુઆએ. તેમણે ૧૯૩૫, ૧૯૩૬ અને ૧૯૩૭ એમ લગાતાર ત્રણ વર્ષમાં ત્રણ ફિલ્મ બનાવી એ પણ અલગ અલગ ભાષામાં. ૧૯૩૫ની બંગાળી ફિલ્મમાં તેમણે પોતે જ દેવદાસનું પાત્ર ભજવેલું અને અદાકારા પત્ની જમુનાએ પાર્વતીનું. જ્યારે ચંદ્રમુખીનું પાત્ર ભજવનારી અભિનેત્રીનું તો સાચું નામ જ હતું ચંદ્રવતી દેવી. એ પછીના વર્ષે બરુઆએ હિન્દીમાં ‘દેવદાસ’ બનાવેલી જેના કાસ્ટિંગની વાત પણ મજેદાર છે. ત્યારના જાણીતા અભિનેતા કે. એલ. સાઇગલે બંગાળી ‘દેવદાસ’માં ચંદ્રમુખીના કોઠે આવનારા એક પુરુષના કિરદારમાં કેમિયો કરેલો અને પછી એમણે જ હિન્દી ફિલ્મમાં દેવદાસનું મુખ્ય કિરદાર ભજવેલું. એ પછીની ત્રીજી ‘દેવદાસ’ ફિલ્મ બરુઆએ બનાવેલી ૧૯૩૭માં આસામી ભાષામાં.
પછી ૧૬ વર્ષ સુધી કોઈએ પેજથી પ્રોજેક્ટર સુધી ‘દેવદાસ’ને સાકાર કરવાની જહેમત ન ઉઠાવી, પણ દિગ્દર્શક વેદાંતમ રાઘવૈયાએ ૧૯૫૩માં એક સાથે બે ભાષા (તમિળ, તેલુગુ)માં અક્કીનેની નાગેશ્ર્વર રાવ, સાવિત્રી અને લલિતાને અનુક્રમે દેવદાસ, પાર્વતી અને ચંદ્રમુખીનાં પાત્રમાં લઈને ફિલ્મ બનાવી. અક્કીનેની નાગેશ્ર્વરે ૨૦૧૩માં એક ઈન્ટરવ્યુમાં કહેલું કે ‘લોકોને શરાબીના દર્દીલા પાત્રમાં મને જોઈને લાગેલું કે હું ખૂબ ભૂખ્યો રહ્યો હોઈશ અને મેં શારીરિક પીડા સહી હશે, પણ હતું સાવ આનાથી ઊલટું. મને મારા દેખાવ અને અભિનયથી સંતોષ નહોતો એટલે મેં દિગ્દર્શકને કહેલું કે આપણે રાતે જ શૂટિંગ કરીશું. હું સાંજે ખૂબ બધું જમતો અને આખી રાત અમે શૂટ કરતા. તેનાથી ફાયદો એ થતો કે મારી આંખો સખત ઊંઘના કારણે લાલ થઈ જતી જે કિરદાર માટે બંધબેસતી હતી.’
ભલે સામાન્ય દર્શકોને આ ફિલ્મ્સ વિશે ઓછી માહિતી હોય, પણ આ બંને વર્ઝનની ફિલ્મ્સને પણ ક્રિટિકલી અને બોક્સ ઓફિસ પર ખૂબ સફળતા મળેલી. જોકે તેના મેકર્સને ખુદને આ વાર્તા તેલુગુમાં બનાવવા બાબતે પૂરતો ભરોસો નહોતો. એટલે ફિલ્મના એક જ અઠવાડિયાના શૂટિંગ બાદ ફિલ્મ અટકાવીને પ્રોડક્શન કંપનીએ ‘શાંતિ’ નામની ફિલ્મ બનાવેલી, પણ એ ફ્લોપ જતાં ફરીથી આ ફિલ્મ્સનું કામ હાથમાં લેવામાં આવેલું. ૨૦૦૨માં ૩૩મા ‘ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા’માં આ નવલકથાની તાકાતના જોરે બનેલી આટલી ફિલ્મ્સ માટે એક ‘દેવદાસ રેટ્રોસ્પેક્ટિવ સેક્શન’ રાખવામાં આવેલું અને તેમાં વેદાંતમ રાઘવૈયાની આ ફિલ્મ્સનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવેલું. દિલીપ કુમારને ‘ટ્રેજેડી કિંગ’ કહેવામાં આવે છે એ આપણે જાણીએ છીએ, પણ મજેદાર વાત એ છે કે અક્કીનેની નાગેશ્ર્વર રાવને પણ તેલુગુ સિનેમાના ‘ટ્રેજેડી કિંગ’નું બિરુદ મળેલું અને એના માટે જવાબદાર પણ આ જ બંને ફિલ્મ્સ!
બે વર્ષ પછી એટલે કે ૧૯૫૫માં આવી દિલીપ કુમારની કલ્ટ ક્લાસિક ‘દેવદાસ’. સુચિત્રા સેને પારોનું કિરદાર ભજવેલું તો વૈજયંતીમાલાએ ચંદ્રમુખીનું. સુચિત્રા સેનની આ પહેલી હિન્દી ફિલ્મ હતી. દિલીપ કુમારની એક પછી એક ઘણી ફિલ્મ્સ રિલીઝ થવાના કારણે શરૂઆતમાં ‘દેવદાસ’ને બોક્સ ઓફિસ પર એટલી કમાણી નહોતી મળી, પણ સમય જતાં ફિલ્મને નવલકથા પર બનેલી બેસ્ટ ‘દેવદાસ’ તરીકે સ્વીકારવામાં આવી એટલું જ નહીં, પણ ઓલટાઈમ ગ્રેટેસ્ટ હિન્દી ફિલ્મ્સની અનેક યાદીમાં ટોપ પાંચથી દસમાં આ ફિલ્મ સ્થાન મેળવતી રહી છે.
ચંદ્રમુખીનો રોલ નરગિસ, સુરૈયા સહિત ઘણી અભિનેત્રીઓએ ઠુકરાવ્યા બાદ વૈજયંતીમાલાને આપવામાં આવ્યો હતો. વૈજયંતીમાલા ફિલ્મના સ્ક્રિપ્ટ રાઈટર નબેન્દુ ઘોષ મુજબ નવલકથાની ચંદ્રમુખી પ્રમાણે રોલ માટે યોગ્ય નહોતાં. જોકે પછીથી તો આ રોલ માટે તેમને ખૂબ જ પ્રશંસા મળી અને બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. જોકે તેમણે એ એવોર્ડ એમ કહીને લેવાની ના પાડી દીધેલી કે તેમનો પણ ફિલ્મમાં લીડ રોલ જ હતો, સપોર્ટિંગ નહીં. રસપ્રદ વાત તો એ છે કે પાછો સુચિત્રા સેનને લીડ રોલ માટે એવોર્ડ નહોતો મળ્યો. ફિલ્મમાં સાહિર લુધિયાનવીએ લખેલાં ગીતો અને એસ. ડી. બર્મને આપેલું સંગીત પણ લાજવાબ હતાં, પણ આપણે પુસ્તક પરથી બનેલી હિન્દી ફિલ્મ્સની વાતમાં દરેક ‘દેવદાસ’ ફિલ્મની વાત કરી રહ્યા છીએ એટલે તેની સાથે જોડાયેલી બધી બાબતો પર વિસ્તારથી વાત કરવાનું શક્ય નહીં બને.
ખેર, શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની વિખ્યાત બંગાળી નવલકથા ‘દેવદાસ’ પરથી બનેલી ફિલ્મ્સનો ખજાનો જ એટલો મોટો અને મજેદાર છે કે આપણે આ વિષયને પૂરતો ન્યાય આપવા હજુ એક ભાગની જરૂર પડશે. તો બાકીની ફિલ્મ્સની મજેદાર વાતો આવતા સપ્તાહે! (ક્રમશ:)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.