Homeધર્મતેજદેવરાજ ઈન્દ્ર અને રાજા બલિની ખેંચાખેંચીમાં અમૃત કળશ મહાસાગરમાં સમાઈ જાય છે

દેવરાજ ઈન્દ્ર અને રાજા બલિની ખેંચાખેંચીમાં અમૃત કળશ મહાસાગરમાં સમાઈ જાય છે

શિવ રહસ્ય – ભરત પટેલ

ગત સપ્તાહ સુધીનો સારાંશ: અવકાશમાં આવેલા ત્રિપૂરનો નાશ થતાં ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, બ્રહ્માજી અને સમગ્ર દેવગણો પૃથ્વી પર અવતરણ કરે છે. ભગવાન વિષ્ણુ કહે છે કે, જે ભૂમિના અવકાશ પર મહાદેવ દ્વારા ત્રિપૂર પર વિજય મેળવ્યો તેને આજથી ઉજ્જૈન તરીકે ઓળખાશે. ઉજ્જૈન એટલે ઉત્કર્ષપૂર્ણ વિજયની ભૂમિ. તો બ્રહ્માજી કહે છે, મહાદેવ તમે સંસારને ત્રિપૂરના આતંકથી સુરક્ષિત કર્યા હોવાથી સંસારવાસીઓ તમને ત્રિપૂરારી તરીકે પણ ઓળખશે. સમસ્ત દેવગણો ભગવાન શિવનો જયજયકાર કરે છે અને ઉલ્લાસપૂર્વક પોતપોતાના ધામે વિદાય લે છે. સામે અસુર પક્ષે અસુર પિતામહ વજરાંકનું મનોબળ તૂટી જાય છે અને તે રાજા બલીને મળવા જાય છે. ત્રિપૂરનો નાશ અને કમલાક્ષ, તારકાક્ષ, વિદ્યુનમાલીના મૃત્યુના સમાચાર સાંભળી અસ્વસ્થ રાજા બલીને અસુર પિતામહ વજરાંક સાથે ચર્ચા કરવાનો ઉત્સાહ રહેતો નથી, તેઓ વજરાંકને ન મળવાનું બહાનું શોધી મળવાનું ટાળે છે. અસુર પક્ષે ત્રિપાદ દક્ષિણમાં જઈ કુમાર કાર્તિકેય અને રાજા નમ્બી પર આક્રમણ કરવાની યોજના બનાવે છે. કુમાર કાર્તિકેયની આગેવાનીમાં રાજા નમ્બીનું સૈન્ય અને અસુર ત્રિપાદની આગેવાનીમાં તેમના સૈન્ય વચ્ચે ભિષણ યુદ્ધ થાય છે અને અંતે કુમાર કાર્તિકેયના હાથે અસુર ત્રિપાદ મૃત્યુને વરે છે. અસુર ત્રિપાદને થયેલા મૃત્યુથી તેનું સૈન્ય ભયભીત થઈ જાય છે અને ત્યાંથી પલાયન થઈ જાય છે. વિજય થયેલા રાજા નમ્બીનું સૈન્ય સેનાપતિ મુરુગન (કુમાર કાર્તિકેય)નો જયજયકાર કરે છે. કુમાર કાર્તિકેય તેમનો આભાર માનતા કહે છે કે, ‘આ મારો નહીં તમારો વિજય છે, મારા માતાપિતાના આશીર્વાદથી મળેલો વિજય છે, તેમના આશીર્વાદ વગર હું આ યુદ્ધ જીતી જ ન શકું, તમે મારો નહીં ભગવાન શિવ અને માતા પાર્વતીનો જયજયકાર કરો.’ કૈલાસ ખાતે દેવગણો દ્વારા ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુનો જયજયકાર થયો હોવાથી દેવરાજ ઈન્દ્ર નારાજ થાય છે તેઓ સ્વર્ગલોક પહોંચી અન્ય દેવગણોને કહે છે, આવી ગયા અન્યોનો જયજયકાર કરી. દેવગુરુ બૃહસ્પતિ તેમને સમજાવે છે કે, દેવરાજ તમે શું બોલો છો તેનું ભાન છે? પણ પોતાના પદના નશામાં દેવરાજ ઈન્દ્ર કહે છે કે, આ યુદ્ધમાં આપણું યોગદાન શું મહાદેવ કરતાં ઓછું હતું? શું ત્રિપૂરના વિનાશમાં અને ત્રિઅસુર કમલાક્ષ, તારકાક્ષ, અને વિદ્યુનમાલીના અંતમાં આપણું યોગદાન નથી? અને જો આપણું યોગદાન હોય તો આપણો જયજયકાર કેમ નહીં? ત્યાંથી પસાર થતાં દુર્વાસા મુનિ આ સાંભળી ક્રોધિત થાય છે અને કહે છે, દેવરાજ તમે જે સિંહાસન પર બેઠા છો તેના હકદાર તમે નથી. દેવરાજ ઈન્દ્ર ઋષિ દુર્વાષાને મર્યાદામાં રહેવાનું કહેતાં ઋષિ દુર્વાષા કહે છે કે, જો તમને તમારી શક્તિ પર આટલું ઘમંડ છે તો હું ત્રણે લોકને શ્રાપ આપું છું કે, ત્રણે લોક શ્રીહિન થઈ જશે. ઋષિ દુર્વાષાના મુખેથી શ્રાપ નીકળતાં જ ત્રણે લોક શ્રીહિન થઈ જાય છે.
ૄૄૄ
સમસ્ત સંસાર શ્રીહિન થઈ જતાં માતા લક્ષ્મી, ચાર વેદ અને દેવગણોના અસ્ત્રશસ્ત્ર લુપ્ત થઈ જતાં દેવગણો શક્તિહીન થઈ જાય છે. સંસાર શ્રીહિન થતાં સામે અસુર પક્ષે ઉત્સાહ વધી જાય છે. અસુર પિતામહ વજરાંક રાજા બલીને શોધી કાઢે છે અને કહે છે:
વજરાંક: ‘રાજાઓમાં બલવાન રાજા બલિની જય હો.’
રાજા બલી: ‘પિતામહ તમે અસુરોના પિતામહ છો મારી જય જયકાર તમને ન શોભે.’
વજરાંક: ‘સંસારમાં અસુરોમાં શક્તિશાળી તમે જ છો રાજા બલિ, સંસાર શ્રીહિન થઈ જતાં દેવગણો શક્તિહિન થઈ ગયા છે, તેમની શક્તિ ઓછી થઈ ગઈ છે, સમય આવી ગયો છે કે તમે આક્રમણ કરી દેવગણોને સ્વર્ગલોકથી હાંકી કાઢો અને સ્વર્ગલોકથી અમૃત કળશ મેળવી અસુરો અમર થઈ જાય. જાઓ રાજા બલિ વિજય થાઓ.’
રાજા બલિને મોકો દેખાતાં તેઓ સૈન્ય સાથે સ્વર્ગલોક પર આક્રમણ કરે છે. શક્તિહિન દેવગણો રાજા બલીના આક્રમણનો સામનો કરે છે. યુદ્ધ દરમિયાન મોકો મળતાં રાજા બલિ અમૃત કળશની શોધ કરે છે અને તેને અમૃત કળશ મળતાં તેને લઈ પલાયન થાય છે, પણ તેનો પીછો કરી રહેલા દેવરાજ ઈન્દ્ર તેની સામે આવી પહોંચે છે. રાજા બલીના હાથમાં અમૃત કળશ જોઈ દેવરાજ ઈન્દ્ર તે અમૃત કળશને મેળવવાની કોશિશ કરે છે, દેવરાજ ઈન્દ્ર અને રાજા બલિની ખેંચાખેંચીમાં અમૃત કળશ બંનેના હાથમાંથી છુટી નીચે મહાસાગરમાં સમાઈ જાય છે.
પહેલેથી જ શ્રીહિન સ્વર્ગલોકમાં અમૃત કળશ સિવાય કંઈ હોતું નથી અને હવે અમૃત કળશ પણ મહાસાગરમાં સમાઈ જતાં સ્વર્ગલોક પર પ્રભુત્વ મેળવવા રાજા બલિને કોઈ ઉત્સાહ રહેતો નથી. તે પોતાના સૈન્ય સાથે પરત ફરે છે. દેવગણો શ્રીહિન સ્વર્ગલોક આવી અસ્વસ્થતા અનુભવે છે.
ૄૄૄ
દેવગુરુ બૃહસ્પતિ દેવરાજ ઈન્દ્રને કહે છે:
દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવરાજ તમારા અભિમાને સ્વર્ગલોકને પાયમાલ કરી દીધું છે.’
દેવરાજ ઈન્દ્ર: ‘માફ કરો દેવગુરુ, મારી ભૂલ થઈ ગઈ, મને માર્ગદર્શન કરો.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘આપણે દેવર્ષિ નારદ સાથે બ્રહ્માજી પાસે જવું જોઈએ.’
સમસ્ત દેવગણો બ્રહ્માજી પાસે જાય છે.
બ્રહ્માજી કહે છે: ‘સંસાર શ્રીહિન થવાથી મારા ચાર વેદ લુપ્ત થઈ ગયા છે, આપણે ભગવાન શ્રીહરિ વિષ્ણુ પાસે જવું જોઈએ.’
સમસ્ત દેવગણો તેમની સાથે ભગવાન શ્રીહરિ વિષ્ણુ પાસે પહોંચે છે.
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘દેવગણો જુઓ સંસાર શ્રીહિન થવાથી દેવી લક્ષ્મી પણ લુપ્ત થઈ ગયા છે, આપણે ભગવાન શિવ પાસે જવું જોઈએ તેઓ જ યોગ્ય માર્ગદર્શન આપી શકશે.’
સમસ્ત દેવગણો કૈલાસ પહોંચી ભગવાન શિવ અને માતા પાર્વતીનો જયજયકાર કરે છે.
દેવર્ષિ નારદ: ‘પ્રભુ અનર્થ થઈ ગયો, દેવરાજ ઇન્દ્ર અને રાજા બલિની ઝપાઝપીમાં અમૃત કળશ મહાસાગરમાં સમાઈ ગયો.’
ભગવાન શિવ: ‘દેવર્ષિ યાદ રહે કે દરેક અનર્થમાં અર્થ અવશ્ય હોય છે, કદાચ આ ઘટના દેવતાઓ અને અસુરો વચ્ચે ચાલી રહેલા ઘર્ષણને સંધિમાં પરિણમી શકે છે. સાચા સમયની રાહ જુઓ બધુ યોગ્ય થશે.’
આટલું કહી ભગવાન શિવ ધ્યાનમગ્ન થઈ જાય છે.
ૄૄૄ
દક્ષિણના પ્રદેશમાં અમૃત કળશના સમાચાર મળતાં રાજા નમ્બીકુમાર કાર્તિકેય પાસે પહોંચે છે:
રાજા નમ્બી: ‘સેનાપતિ મુરુગન, અમને સમાચાર મળ્યા છે કે અસુર રાજા બલિએ સ્વર્ગલોક પર આક્રમણ કર્યું છે અને અમૃત કળશ મહાસાગરમાં સમાઈ ગયો છે. મારા મતે તમારે દેવગણોની સહાય માટે જવું જોઈએ.’
કુમાર કાર્તિકેય: ‘નહીં મહારાજ, ત્યાં મારી કોઈ આવશ્યકતા નથી. મારા પિતા ભગવાન શિવે મને દક્ષિણની સુરક્ષા માટે મોકલ્યો છે, હું તેમની અવજ્ઞા કરી દક્ષિણને અસુરક્ષિત છોડી ન જઈ શકું, તેઓ પોતે ત્યાં હાજર છે અને મારી જરૂરત હશે તો મને જરૂર બોલાવશે.’
ૄૄૄ
સામે અસુરપક્ષે અસુર પિતામહ વજરાંક, અસુર ગુરુ શુક્રાચાર્ય અને રાજા બલિ ચર્ચા કરે છે.
રાજા બલિ: ‘અસુરોની બધી મહેનત મારા કારણે વ્યર્થ ગઈ છે, અમૃત કળશ હું સાચવી ન શક્યો.’
વજરાંક: ‘રાજા બલિ દુ:ખી થવાની જરૂર નથી, તમે મહાશક્તિશાળી છો, તમે દેવગણો પર આક્રમણ કરી તેમનો વધ કરી શકો છો, તેમના વધ બાદ કોઈ દેવતા જીવિત જ ન રહે તો સમસ્ત સંસારમાં અસુરોનું રાજ હશે.’
રાજા બલિ: ‘મહારાજ મેં પહેલેથી જ તમને કહી દીધું હતું કે હું કોઈ અધર્મ નહીં કરું, જે શક્તિહિન, નિર્બળ અને યુદ્ધ કરવાની શક્તિ ન ધરાવતા હોય તેમના પર આક્રમણ કરી તેમનો વધ કરવો અધર્મ છે, દેવોની શક્તિ છીનવાઈ ગઈ છે. તેઓ નિર્બળ છે તેમનો વધ કરવો અધર્મ નહીં તો બીજું શું હોઈ શકે?’
અસુરગુરુ શુક્રાચાર્ય: ‘જે થયું એ ભૂલી જાવ, ઋષિ દુર્વાષાના શ્રાપથી મારી સંજીવની વિદ્યા પણ વેદો સાથે લુપ્ત થઈ ગઈ છે, હવે આપણે શું કરવું એ વિચારવું જોઈએ.’
રાજા બલિ: ‘હા ગુરુદેવ હું તમારી સાથે સહમત છું, હવે આપણે લક્ષ્ય નિર્ધારિત કરી આગળ વધવું જોઈએ.’ (ક્રમશ:)

 

RELATED ARTICLES

Most Popular