મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી
અમેરિકાના એરિઝોના રાજ્યમાં કોલોરેડો નદીની આસપાસ બનેલી ગ્રાન્ડ કેન્યન નામની ઘાટી દુનિયાની સૌથી જૂની ઘાટીઓ પૈકીની એક છે. તેના પથ્થરો અને જંગલોમાં પ્રાગૈતિહાસિક સમયના પુરાવા મળતા રહે છે. ત્યાં ૧૯૬૦થી ‘રીવર રન’ નામની એક રમત રમાય છે. એ રમતમાં લોકો દિવસો સુધી નદીના કિનારે દોડતા રહે છે. તેની પાછળ માન્યતા એવી છે કે ઘાટીના વાતાવરણમાં એવી જાદુઈ તાકાત છે કે લોકો નાની-મોટી બીમારીઓમાંથી સાજા થઇ જાય છે.
પ્રકૃતિ આપણને તંદુરસ્ત રાખે છે તે વાત નવી નથી, પરંતુ વિકાસ અને શહેરીકરણની આંધળી દોટમાં આપણે પ્રકૃતિથી એટલા દૂર થઇ રહ્યા છે કે ગ્રાન્ડ કેન્યન જેવી જગ્યાઓ ચમત્કારિક સાબિત થઇ રહી છે. અત્યારે દેશમાં હિમાલયની ગોદમાં આવેલા જોશીમઠની દુર્દશા સમાચારોમાં છે. દુનિયા આખીમાં પ્રકૃતિ કેવી રીતે ખેદાનમેદાન થઇ રહી છે તેનું આ ઉદાહરણ છે.
ત્યાં વિકાસની ગાડી જ્યારથી દોડવાની શરૂ થઇ હતી, નિષ્ણાતો ખતરાની ઘંટી વગાડતા હતા. હિમાલયની કોખમાં વસેલા આ નગરના સ્થાનિક લોકોનો આરોપ છે કે જોશીમઠની આસપાસ ચાલી રહેલ થર્મલ પ્રોજેક્ટના કારણે પહાડ અંદરથી પોલો થઈ ચૂક્યો છે. તેમનું કહેવું છે કે હાલ તેનું બાંધકામ બંધ કરવામાં આવ્યું છે, પણ લોકો જયારે જમીનીમાં સમાઈ જવાના આરે પહોંચી ગયા ત્યારે સરકાર જાગી છે.
જોશીમઠમાં ભૂસ્તરશાસ્ત્રીઓની એક બેઠકમાં આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે અનિયંત્રિત બાંધકામને કારણે ઘણા કુદરતી જળ સ્ત્રોતો પોતાનો માર્ગ બદલીને નદીની નીચે વહેવા લાગ્યા છે. તેમાંથી નવો રસ્તો બનાવવામાં આવ્યો છે, જેના કારણે આ વિસ્તારના ઘણા કુદરતી
પુલ સુકાઈ ગયા છે અને કદાચ આ પણ જમીન ધસી પડવાનું કારણ હોઈ શકે છે.
‘પ્રકૃતિની રિશ્તેદારી’ તૂટી રહી છે અને આપણે તેનાં અનેક પરિણામો ભોગવી રહ્યા છીએ. યુકેની યુનિવર્સિટી ઓફ લીડ્સમાં મેડિસિન અને હેલ્થ ફેકલ્ટીની પ્રોફેસર રેબેકા લોટન એક પુસ્તકમાં કહે છે કે જંગલનાં ઝાડ અને પાણીમાં રુઝ લાવવાની તાકાત છે, પણ એ જ ખતમ થઇ જશે તો? આપણે પ્રકૃતિની સરળ જિંદગી ગુમાવી રહ્યા છીએ. અમેરિકામાં રીયલ સિમ્પલ નામની માસિક પત્રિકા નીકળે છે. આ પત્રિકા આમ તો મહિલાઓ માટે છે, પરંતુ એનું ટાઈટલ અમેરિકન સમાજમાંથી ગાયબ થઇ રહેલી સરળ જિંદગીનો નિર્દેશ આપે છે.
સેમ્યુઅલ એલેકઝાંડર નામના લેખકની નવલકથા ‘એન્ત્રોપિયા: લાઈફ બિયોન્ડ ઇન્ડસ્ટ્રીયાલાઇઝેશન’ માં એક એવી કહાની છે કે ૨૧મી સદીના ત્રીજા દસકમાં ઔદ્યોેગિક સભ્યતાનું પતન થાય છે અને દક્ષિણ પ્રશાંત મહાસાગરના ટચુકડા ટાપુ પર રહેતો એક સમુદાય જગતથી કટ-ઑફ થઈ જાય છે. એની બધી જ આધુનિક સુખ-સુવિધા એક ઝાટકે ગાયબ થઇ જાય છે, અને એમને જંગલમાં હતી તેવી બેઝિક જિંદગી શરૂ કરવી પડે છે. આ લોકો મર્યાદિત સાધનોનો વ્યહારિક અને સહકારી ઉપયોગ કરીને લાંબા ભવિષ્યનો પાયો નાખવા માટે તદ્દન સાદું જીવન જીવવાના શપથ લે છે અને એવી રીતે પાયામાંથી નવી દુનિયા વસાવે છે.
એક લાખ વર્ષ પૂર્વે માનવ જાત અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને આજ સુધી માણસે કેવી રીતે જીવવું જોઈએ તે પ્રશ્ર્ન ચિરસ્થાયી રહ્યો છે. ચિંતકો, સમાજ સેવકો કે ડાહ્યા માણસોમાં એ બાબતે કોઈ મતભેદ નથી. ૮મી સદીમાં બ્રુહદારણ્યકોપનિષદમાંથી શ્રમણ શબ્દ આવ્યો છે, જે પાછળથી જૈન અને બૌધ ચિંતનનું કેન્દ્ર બન્યો. શ્રમણ એટલે જે સંયમનું અને સાદગીનું જીવન જીવે છે તે. ઈસાઈ, ઇસ્લામ અને બહાઈ સંપ્રદાયમાં જેમની પૂજા થાય છે તે પહેલી સદીના સંત જોહન ધ બેપ્ટિસ્ટ એમની સાદગી માટે જાણીતા છે. સોક્રેટિસથી થોરો અને બુદ્ધથી ગાંધીજી સુધીનાં વિચારકોએ સદા જીવનની અગત્યતા ઉપર ભાર મૂક્યો છે.
માનવ જીવનના મોટાભાગના ઇતિહાસમાં કરકસરભરી સાદગી, વિકલ્પ નહી પણ આવશ્યકતા રહી છે. એ એક જરૂરિયાત હોવાથી નૈતિક ગુણ પણ ગણાયો છે. ઔદ્યોગિક મૂડીવાદ અને ભોગવાદી સમાજના આગમનથી નિરંતર ઉત્પાદનની વ્યવસ્થા બની તેણે લોકોને જરૂર હોય તે કરતાં વધુ ખરીદારીની ટેવ પણ પડી છે, જેને આપણે બજાર કહીએ છીએ. આધુનિક શોપિંગ મોલ્સની સંસ્કૃતિ આદતની એવી માનસિકતા ઉપર કામ કરે છે કે એક વસ્તુ લેવા અંદર જાઓ અને બહાર આવો ત્યારે બેગમાં દસ વસ્તુ હોય. જાવેદ અખ્તરને જુદી રીતે ટાંકીએ તો, આ એવો સમય છે જ્યાં સબ કા ખુશીસે ફાસલા એક કદમ હે.
વિચાર તરીકે તો આપણે સાદગીના ડહાપણને પ્રશંસનીય ગણીએ છીએ, પરંતુ કરોડો લોકો બને એટલું ભેગું કરી લેવામાં બુદ્ધિમાની ગણે છે. ગાંધીજી ભલે આપણા આદર્શ હોય, સાદગીના એમાં વિચારોને જુનવાણી ગણીને આપણે એને નાપસંદ કરીયે છીએ. બધાને ખબર છે કે ‘ફાસ્ટ’ જિંદગીના નુકસાન ઓછાં નથી, છતાં સાદું-સરળ જીવન જીવવાના મનોહર કોઈને નથી.
ચાઈનીઝ ચિંતક લાઓત્ઝુ કહેતો હતો કે, જેને ખબર છે કે તેની પાસે બધું જ પર્યાપ્ત છે એ જ ખરો ધનવાન છે. લાઓ ત્ઝુ કે થોરો કે ગાંધીજીને એ અંદાઝ ના હતો કે એક દિવસ એવો આવશે જયારે સાધન અને સાધ્યની વિપુલતાના કારણે કરકસર કે સાદગીની અહમિયત ખતમ થઈ જશે. સાદગી આપણી જરૂરિયાત રહી નથી એટલે, અને એક કદમ ભરીને સુખનું અંતર કાપી શકવાની ક્ષમતાને કારણે, ‘સાદું જીવન અને ઉચ્ચ વિચાર’ નું આખું ચિંતન પ્રવર્તમાન સમાજ અને અર્થવ્યવસ્થામાંથી ગાયબ થઈ ગયું છે, અને એ આવા એક લાખ લેખો લખવાથી કે વાંચવાથી પાછું નહીં આવે.
તો શું કરવું? એક જ રસ્તો છે-આર્થિક અને પર્યાવરણીય તબાહી. બે સદીના નિર્મમ ઔદ્યોગિકીરણ, નિરંતર જનવૃદ્ધિ અને ઉન્માદી આર્થિક વ્યવહારના પગલે આપણે પ્રકૃતિના વિનાશ અને એમાં નિહિત આર્થિક અસ્થિરતાની ફોલ્ટ-લાઈન ઉપર આવી ગયા છીએ. તમે આવા ‘ડહાપણ’ માં માનતા નથી તે સાચું, પણ બનાવો, ખરીદો, વાપરો અને ફેંકી દો’ની જીવનશૈલીનું પાણી જ્યારે નાક ઉપરથી વહી જશે -અને સમય દૂર નથી- ત્યારે આપણે પ્રશાંત મહાસાગરના પેલા ટાપુ પરની કાલ્પનિક બિરાદરીની જેમ રિયલ સિમ્પલના શપથ લેતા હોઈશું.
જોશીમઠમાં રહેતાં લોકો તો એ સ્થિતિમાં ક્યારના પહોંચી ગયા છે.