જીતવા છતાં જશને બદલે જૂતિયાં

લાડકી

પ્રાસંગિક – હેન્રી શાસ્ત્રી

કોમનવેલ્થ ગેમ્સમાં ત્રીજા સ્થાને રહ્યા પછી યુકેની પેરા સાઇક્લિસ્ટને આયોજક તરફથી મેડલ એનાયત થવાને બદલે ૧૭૨ પાઉન્ડનો દંડ થયો. પરિણામે વિજય મળવા છતાં સોફીને વેદના થઈ
—————–

યુકેની ૨૮ વર્ષની પેરા સાઇક્લિસ્ટ સોફી યુન્વિનની આંખો અને દૃષ્ટિ નબળાં છે, પણ દિલ અને દિમાગ મજબૂત છે. સાઇક્લિગંનો જબરો શોખ છે. પાયલટ (સબળ દૃષ્ટિ ધરાવનાર સાથી સાઇક્લિસ્ટ) જ્યોર્જિયા હોલ્ટના કુશળ માર્ગદર્શનની મદદથી ટોક્યોમાં આયોજિત પેરાલિમ્પિક્સમાં રોડ રેસમાં સિલ્વર મેડલ, વૈયક્તિક સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અને એ ઉપરાંત વર્લ્ડ ટાઇટલ જીતી ચૂકી છે. બર્મિંગહેમમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની એક રેસમાં સ્કોટલેન્ડની જોડી સાથેની રસાકસીભરી હરીફાઈમાં એડીચોટીનું જોર લગાવી આ જોડી ત્રીજા સ્થાને રહેવામાં સફળ રહી. બ્રોન્ઝ મેડલ પાકો થયો એનો આનંદ અને સંતોષ ચહેરા પર છલકાઈ રહ્યા હતા અને હર્ષાશ્રુથી આંખો સજળ થઈ ગઈ. જોકે ઘડીક વારમાં હર્ષનાં અશ્રુને બદલે સોફીના ગાલ પર દુ:ખનાં આંસુ દડવા લાગ્યાં. સ્પર્ધાના આયોજકો દ્વારા જાહેરાત કરવામાં આવી કે સોફી-જ્યોર્જિયા મેડલને પાત્ર નથી. ના, આ બંને હોંશીલી અને કુશળ સાઇક્લિસ્ટ દ્વારા કોઈ કરતાં કોઈ નિયમનો ભંગ નહોતો થયો કે નહોતી બીજી કોઈ ભૂલ કરી. દોષ હતો આયોજકના પક્ષે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં બદલવામાં આવેલા સ્પર્ધાના નવા નિયમને કારણે કોઈનાં અરમાન ધૂળધાણી થઈ રહ્યાં હતાં. આ નવા નિયમ મુજબ જો સ્પર્ધામાં ચાર ટીમ જ સહભાગી થઈ હોય તો માત્ર ગોલ્ડ અને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવશે. આ પરિસ્થિતિમાં બ્રોન્ઝ મેડલની બાદબાકી કરી નાખવામાં આવી હતી. આમ આ જોડીએ રેસમાં વિજય મેળવ્યો, પણ એ વિજયને કેવળ શાબ્દિક શાબાશી મળી. કોઈ પારિતોષિક નહીં. અન્ય એક વાત નોંધવી જોઈએ કે આ સ્પર્ધામાં પાંચ ટીમ સહભાગી થઈ હતી, પણ રેસ શરૂ થઈ ત્યારે માત્ર ચાર જ ટીમ મેદાન પર હાજર હતી. પરિણામે નવા નિયમ અમલમાં આવ્યા જેની જાણકારી રેસ શરૂ થવા પહેલાં સ્પર્ધકોને નહોતી આપવામાં આવી.
આ આઘાત અને અપમાન જાણે ઓછાં હોય એમ દાઝ્યા પર ડામ જેવો ઘાટ રચાયો જ્યારે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન દ્વારા તેમના પર ૧૭૨ પાઉન્ડનો દંડ (આશરે ૧૭ હજાર રૂપિયા) ફટકારવામાં આવ્યો. આવું કેમ થયું એવો સવાલ સ્વાભાવિક રીતે સૌ કોઈને થયો. સાઇકલ રેસ જીત્યા પછી પણ પોતે મેડલની હકદાર નથી એ આઘાતમાંથી બહાર આવવા ઈંગ્લેન્ડની જ અન્ય વિજેતા ટીમના ખેલાડીઓ પાસેથી બ્રોન્ઝ મેડલ ઉછીના લઈ પોડિયમ પર ઊભા રહી બિનસત્તાવાર ફોટોશૂટ કરાવ્યું. સાઇક્લિગં સ્પર્ધાનું આયોજન અને સંચાલન કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિયન સાઇક્લિસ્ટ ઇન્ટરનેશનલ દ્વારા મેડલ ન મળવા છતાં પોડિયમ પર ઊભા રહી અન્ય કોઈના મેડલ સાથે ફોટો પડાવવાની ‘ધૃષ્ટતા’ બદલ આ દંડ ફટકારવામાં આવ્યો હતો. એક આઘાતમાંથી હજુ કળ નહોતી વળી ત્યાં તો બીજો આઘાત જીરવવાનો વારો આવ્યો. સ્વાભાવિક હતું કે આ વિચિત્ર કહી શકાય એવી ઘટના પછી સૌ કોઈ વ્યથિત થઈ ગયા હોય. ખાસ કરીને સ્પર્ધામાં સહભાગી થયેલી ટીમ ઈંગ્લેન્ડની વ્યથાનો કોઈ પર નહોતો. વિજય મળ્યા પછી તમે એના હકદાર નથી એ વાત પચાવવી કોઈ પણ માનવી માટે મુશ્કેલ હોય છે. અહીં તો વિષમ પરિસ્થિતિ સામે લડી સફળતા મેળવનારની હતાશાની વાત હતી. ટીમ ઇંગ્લેન્ડ દ્વારા આ સમગ્ર ઘટના સંદર્ભે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન સમક્ષ સત્તાવાર ખુલાસો – રજૂઆત કરવામાં આવ્યાં હતાં, પણ નિર્ણયમાં કોઈ ફેરફાર નહીં થાય એમ આયોજક દ્વારા સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રવક્તાએ આપેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ‘જો કોમનવેલ્થ ગેમ્સની કોઈ સ્પર્ધામાં સહભાગી થનારની સંખ્યા પાંચથી ઓછી હોય તો કોમ્પિટિશનમાં ધોરણ જાળવવા ફેડરેશન દ્વારા મેડલ એનાયત કરવાની નીતિમાં બદલાવ કરવામાં આવે છે. આ વર્ષે જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવેલા નિયમ અનુસાર જો કોઈ સ્પર્ધામાં માત્ર ચાર જ ખેલાડી હોય તો માત્ર ગોલ્ડ અને સિલ્વર મેડલ આપવામાં આવશે અને જો માત્ર બે અથવા ત્રણ જ સ્પર્ધક હોય તો માત્ર ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે એમ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું. કમનસીબે રેસ શરૂ થવા પહેલાં મહિલાઓની સ્પ્રિન્ટ ઈવેન્ટના સહભાગીઓને આ વાતની જાણકારી આપવામાં આવી હતી, પણ સ્કોરબોર્ડ અને રિઝલ્ટના કાગળ પર એ રેસ બ્રોન્ઝ મેડલ માટે હતી એવું ખોટું જણાવવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાથી ઍથ્લીટોને જે માનસિક પીડા અને આઘાત સહન કરવાં પડ્યાં છે એ બદલ અમે માફી માગીએ છીએ.’
‘વી આર સોરી’ કહીને માફી માગી આયોજકોએ તો જાણે પોતાની ફરજ પૂરી કરી, પણ જીત મેળવવા છતાં પોતે મેડલના હકદાર નથી અને આશા-અરમાનની ઈમારત જમીનદોસ્ત થઈ એ જાણ્યા પછી ઍથ્લીટો પર જે વીતી હશે, હૃદય પર જે ઘા પડ્યા હશે એની દરકાર કોઈને નહોતી. રેસ પૂરી થયા પછી જ્યારે ગોલ્ડ અને સિલ્વર મેડલ એનાયત થઈ રહ્યા હતા ત્યારે આંખોમાંથી દડ દડ આંસુ સાથે સોફિયા અને જ્યોર્જિયા પોતાના દેશ ઇંગ્લેન્ડનો ધ્વજ હાથમાં રાખી વિજેતાઓની પાછળ ઊભાં રહી મનને મનાવવાની કોશિશ કરી રહ્યાં હતાં. જોકે સિક્યોરિટીના સ્ટાફ દ્વારા તેમને તરત ત્યાંથી ખસેડવામાં આવ્યાં હતાં. કબૂલ કે આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં નિયમોનું ચુસ્ત રીતે પાલન થવું જોઈએ, પણ માનવીય લાગણીનો પણ વિચાર કરી ખેલાડીનાં દિલ ન દુભાય એવો કોઈ રસ્તો આ કેસમાં કાઢવો જોઈતો હતો. તમારું શું માનવું છે?ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.