ઘટનાથી ભરપૂર સપ્તાહમાં મજબૂત અંડરટોન છતાં શૅરબજારમાં અફડાતફડી ચાલુ રહેશે

વેપાર વાણિજ્ય

ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા

મુંબઇ: વિશ્ર્વબજારના સકારાત્મક સંકેત સાથે સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે જુલાઇ મહિનો રોકાણકારો માટે ઘણો કમાણી કરી આપનાર રહ્યો. દેખિતી રીતે તેજી માટે કોઇન નક્કર કારણો ના હોવા છતાં તેજીના ઉછાળા જોવા મળ્યા અને આ સપ્તાહ ઘટનાથી ભરપૂર રહેવાનું હોવાથી મંજબૂત અંડરટોન છતાં બજારમાં અફડાતફડી ચાલુ રહેવાની ધારણા છે. અમેરિકાની ફેડરલ રિઝર્વે તો અપેક્ષિત ધોરણે વ્યાજદરમાં ૭૫ બેસિસ પોઇન્ટનો વધારો જાહેર કરી દીધો છે, અને અમેરિકન અર્થતંત્રની દશા નબળી હોવાથી તે આગળ વધુ આક્રમક પગલા નહીં લેશે એવી અટકળો વચ્ચે વૈશ્ર્વિક ઇકિવટી બજારોના સેન્ટિમેન્ટમાં સુધારો આવ્યો હતો. સ્થાનિક સ્તરે હવે રિઝર્વ બેન્ક કેવો નિર્ણય લે છે તેના પર અર્થશાસ્ત્રીઓની નજર છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે આરબીઆઇ વધુ આક્રમક રીતે વ્યાજ દરમાં વધારો નહીં કરે. અગાઉ વ્યાજ દરની વૃદ્ધિ માટે ૫૦ બેસિસ પોઇન્ટની ધારણા મૂકાતી હતી પરંતુ હવે રિઝર્વ બેન્કની એમપીસી માત્ર ૨૫ બેસિસ પોઇન્ટનો વધારો કરે એવી સંભાવના અર્થશાસ્ત્રી વ્યકત કરે છે.
આ સપ્તાહે ઓટોમોબાાઇલ કંપનીઓના સેલ્સ ડેટા, આરબીઆઈ મોનેટરી પોલિસી અને યુએસ જોબલેસ ડેટાની જાહેરાત સહિતની કેટલીક ઘટનાઓ સાથે અસ્થિરતાને નકારી શકાય નહીં. બજારે માત્ર પ્રારંભિક ખોટ જ વસૂલ નથી કરી પરંતુ ૨૯ જુલાઈના રોજ સપ્તાહના અંતે ૨.૬ ટકાના વધારા સાથે બીજા સપ્તાહ માટે પોઝિટીવ ઝોનની સફર આગળ ચલાવવા રોકાણકારોમાં જોમ પણ ઉમેર્યું છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ૭૫ બેસિસ પોઈન્ટનો અપેક્ષિત વધારો અને ઘટતી આર્થિક વૃદ્ધિને પગલે વધુ વધારો નહી થાય એવી આશા, એફઆઇઆઇના વેચાણની ઘટેલી તીવ્રતા, રૂપિયામાં સુધારો અને પસંદગીની કંપનીઓની મજબૂત ત્રિમાસિક કમાણીએ પણ તેજીને ટેકો આપ્યો હતો. સેન્સેક્સ લગભગ ૧,૫૦૦ પોઈન્ટ વધીને ૫૭,૫૭૦ પર પહોંચ્યો હતો અને નિફ્ટીએ ૪૩૯ પોઈન્ટના વધારા સાથે ૧૭,૧૫૮ પર પહોંચીને ૧૭,૦૦૦નો આંક પાછો મેળવ્યો હતો. જ્યારે બ્રોડર સ્પેસમાં નિફ્ટી મિડકેપ ૧૦૦ અને સ્મોલકેપ ૧૦૦માં બેથી અઢી ટકાનો ઉછાળો આવ્યો છે. સેકટરના ધોરણે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. મેટલ્સ (૭.૭ ટકા સુધી), આઇટી (૩.૫ ટકા) અને બેન્કિંગ (૨ ટકા) અને નાણાકીય સેવાઓ (૩.૪ ટકા)ના સુધારા સાથે મંજબૂત ટેકો મળ્યો હતો, જ્યારે ઓટો અને એફએમસીજી નેગેટીવ ઝોનમાં બંધ થયા હતા.
જુલાઈ મહિનો માર્કેટ માટે ફરી એક વાર તેજીમય બની રહ્યો અને આ મહિના દરમ્યાન નિફ્ટીમાં ૮.૭૩ ટકાની મોટી તેજી જોવા મળી હતી. જુલાઈ મહિનો માત્ર ભારતીય બજારો માટે જ નહિ પણ વૈશ્ર્વિક શેરબજારો માટે પણ પોઝીટીવ બની રહ્યો. ફેડરલ રીઝર્વ તરફથી સતત બીજી વાર ૦.૭૫ ટકાનો વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો પણ આ વધારો પહેલેથી ડિસ્કાઉન્ટ હતો અને ફુગાવો નીચે આવવવાની અપેક્ષાએ તેમજ ફેડરલ રીઝર્વના ચેરમેનના સ્ટેટમેન્ટ બાદ વૈશ્ર્વિક બજારોમાં મજબૂતાઈ આગળ વધી હતી. છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન નિફ્ટીમાં ૬૭૫ પોઈન્ટ્સની તેજી જોવાઈ છે અને ત્રણેય દિવસ નિફ્ટી ગેપ સાથે ખુલીને ઉપર બંધ રહેવામાં સફળ રહી છે. જુલાઈ મહિનાની મજબુત તેજી બાદ હવે ઓગસ્ટ મહિનામાં શું આ તેજી આગળ વધશે આ સવાલ બધાને થઇ રહ્યો છે અને મોટા ભાગના લોકો રહી ગયાની ફીલિંગ સાથે માર્કેટની બહાર બેઠા છે ત્યારે ઓગસ્ટ મહિનામાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ જોવાઈ શકે છે.
પરિણામોની સીઝન ચાલુ છે અને હવે ૧૫ દિવસોમાં મોટા ભાગની મિડકેપ અને સ્મોલકેપ કંપનીઓના પરિણામો જાહેર થશે અને જે રીતે પરિણામોની સીઝન અત્યાર સુધી રહી છે એ ખુબજ મજબુત રહી છે અને એવી જ સીઝન આગળ રહેવાની અપેક્ષા છે ત્યારે હવે પરિણામો આધારિત મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં તેજી જોવાઈ શકે છે. નિફ્ટીમાં હવે ૧૭૦૦૦ અને ૧૭૩૨૫ મહત્વના લેવલ્સ રહેશે અને કલોઝિંગ બેઝીઝ ઉપર જે તરફનો મુવ આવશે એ તરફ બીજા ૨૦૦ થી ૨૫૦ પોઈન્ટ્સની ચાલ જોવાશે.
આગળ કોર્પોરેટ કમાણીની મોસમ જોતા સ્ટોક સ્પેસિફિક એક્શનને કારણે બજારમાં અફડાતફડી રહેશે એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. કોર્પોરેટ હલચલમાં યુએઇ સ્થિત રિઅલ એસ્ટેટ ડેવલપર ડેન્યુબ પ્રોપર્ટીઝે ભારતીયો માટે ગોલ્ડન વિઝા તક સાથે દુબઈમાં વૈભવી પ્રોજેક્ટ ઓપલ્ઝનું લોન્ચિંગ કર્યું છે. દુબઈ સાયન્સ પાર્કની નજીકમાં સ્થિત ઓપલ્ઝનું વેચાણ ઓગસ્ટના અંત સુધીમાં ઓથોરિટી તરફથી આ પ્રોજેક્ટ માટે તમામ મંજૂરીઓ મળી ગયા પછી શરૂ થશે. કંપની એ પાછલ છ મહિનામાં લગભગ રૂ. ૩૦,૦૦૦ કરોડના પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે અને વધુ ત્રણેક પ્રોજેક્ટની યોજના છે.
ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડ દ્વારા વિસ્તરણ યોજના અંતર્ગત મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ઉલ્હાસનગર ખાતે ૭૦૦મી શાખા સ્થાપી છે. બેન્કે એકંદરે નવ બ્રાન્ચિંગ આઉટલેટ્સનું ઉદઘાટન કર્યું હતું, જેને લઈ દેશભરમાં તેની કુલ શાખાની સંખ્યા ૭૦૨ થઈ છે. આ સાથે બેન્કની ૨૨ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રસાર સાથે દેશના ૨૨૫ જિલ્લામાં ૭૦૨ શાખા થઈ છે. ટાટે ફાર્માસ્યુકિલ્સે ડાયાબિટીસના પ્રસારને રોકવા અને તેની સારવારમાં ઉપયોગી ઓજામીન ટોનિક માટે દેશભરમાં ડીલરશિપ વિસ્તારવાની યોજના બનાવી છે. કંપનીનો દાવો છે કે ઓજામીન એફડીએના નિયમાનુસાર અને આઇએસઓ ૯૦૦૧-૨૦૦૮ પ્રમાણપત્ર ધરાવે છે અને ચેમાં કોઇપણ રસાયણ, સ્ટેરોઇડ કે કૃત્રિમ રંગ નથી. કંપની ભારતના અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આ આર્યુવેદિક ઓષધ પહોંચાડવાની નેમ ધરાવે છે.
ઔદ્યોગિક પ્રદુષણની પર્યાવરણ અને અર્થતંત્ર પરની અસર અંગે વિશ્ર્વના વૈજ્ઞાનિકોએ સંશોધન ચાલુ રાખ્યું છે. રોસર્કોગ્રેસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત રશિયાની અધ્યક્ષતા હેઠળની આર્કટિક કાઉન્સિલના મહત્ત્વના કાર્યક્રમમાં અર્ખંગેલ્સ્ક દ્વારા આર્કિટિકમાં વેસ્ટ
એન્ડ માઇક્રોપ્લાસ્ટિક અંગે પરિષદ યોજી હતી, જેમાં માઇક્રોપ્લાસ્ટિકના સમગ્ર વિશ્ર્વના અને ખાસ કરીને આર્કટિક ઓશન સામેના જોખમની ચર્ચા થઇ હતી.
————
સેન્સેક્સ જુલાઈમાં ૮.૬ ટકા વધ્યો, ચીન-હોંગકોગનાં શૅરબજાર
જુલાઈમાં સાત ટકા સુધી ગગડ્યાં
મુંબઈ: ભારતીય શેરબજારના સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ જુલાઈમાં દુનિયાનાં તમામ મુખ્ય બજારોને પછાડી સૌથી ઝડપી ગ્રોથ હાંસલ કર્યો છે. શુક્રવારે સેન્સેક્સ ૭૧૨.૪૬ પોઇન્ટ (૧.૨૫ ટકા)ના ઉછાળા સાથે ૫૭,૫૭૦.૨૫ પર બંધ રહ્યો.
આ સેન્સેક્સનું છેલ્લા ત્રણ મહિનાનું સર્વોચ્ચ લેવલ છે. અગાઉ ૨૮ એપ્રિલ ૨૦૨૨ના રોજ સેન્સેક્સ ૫૭,૫૨૧.૦૬ પર બંધ રહ્યો હતો. જુલાઈમાં સેન્સેક્સ ૪૫૫૧.૩૧ પોઇન્ટ (૮.૫૮ટકા)અને નિફ્ટી ૧૩૭૮ પોઇન્ટ વધ્યા છે.
જોકે બીજી બાજુ આ સમયગાળા દરમિયાન ચીનના શેરબજારનો બેન્ચમાર્ક શાંઘાઈ કમ્પોઝિટ ૪.૨૮ ટકા સુધી ગગડ્યો હતો. હોંગકોંગનો સૂચકાંક હેંગસેંગ પણ ૭.૭૯ ટકા સુધી ગગડ્યો હતો. ભારતના બજારમાં આવેલી તેજી અંગે નિષ્ણાતોનું ધ્યાન એટલા માટે આકર્ષાઈ રહ્યું છે કેમ કે વિદેશી રોકાણકારો સતત પ્રોફિટ બુકિંગ કરી રોકાણ ઘટાડી રહ્યા છે અને ઘરેલુ રોકાણકારો સતત રોકાણ વધારીને બજારમાં ગ્રોથને યથાવત્ રાખી રહ્યા છે.
આ ટ્રેન્ડ ૮ વર્ષ પછી જોવા મળી રહ્યો છે. સાધનો અનુસરા હવે વિદેશી રોકાણકારો પણ ઓછી વેચવાલી કરવા લાગ્યા છે. બની શકે કે તે હવે ખરીદી પણ કરવા લાગે કેમ કે દુનિયાનાં બીજાં બજારોમાં તેમને સારો એવો ફાયદો મળતો નથી. એવામાં ભારતીય બજારમાં હજુ વધારે ઉછાળો જોવા મળી શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.