Homeટોપ ન્યૂઝવૈશ્વિક સોનામાં ધીમો સુધારો છતાં સ્થાનિકમાં રૂપિયો સુધરતાં સોનામાં રૂ. ૧૮૫નો અને...

વૈશ્વિક સોનામાં ધીમો સુધારો છતાં સ્થાનિકમાં રૂપિયો સુધરતાં સોનામાં રૂ. ૧૮૫નો અને ચાંદીમાં રૂ. ૧૧૭૧નો ઘટાડો  

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ધીમો સુધારો આગળ ધપ્યો હતો. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં નવ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં વિશ્વ બજારથી વિપરીત ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૮૪થી ૧૮૫નો ઘટાડો આવ્યો હતો. વધુમાં ગઈકાલે ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧૧૭૧નો ઘટાડો આવ્યો હતો. 

સ્થાનિક સોના-ચાંદી બજારમાં આજે મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની ઊંચા મથાળેથી વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૧૭૧ના ઘટાડા સાથે ફરી  રૂ. ૬૯,૦૦૦ની સપાટીની અંદર ઊતરીને રૂ. ૬૮,૨૦૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૧૮૪ ઘટીને રૂ. ૫૫,૭૩૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૮૫ ઘટીને રૂ. ૫૫,૯૫૭ના મથાળે રહ્યા હતા. 

દરમિયાન આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં હાજર અને વાયદામાં માં સોનાના ભાવ ગઈકાલના બંધથી સાધારણ ૦.૧ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૧૮૫૬.૧૧ ડૉલર અને ૧૮૬૧.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, હવે રોકાણકારોની નજર અમેરિકાના જાહેર થનારા સાપ્તાહિક જોબ ડેટા પર સ્થિર થઈ હોવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં આજે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલની જ ઔંસદીઠ ૨૩.૭૪ ડૉલર આસપાસની સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા. 

વૈશ્વિક બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. તેમ છતાં આજે મોડી સાંજે અમેરિકામાં એડીપી નેશનલ એમ્પ્લોયમેન્ટ રિપોર્ટની જાહેરાત થનાર છે, જ્યારે આવતીકાલે શુક્રવારે અમેરિકી શ્રમ મંત્રાલય દ્વારા નોન ફાર્મ પેરૉલ ડેટાની જાહેરાત થનાર છે. એકંદરે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાના નિર્ણયમાં રોજગારીનાં ડેટા મહત્ત્વનો ભાગ ભજવતા હોવાથી રોકાણકારોની રોજગારીના ડેટા પર નજર હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હોવાનું વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું. જોકે, ગઈકાલે મોડી સાંજે જાહેર થયેલી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં તમામ નીતિઘડવૈયાઓ વ્યાજદરમાં ધીમી ગતિએ વધારો કરવા માટે સહમત થયા હોવાનું જાણવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular