(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સ્ટોક એક્સચેન્જ એનએસઇ દ્વારા વધારાની સર્વેલન્સ મિકેનિઝમ (એએસએમ) લાદવામાં આવ્યા પછી અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના શેર ગુરૂવારના પ્રારંભિક સત્રમાં બીએસઇ પર ત્રણ ટકાથી મોટા ઘબડકા સાથે રૂ. ૧,૯૫૦ બોલાયો હતો, જે પાછળથી ૪.૨૪ ટકાના કડાકા સાથે રૂ.૧૯૫૩.૧૦ની સપાટીએ સ્થિર થયો હતો.
જોકે એ પણ નોંધવું રહ્યું કે, એએસએમની જાહેરાત પછી પણ સવારના સત્રમાં આ ઉદ્યોગ જૂથના અદાણી પાવર અને અદાણી વિલ્મરના શેર પાંચ ટકાની અપર સર્કિટ પર પહોંચ્યા હતા. અદાણી વિલ્મરમાં જોકે સુધારો ધોવાયો હતો અને તે ૨.૮૯ ટકાના સુધારા સાથે રૂ. ૪૭૪.૫૦ની સપાટીએ સ્થિર થયો હતો. એ જ રીતે, સવારના સત્રમાં અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન એનર્જી પણ ૫ાંચ ટકાની અપર સર્કિટને સ્પર્શી ગયા હતા.