ભાવ ઘટતાં સોનામાં છૂટીછવાઈ રિટેલ માગ છતાં નવી ખરીદીમાં જ્વેલરોનું સાવચેતીનું માનસ

વેપાર વાણિજ્ય

નળીયું શોધતો ડૉલર અને તળિયું શોધતા સોનાના ભાવ

કોમોડિટી -રમેશ ગોહિલ

વધતા ફુગાવાને ડામવા માટે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલરમાં મજબૂત વલણ રહેતાં ઈન્ડેક્સ ઊંચી સપાટી સર કરી રહ્યો છે અર્થાત્ ડૉલરના ભાવ નળીયું શોધી રહ્યા છે. આમ ડૉલરની મજબૂતી સાથે રોકાણકારોની સોનામાં નવી લેવાલી નિરસ રહેતાં વિશ્ર્વ બજારમાં સોનાના ભાવ તળિયું શોધી રહ્યા છે અને ગત સપ્તાહે વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં સતત પાંચમાં સપ્તાહમાં સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહેતાં ગત સપ્તાહે સાપ્તાહિક ધોરણે ભાવમાં અંદાજે ૨.૨ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. એકંદરે વૈશ્ર્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવા છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ગત સપ્તાહે એક તબક્કે ડૉલર સામે રૂપિયો ૭૬ પૈસાના ધોવાણ સાથે ૭૯.૯૯ની ઐતિહાસિક નીચી સપાટી સુધી પહોંચ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે ૫૯ પૈસાના ઘટાડા સાથે ૭૯.૨૩ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ એક તરફ સરકારે સોનાની આયાત જકાતમાં વધારો કર્યા બાદ વિશ્ર્વ બજાર પાછળ ભાવમાં ઘટાડો આવતાં ડ્યૂટીમાં વધારો સરભર થયો હતો, પરંતુ ત્યાર બાદ ડૉલર સામે રૂપિયામાં ધોવાણ વધવાને કારણે આયાત પડતરોમાં પણ ઘટાડો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં સ્થાનિક ઝવેરી બજારમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૫૦ સુધીનો મર્યાદિત જ ઘટાડો જોવા મળ્યો હતો.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર સ્થાનિકમાં ગત સપ્તાહે ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંતના ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦,૮૫૩ના બંધ સામે સપ્તાહની ઊંચી રૂ. ૫૦,૯૨૪ની સપાટીએ ખૂલ્યા બાદ નીચામાં રૂ. ૫૦,૩૮૬ના તળિયે સ્પર્શીને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. ૪૫૦ અથવા તો ૦.૮૮ ટકાના ઘટાડા સાથે રૂ. ૫૦,૪૦૩ની સપાટીએ બંધ રહ્યા હતા. એકંદરે સોનાના ભાવમાં ઘટાડો આવતાં દેશમાં છૂટીછવાઈ રિટેલ સ્તરની લેવાલી જોવા મળી હતી, પરંતુ વિશ્ર્વ બજારમાં ભાવ સતત ઘટી રહ્યા હોવાથી જ્વેલરોએ ગત સપ્તાહે નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી જ્વેલરોની માગ પાંખી રહી હતી. હૈદરાબાદ સ્થિત એક બુલિયન મર્ચન્ટે જણાવતાં ઉમેર્યું હતું કે મર્યાદિત માગ છતાં વિશ્ર્વ બજારમાં સોનાના ભાવ ઘટી આવતા સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૨૦ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા, જ્યારે આ પૂર્વેના સપ્તાહે ડીલરો ઔંસદીઠ ૨૮ ડૉલર ડિસ્કાઉન્ટ ઑફર કરી રહ્યા હતા. હાલને તબક્કે દરિયાપારના સોનાના ભાવ આકર્ષક સપાટીએ પ્રવર્તી રહ્યા છે, પરંતુ સ્થાનિકમાં રૂપિયો નિતનવી ઊંચી સપાટી દાખવી રહ્યો હોવાથી આયાત પડતર વધતી હોવાથી જ્વેલરોની નવી લેવાલી મર્યાદિત જોવા મળી હોવાનું મુંબઈ સ્થિત એક ડીલરે જણાવ્યું હતું. જોકે, વિશ્ર્વ બજારમાં ઘટ્યા મથાળેથી ભારત અને ચીનની કેન્દ્રવર્તી બૅન્કોની સોનાની લેવાલી રહે તેવી શક્યતા એએનઝેડના એક વિશ્ર્લેષકે વ્યક્ત કરી હતી.
અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી ભીતિ સાથે ડૉલરમાં મજબૂત વલણ રહ્યું હોવાથી સોનાના વૈશ્ર્વિક ભાવ દબાણ હેઠળ આવ્યા હતા અને ભાવ સાપ્તાહિક ધોરણે ૨.૨ ટકા જેટલો ઘટીને ઔંસદીઠ ૧૭૦૦ ડૉલર આસપાસની સપાટીએ પ્રવર્તી રહ્યા હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડવાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે હાલ ડૉલર ૨૦ વર્ષની ઊંચી સપાટી આસપાસ પ્રવર્તી રહ્યો હોવાથી સોનાના ભાવ પરનું દબાણ જળવાયેલું રહેશે. વધુમાં ગત સપ્તાહે ફેડરલ રિઝર્વના બે અધિકારીઓએ ફેડરલ રિઝર્વ તેની આગામી ૨૬-૨૭ જુલાઈની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા વ્યક્ત કરતાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડની તેજીને વેગ મળ્યો હતો અને વ્યાજની ઊપજ ન આપતી સોના જેવી અસ્ક્યામતોના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. અમારા મતાનુસાર વર્તમાન સપ્તાહે પણ વૈશ્ર્વિક સોનાના ભાવ દબાણ હેઠળ રહે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળા માટે ઔંસદીઠ ૧૬૫૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ૧૭૪૦ ડૉલર આસપાસની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેમ જણાય છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૯,૬૦૦ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને રૂ. ૫૧,૫૦૦ની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
દરમિયાન ગત સપ્તાહના અંતે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધથી ૦.૩ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૭૦૪.૩૦ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૧ ટકાના ઘટાડા સાથે ૧૭૦૩.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. હાલ બજારમાં વધતા ફુગાવાની ચિંતા પ્રવર્તી રહી છે અને વધતા ફુગાવાને નાથવા માટે કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજદરમાં વધારાનું હથિયાર ઉગામી રહી છે અને ઊંચા વ્યાજદરને કારણે બજારમાં પ્રવાહિતામાં ઘટાડો થતાં આર્થિક મંદી આવશે આથી તમામ ધાતુઓમાં માગ નબળી પડવાની ભીતિ સપાટી પર હોવાનું કિટકો મેટલ્સનાં વિશ્ર્લેષક જિમ વાઈકોફે જણાવ્યું હતું. હાલ ડૉલરમાં સાધારણ નરમાઈ જોવા મળી હોવા છતાં ડૉલરના ભાવ ૨૦ વર્ષની ઊંચી સપાટીએ હોવાથી સોનાની માગ પર માઠી અસર પડી રહી છે. તેમ જ સલામતી માટેની માગનો પણ અભાવ રહેતો હોવાનું સૂત્રોએ જણાવતા ઉમેર્યું હતું કે ગત સપ્તાહના અંતે અમેરિકાના જાહેર થયેલા જૂન મહિનાના રિટેલ વેચાણના ડેટામાં બાઉન્સબૅક જોવા મળ્યું હોવાથી મંદીનો ભય થોડો ઓછો થયો છે, પરંતુ બીજા ત્રિમાસિકગાળાની વૃદ્ધિમાં નોંધપાત્ર સુધારો જોવા મળે તેવી શક્યતા પાતળી છે. તેમ જ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેમ હોવાથી હાલ સોનામાં નોંધપાત્ર સુધારો જોવા મળે તેવી શક્યતા ઓછી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.