ફેસ્ટિવલ નેશનલ, સેલિબ્રેશન ઈન્ટરનેશનલ
શો-શરાબા-દિવ્યકાંત પંડ્યા
રંગ એટલે ખુશી એ આખી દુનિયાને ખબર છે. એ ખુશીને બેવડાવતો આપણે ભારતીયોએ રચેલા રંગોનો તહેવાર પણ આખી દુનિયાને ખબર છે. કેમ? કેમ કે હોળી (ધુળેટી) પર બનેલા આપણા કેટલાંય મસ્ત ગીતો ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ્સે જોયા ને સાંભળ્યા હશે ને એ પછી હોળીને વિશ્ર્વફલક પર પહોંચાડવાનું તેમને પણ મન થયું હશે. હા, એક લાંબું લિસ્ટ છે એવા વિદેશી મ્યુઝિક વીડિયોઝનું કે જેમાં હોળીના રંગોએ સ્ક્રીનને કલરફુલ બનાવી હોય. આ વસંત, રંગ અને પ્રેમના દેશી તહેવારના રંગે રંગાતા વિદેશી સંગીતની મજા માણવી છે? લેટ્સ એક્સપ્લોર!
આઝાદી, આનંદ અને અતરંગીપણાને વ્યક્ત કરવા માટે પણ રંગને યાદ કરાય છે. મ્યુઝિક વીડિયોઝના ક્ધસેપ્ટ્સ અલગ હોય છે. તેની સ્ટોરી બતાવવાની રીત ખૂબ જ એબ્સ્ટ્રેક્ટ હોય છે અને એમાં પણ ખાસ કરીને ઇન્ટરનેશનલ ગીતોની. અમેરિકન સિંગર કેશાએ તેના ૨૦૧૦ના મ્યુઝિક વીડિયો ‘ટેક ઈટ ઓફ’માં આઝાદી અને અલ્લડપણાને બતાવવા માટે રંગોનો ઉપયોગ એબ્સ્ટ્રેક્ટ રીતે જ કર્યો છે. આઝાદી ઝંખતા યુવાનો અને યુવતીઓ એક સ્કેટિંગ રિંક પર મળે ત્યારે રંગ તેમને એકબીજા સાથે જોડે છે. ગીતમાં તેમની મોજમજા વિઝ્યુઅલી ખૂબ જ ગમી જાય તેમ
બતાવી છે.
ફ્રેન્ચ સંગીતકાર મેડિયનના ૨૦૧૨માં આવેલા મ્યુઝિક વીડિયો ‘ધ સીટી’માં રંગોને લઈને એક અલગ જ દ્રષ્ટિકોણની વાત છે. યુવાનોની બે ગેંગ છે અને એમનો કોઈ મુદ્દે વિખવાદ છે. એક ટીમે એક બિલ્ડિંગમાં એક છોકરીને બાંધી રાખી છે. બીજી ટીમ તેને છોડાવવા આવે છે. તેમના ઝગડાનું કારણ આપણને ખબર નથી પડતી, કેમ કે મેડિયનને કંઈક બીજી જ વસ્તુ બતાવવામાં રસ છે. બંને ગેંગ ટિપિકલ રીતે એકબીજા સામે લડવા દોડે છે પણ એમના હાથમાં ગન, છરી, બોમ્બ કે લાઠીના બદલે હોય છે કલર બોમ્બ્સ અને વોટર ગન્સ. એકબીજા પર તેઓ કોરા અને જમાવેલા કલરના જથ્થા અને પાણી ફેંકે છે. લડો તો પણ રંગથી એવી શીખ હથિયારોમાંથી પણ રંગ નીકળતા જોઈને મળે છે. અંતમાં જેમ બુલેટ્સથી લડેલી ગેંગ્સના લોકો લોહીલુહાણ મરેલા કે ઘાયલ પડ્યા હોય એમ જ અહીં પણ સૌ જમીન પર પડ્યા હોય છે. અહીં બસ ફરક એ છે કે તેઓ લોહી નહીં રંગથી રંગાયેલા છે અને આખરે તેઓ ઊભા થાય છે! આવી જ થીમ પર આધારિત ‘પેરામોર’નું ગીત ‘નાઉ’ પણ જોવા જેવું છે.
પ્રખ્યાત ઓસ્ટ્રેલિયન સિંગર ઈગી અઝેલિયાના આલ્બમ ‘ધ ન્યુ ક્લાસિક’નો ૨૦૧૩માં રિલીઝ થયેલો મ્યુઝિક વીડિયો ‘બાઉન્સ’ તો આખો જ ભારતમાં શૂટ થયેલો છે. વીડિયોમાં આપણા તહેવારો, રોજબરોજનું જીવન, લગ્ન જેવી કેટલીય ચીજના મોન્ટાજ (સિરીઝ ઓફ શોટ્સ) ધમાકેદાર રીતે એડિટ કરીને પેશ કરાયા છે. સાથે છે પિચકારી, ફુગ્ગા અને કોરા રંગોથી રમાતી હોળીની મસ્તી. ગીતના શબ્દોમાં પણ એ જ મોજમજા છે-‘ગો નટ્સ, હેન્ડ્સ અપ એન્ડ ગો ક્રેઝી’.
૨૦૦૬માં આવેલા રશિયન-અમેરિકન સિંગર રેજીના સ્પેકટરના ગીત ‘ફિડેલિટી’માં રંગનો સાવ અલગ જ અંદાજમાં ઉપયોગ કરાયો છે. સિંગર રેજીના તેના ઘરે ઉદાસ ચહેરે ડાઇનિંગ ટેબલ પર બેઠી હોય છે. તેના ઘરમાં લાદી, દીવાલ, કપડા, વાસણ, ફોન, ટેબલ, ખુરશી એમ બધું જ બ્લેક અને વ્હાઈટ છે. ગીતના શબ્દો એવું કહેવા માગે છે કે તે તેના પ્રેમીને કે કોઈપણને ક્યારેય ખુલીને પ્રેમ નથી કરી શકી અને હવે તેના મનમાં અવનવા અવાજો સંભળાય છે જે એનું દિલ તોડે છે. તે ફોન ઉઠાવે છે પણ સામે કોઈ વાત કરવા માટે નથી, નાસ્તો કરવા બેસે છે પણ જોડે કોઈ ખાવા માટે નથી. એકલતા દૂર કરવા તે એક ચહેરા વગરના પૂતળાને છોકરાના કપડાં પહેરાવીને સામે બેસાડે છે અને તેની સાથે વાતો કરે છે, તેને કોફી પીરસે છે અને ફોન પર વાત પણ કરે છે. તેને હજી સંતોષ નથી થતો એટલે તે આવેશમાં પોતાના ગળામાં પહેરેલું એક લંબગોળાકાર લોકેટ જમીન પર ફેંકે છે અને બસ ત્યાં જ કમાલ થાય છે. બ્લેક અને વ્હાઈટ ફ્લોર પર એ લોકેટમાંથી તૂટીને ચારેકોર વિવિધ રંગો ફેલાઈ જાય છે. સામે પડેલા પૂતળાને ચહેરો મળે છે અને તે જીવિત થાય છે. બંને પાસે હવે કેટલાય રંગ છે જેની મદદથી તેઓ હોળી રમે છે. એકબીજાને રંગવાની સાથે આખા બ્લેક એન્ડ વ્હાઈટ ઘરને પણ રંગીન કરી નાખે છે. આ ગીત એટલે હોળીનો અનોખો આર્ટિસ્ટિક એક્સપેરિમેન્ટ!
વિશ્ર્વના સૌથી પ્રખ્યાત બેન્ડમાંના એક એવા બ્રિટિશ બેન્ડ ‘કોલ્ડપ્લે’ને પણ ભારતીય કલ્ચરમાં રસ પડ્યો હતો. ૨૦૧૫માં રિલીઝ થયેલા તેમના ‘અ હેડ ફુલ ઓફ ડ્રિમ્સ’ આલ્બમના ‘હીમ ફોર ધ વિકેન્ડ’ મ્યુઝિક વીડિયોમાં સિંગર ક્રિસ માર્ટિન અડધા ઉપરના વીડિયોમાં રંગે
રંગાયેલો દેખાઈ આવે છે. સાથે સિંગર બિયોન્સે પણ સ્પેશિયલ અપિયરન્સમાં છે. થોડા સમય માટે વીડિયોમાં સોનમ કપૂર પણ દેખાય છે. ગીતની શરૂઆત જ રાષ્ટ્રીય પક્ષી મોરથી થાય છે. આખા વીડિયોમાં ‘બાઉન્સ’ની જેમ જ આપણા દેશના લોકો અને વિવિધ પ્રવૃત્તિઓના મોન્ટાજ છે, પણ બંને ગીતની ટ્રીટમેન્ટ અલગ છે. વિદેશીઓ ભારતને લઈને કંઈ પણ બનાવે ત્યારે મોટાભાગે એક વિવાદ થતો જ હોય છે કે તેઓ આપણી ગરીબી જ દેખાડે છે. આ ગીત પણ એમાંથી બાકાત નથી. પણ આ ગીતમાં નૃત્ય અને પોશાક સાથે જોડાયેલી આપણી મૂળ સંસ્કૃતિ, ગલીઓ, રંગે રંગતા લોકો, તળાવમાં ડૂબકી મારતાં બાળકો વગેરે બતાવવાનો પ્રયાસ કરાયો છે. કદાચ આ બધું જ એમને આકર્ષતું હશે!
રંગોને વણી લેતાં આ બધા જ મ્યુઝિક વીડિયોઝના વ્યૂઝ મિલિયન્સમાં છે. વિદેશી તહેવારોથી ચિડાઈ જતા આપણા લોકોએ આ ગીતો ખાસ જોવા જોઈએ. કદાચ સમજાઈ જાય કે આપણા આ રંગોત્સવને ગ્લોબલ લેવલ સુધી લઈ જવામાં એમનો કેટલો ફાળો છે. ફક્ત એટલું જ નહીં પણ હજારોની સંખ્યામાં ભેગા થઈને ફક્ત હોળી અને સંગીતને માણતા કાર્યક્રમો પણ વિદેશમાં થાય છે. તેના આધારે બનેલા મ્યુઝિક વીડિયોઝ અને આફ્ટરમૂવી વીડિયોઝ જોઈને પણ ચકિત રહી જવાય એમ છે. થોડાં ઉદાહરણ આ રહ્યાં- આર્ટિસ્ટ ડર્ટી ડેસ્મો દ્વારા ‘સેવ ધ નાઈટ – હોલી ફેસ્ટિવલ ઓફ કલર્સ એન્થમ’, ‘હેપ્પી હોલી લસ્બોઆ ૨૦૧૩’, ‘કીર્તનિયાસ-નીતાઈ ગૌરંગા’, ‘ફેસ્ટિવલ ઓફ કલર્સ મેક્સિકો સીટી ૨૦૧૪’, વગેરે.
દર હોળી પર ટીવી, ફંક્શન કે શેરીઓમાં એ જ જૂના હિન્દી ગીતો જોવા કે સાંભળવા મળે છે. આજે બદલાવ ખાતર આ યાદીનાં ગીતો એકવાર સૌ ભેગા મળીને અચૂક જોજો. હેપ્પી હોલી!
લાસ્ટ શોટ
‘હીમ ફોર ધ વિકેન્ડ’ મ્યુઝિક વીડિયોના ફક્ત યુટ્યુબ પર જ ૧.૮ બિલિયન વ્યૂઝ છે!