કસબાના પરાજયનું પોસ્ટમોર્ટમ કરાશે, યોગ્ય કાર્યવાહી થશે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કસબા પેઠની વિધાનસભા પેટાચૂંટણીમાં પરાજય કેમ થયો તેનું મુલ્યાંકન અમે કર્યું છે. અમારી પાસે તેનો અહેવાલ આવી ગયો છે અને હવે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એમ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના જ્યેષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે શનિવારે કહ્યું હતું.
કસબા પેઠમાં પરાજય બાદ પહેલી વખત પુણેમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા ફડણવીસે એરપોર્ટ પર પત્રકારોને જણાવ્યું હતું કે ચૂંટણીમાં પરાજય થયા બાદ ખાસ ફરક પડે છે એવું હું માનતો નથી. કોઈપણ ચૂંટણીમાં વિજય હોય કે પરાજય તેનું મુલ્યાંકન કરવાની ભાજપની પરંપરા છે. કસબાની પેટાચૂંટણીનું પણ મુલ્યાંકન કરવામાં આવ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
વાસ્તવમાં રાજ્ય વિધાનભવનમાં બે દિવસથી મહાવિકાસ આઘાડીના નેતાઓ સતત કસબા પેઠની પેટાચૂંટણી બાદ રાજ્યમાં પલટાયેલી સ્થિતિનો લાભ લઈને કેવી રીતે ભાજપને પરાસ્ત કરી શકાય તેના પર ગંભીરતાથી વિચાર-વિમર્શ કરી રહ્યા હતા અને ગુરુવાર અને શુક્રવારે તેમની વિધાન ભવનમાં આ માટે બેઠક પણ થઈ હતી.
મહાવિકાસ આઘાડીની એકતા અને તેમની વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને ભાજપના અત્યારે રાજ્યના મહત્ત્વના નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ ડેમેજ ક્ધટ્રોલ મોડમાં આવી ગયા છે. અત્યાર સુધી કસબા પેઠની ચૂંટણીના પરાજયને ગણકારતા ન હોવાનો ડોળ કરી રહેલા ભાજપ તરફથી પહેલી વખત ફડણવીસે આ મુદ્દે કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે અને તેથી હવે આ મુદ્દે ભાજપ ગંભીર હોવાનું ચિત્ર ઊભું થયું છે.
——————
કમોસમી વરસાદ પર રાજકારણ રમવાનું વિપક્ષે બંધ કરવું: ફડણવીસ
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે પોતાની પુણે મુલાકાત વખતે જણાવ્યું હતું કે વિપક્ષી નેતાઓએ સંવેદનશીલ બનવાની આવશ્યકતા છે અને તેમણે કમોસમી વરસાદના મુદ્દે રાજકારણ કરવાનું છોડી દેવું જોઈએ. રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખાસ્સું નુકસાન થયું છે.
અહીં ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં ગુરુવારે કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતોને તત્કાળ રાહત આપવાની માગણી સાથે વિપક્ષે સભાગૃહનો ત્યાગ કર્યો હતો. વિપક્ષી નેતા અજિત પવારે રાજ્ય સરકારની અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.
ફડણવીસે આ બધા મુદ્દાનો જવાબ આપતાં શનિવારે કહ્યું હતું કે કમોસમી વરસાદે બે-એક દિવસ પહેલાં રાજ્યના અનેક વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો હતો. અમે તત્કાળ કૃષિ પાકને થયેલા નુકસાનની આકારણી કરવાના આદેશ બહાર પાડ્યા છે. અમે એવી પણ સ્પષ્ટતા કરી છે કે ખેડૂત પોતે ખેતરના ફોટા પાડીને મોકલશે તો તેને પણ આકારણી માટે ધ્યાનમાં લેવામાં આવશે.
ગૃહમાં આ મુદ્દે ધમાલ કરનારા વિપક્ષને આડે હાથ લેતાં તેમણે કહ્યું હતું કે વરસાદ પછી આટલી ઝડપથી નુકસાનની આકારણી કરવામાં આવી હોય એવું તેમણે ક્યારેય જોયું છે? તેમણે કમોસમી વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિમાં સંવેદનશીલ બનવું જોઈએ અને તેના પર રાજકારણ ન કરવું જોઈએ.