મુંબઈઃ આજે બપોરે હડતાળ પર ઉતરેલા વીજ કર્મચારીઓ અને નાયબ મુખ્ય પ્રધાન વચ્ચેની બેઠક સફળ થઈ હોવાનું અને હડતાળ પાછી ખેંચાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મહાવિતરણના ખાનગીકરણના વિરોધમાં રાજ્યભરમાં કર્મચારીઓ દ્વારા ત્રણ દિવસની હડતાળ પર ઉતરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેની સામે રાજ્ય સરકારે જો વીજ કર્મચારીઓ હડતાળ પર જશે તો તેમની સામે મેસ્મા એટલે કે અત્યાવશ્યક સેવા કાયદો લાગુ કરવાનો ઈશારો આપવામાં આપ્યો હતો.
આ બધા વચ્ચે આજે બપોરે એક વાગ્યે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથેની સહ્યાદ્રિ ખાતે યોજાયેલી બેઠક સફળ નિવડી હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ચર્ચા વખતે ફડણવીસે જણાવ્યું હતું કે મહાવિતરણનું ખાનગીકરણ કરવાની સરકારની કોઈ યોજના નથી અને એવો કોઈ વિચાર પણ નથી. વીજળી વિભાગના કર્મચારીઓ અને ફડણવીસ સાથેની બેઠકમાં કર્મચારીઓની હડતાળ પર સમાધાન આવી ગયું છે. રાજ્ય સરકાર કોઈ પણ કંપનીનું ખાનગીકરણ કરવાના હિતમાં નથી. વીજ કંપનીઓમાં સરકાર રોકાણ કરવાની છે. વીજ કંપનીમાં 50 હજાર કરોડનું રોકાણ થવાનું છે. આ ચર્ચા સકારાત્મક રીતે પૂરી થઈ હોવાનું પણ ફડણવીસે વધુમાં જણાવ્યું હતું.
રાજ્ય સરકારને ત્રણેય કંપનીનું ખાનગીકરણ નથી કરવું. 32 સંઘઠનો સારે સકારાત્મક ચર્ચા થઈ છે. ત્રણથી ચાર મુદ્દા પર સકારાત્મક ચર્ચા થઈ હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.