રૂપિયામાં ૧૪ પૈસાનું ધોવાણ

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પૂર્વે આજે આક્રમક ધોરણે વ્યાજદરમાં વધારો કરવામાં આવે એવી ભીતિ અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે વર્ષ ૨૦૨૩માં વૈશ્ર્વિક જીડીપી વર્ષ ૨૦૨૧નાં ૬.૧ ટકા સામે ઘટીને ૩.૧ ટકા રહેવાનો અંદાજ મૂકતા ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૪ પૈસાના ધોવાણ સાથે ૭૯.૯૨ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૯.૭૮ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૭૯.૮૩ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૯૨ અને ઉપરમાં ૭૯.૮૩ની રેન્જમાં અથડાઈને અંતે ૧૪ પૈસાના ઘટાડા સાથે ૭૯.૯૨ના મથાળે બંધ રહ્યો હતો. આઈએમએફે વૈશ્ર્વિક જીડીપીના અંદાજમાં ઘટાડો કરવા ઉપરાંત વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપીનો અંદાજ જે અગાઉ ૮.૨ ટકા મૂક્યો હતો તેની સામે ઘટાડીને ૭.૪ ટકા મૂક્યો હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.