(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં અંધેરી પૂર્વ અને પશ્ચિમની સાથે એસ. વી. રોડથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વેને જોડનારા ગોખલે બ્રિજ (રોડઓવર બ્રિજ)નું ડિમોલિશનનું કામકાજ જાન્યુઆરી, ૨૦૨૩થી ચાલુ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
જાન્યુઆરીથી ડિમોલિશનનું કામકાજ પંદરમી માર્ચ સુધીમાં પૂરું કરવામાં આવશે, ત્યારબાદ પાલિકા દ્વારા નવા બ્રિજ નિર્માણ કામગીરી હાથ ધરવામાં આવશે. આ મહિનાના અંત સુધીમાં ટેન્ડરને આમંત્રિત કરવામાં આવશે, ત્યાર બાદ ૨૧ દિવસમાં સંબંધિત પાર્ટીને તેમની બિડ નોંધાવવાની રહેશે. કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવામાં આવ્યા પછી થોડા દિવસોમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામકાજ માટે મશીનરી અને જરૂરી મેનપાવરને તહેનાત કરાશે, તેથી જાન્યુઆરી મહિનાથી કામકાજ ચાલુ કરવાની અપેક્ષા રાખી શકાય, એમ પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
બ્રિજને તોડવા મુદ્દે અગાઉ રેલવે અને પાલિકા પ્રશાસન આમનેસામને આવી ગયા પછી શુક્રવારે રેલવે પ્રધાન અશ્વિની કુમાર વૈષ્ણવ અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મધ્યસ્થીને કારણે બ્રિજ તોડવાની કામગીરી રેલવે પ્રશાસને સ્વીકારી હતી.
ઉલ્લેખનીય છે કે ત્રીજી જુલાઈ, ૨૦૧૮માં કેબલ્સ અને પેવર બ્લોકને કારણે ગોખલે બ્રિજનો અમુક હિસ્સો ધરાશાયી થયો હતો. ૮૦ મીટર લાંબા અને ૨૫ મીટર પહોળાઈ ધરાવતા બ્રિજનું નિર્માણ વર્ષ ૧૯૭૫માં કરવામાં આવ્યું હતું. ગોખલે પુલ જર્જરિત હાલતને કારણે 7 નવેમ્બરથી વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ પગલાથી આ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ છે અને લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.