દાદર વેસ્ટમાં વેલેટ પાર્કિંગ ફરી શરૂ કરવા બીએમસીના ઠાગાઠૈયા, વેપારી વર્ગની સાથે ગણેશ ભક્તો પણ નારાજ

અવર્ગીકૃત આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા દાદરના વેલેટ પાર્કિંગની સુવિધા ગયા મહિને અચાનક બંધ કરી દેવામાં આવી હતી. આ સુવિધા બંધ થયા ઑગસ્ટ મહિનામાં ફરી ચાલુ કરવામાં આવશે એવો દાવો પાલિકા પ્રશાસન કરી રહી હતી. પરંતુ પાલિકા પ્રશાસનના સુસ્ત વલણને કારણે બરોબર ગણેશોત્સવની ખરીદી માટે આવનારા લોકો દાદર (પશ્ર્ચિમ)માં ગમે ત્યાં વાહનો પાર્ક કરી રહ્યા છે, તેને કારણે ટ્રાફિકની સર્જાયેલી સમસ્યાને કારણે પોલીસને નાકે દમ આવી ગયો છે.
દાદર (પશ્ર્ચિમ)માં આવેલા મુંબઈના પહેલા ડિજિટલ વેલેટ પાર્કિંગને મુંબઈગરા તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. છતાં અચાનક તેને જુલાઈ મહિનામાં બંધ કરી દેવામાં આવતા સ્થાનિક રહેવાસીઓ, વેપારીની સાથે જ દાદરમાં ખરીદી માટે આવનારા લોકોને આશ્ર્ચર્ય થયું હતું. પાલિકા પ્રશાસને વરસાદનું કારણ આપી આ વેલેટ પાર્કિંગ તાત્પૂરતા સમય માટે બંધ કરવામાં આવ્યું હોવાનો દાવો જુલાઈ મહિનામાં કર્યો હતો.

પાલિકા પ્રશાસનના આ નિર્ણય સામે દાદર વ્યાપારી સંઘે નારાજગી વ્યક્ત કરી હતી. સંઘના પદાધિકારીઓના કહેવા મુજબ વેલેટ પાર્કિંગની સુવિધાથી અહીંં ઘણો ફાયદો થયો હતો. ગણેશોત્સવના તહેવારને કારણે દાદર(પશ્ર્ચિમ)માં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી રહ્યા છે. ખરીદી માટે આવનારા તથા અન્ય કામ માટે આવનારા લોકો ગમે ત્યાં વાહનો પાર્ક કરી રહ્યા છે, તેને કારણે બરોબર તહેવારને સમયે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. અહીં વેલેટ પાર્કિંગની સુવિધા ચાલુ કરવા માટે જુલાઈ મહિનાથી સતત પત્રવ્યવહાર કરી રહ્યા છે. પાલિકાની ઓફિસના ચક્કર પણ કાપ્યા છે. છતાં પાલિકા તરફથી આ સુવિધા ફરી ચાલુ કરવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

સંઘના પદાધિકારીના કહેવા મુજબ ગયા વર્ષે દિવાળી પહેલાં સંઘે પોતાના ખિસ્સાથી પૈસા કાઢીને આ સુવિધા ઉપલબ્ધ કરી હતી. છ ડ્રાઈવર રાખ્યા હતા. તમામ સગવડ સંઘના વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી. લોકોનો પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો હતો. પાલિકાના જી-ઉત્તર વોર્ડને પણ યોજના પસંદ પડી હતી. તેઓ પણ આ યોજનામાં જોડાયા હતા. તેથી મોટી સંખ્યામાં રહેવાસીઓની સાથે અહીં ખરીદી માટે કે અન્ય કામ માટે આવનારા લોકો પોતાનાં વાહનો પાર્ક કરતાં હતાં. જોકે અચાનક આ સુવિધા બંધ કરી દેવામાં આવી હતી. તેથી દાદર (પશ્ર્ચિમ)માં પીક અવર્સમાં ભારે ટ્રાફિકજામ રહેતો હોય છે. તેમાં હવે ગણેશોત્સવની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં લગભગ ૨૯ પબ્લિક પાર્કિંગ પ્લોટ ચલાવે છે. તેમ છતાં મોટા ભાગના લોકો રસ્તા પર ગમે ત્યાં વાહનો પાર્ક કરવાનું પસંદ કરે છે, તેને કારણે રસ્તા પર ટ્રાફિકજામ થતો હોય છે. તેથી પાલિકાએ શોપિંગ હબ ગણાતા દાદર ખાતે કોહીનૂર પબ્લિક પાર્કિંગ પ્લોટમાં ડિજિટલાઈસ્ડ વેલેટ પાર્કિંગ સુવિધા ચાલુ કરી હતી. ૧૮ મે, ૨૦૨૨થી આ સુવિધા ચાલુ કરવામાં આવી હતી. પહેલા દિવસથી લોકોનો ભરપૂર પ્રતિસાદ મળ્યો હતો. દરરોજ અહીં ૫૦થી વધુ વાહનો પાર્ક કરવામાં આવતાં હતા.

શું છે વેલેટ પાર્કિંગની સુવિધા
વેલેટ પાર્કિંગની સુવિધામાં વાહનચાલકોને તેમનાં વાહનો પ્લાઝા થિયેટર પાસેના ડેડિકેટેડ વેલેટ પાર્કિંગ બૂથ પર તેમના ફોન નંબર સાથે છોડવાના રહેતા હતા. વાહનો લઈ જવા અને પાછા લાવવા માટે નીમવામાં આવેલા ડ્રાઇવર સંબંધિત વાહનોને કોહીનૂર પબ્લિક પાર્કિંગ પ્લોટ સુધી લઈને પાર્ક કરતાં હતાં. પાર્કિંગ પ્લોટમાંથી વાહન પાછું મેળવવા મોબાઈલ પર મોકલવામાં આવેલા એસએમએસ પર આવેલી લિંક પર ક્લીક કરીને વાહન પાછું પ્લાઝા થિયેટર પાસે લાવવાની રિકવેસ્ટ કરવાની રહેતી હતી. પાર્કિંગ માટે મામૂલી ચાર્જ વસૂલવામાં આવતો હતો. પાલિકાએ દાદરમાં અન્ય ચાર જગ્યાએ વેલેટ પાર્કિંગની સુવિધા ઊભી કરવાનો નિર્ણય લીધો હતો. વેલેટ પાર્કિંગમાં પહેલા ચાર કલાક માટે ૧૦૦ રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવતો હતો. ત્યાર પછી પ્રતિ કલાક માટે ૨૫ રૂપિયા વસૂલવામાં આવતા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.