Homeવેપાર વાણિજ્યબૅન્કિંગ કટોકટીના ભય હેઠળ વૈશ્ર્વિક સોનામાં સલામતી માટેની માગ

બૅન્કિંગ કટોકટીના ભય હેઠળ વૈશ્ર્વિક સોનામાં સલામતી માટેની માગ

સ્થાનિકમાં સોનું રૂ. ૩૮૦ ઉછળ્યું, ચાંદી રૂ. ૧૪૪૬ની તેજી સાથે રૂ. ૭૧,૦૦૦ની પાર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે બૅન્કિંગ ક્ષેત્રની કટોકટીને ધ્યાનમાં અમેરિકી ફેડરલ રિઝર્વનું વ્યાજદરમાં વધારો કરવાનું વલણ કુણું પડે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં વૈશ્ર્વિક સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હતી. આમ સતત બે સત્રથી વૈશ્ર્વિક સોનામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં ગઈકાલની રામનવમીની જાહેર રજા બાદ આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭૯થી ૩૮૦નો ઉછાળો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં ૧૨ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૪૪૬ની તેજી સાથે રૂ. ૭૧,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૪૪૬ના ઉછાળા સાથે રૂ. ૭૧,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૭૧,૪૪૬ના મથાળે રહ્યા હતા. જોકે, આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી એકંદરે નિરસ રહી હતી, પરંતુ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ ખપપૂરતી માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭૯ વધીને રૂ. ૫૯,૪૭૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૮૦ વધીને રૂ. ૫૯,૭૧૫ના મથાળે રહ્યા હતા.
પ્રવર્તમાન અમેરિકાની બૅન્કિંગ ક્ષેત્રની કટોકટીને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ તેની આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદર વધારવા અંગે કુણું વલણ અપનાવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં હાજર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૧૯૮૧.૪૬ ડૉલર અને ૧૯૮૨.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીમાં નફારૂપ વેચવાલીનું દબાણ રહેતાં ભાવ ગઈકાલના બંધથી સાધારણ ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩.૮૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યાનુસાર વર્તમાન માર્ચ મહિનાના અંતે અર્થાત્ આજે સોનામાં સતત બીજા ત્રિમાસિકગાળામાં સોનામાં ત્રિમાસિક ધોરણે ઉછાળો જોવા મળે તેવી શક્યતા છે. જોકે, અત્યાર સુધી સોનામાં ત્રિમાસિક ધોરણે ભાવમાં ૮.૬ ટકાની તેજી આવી છે. હાલની પરિસ્થિતિ જોતા બૅન્કિંગ કટોકટી પૂરી નથી થઈ અને અમુક મુદ્દાઓ સપાટી પર નથી આવી રહ્યા આથી આગામી ટૂંકા સમયગાળામાં વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૧૯૩૦થી ૨૦૦૦ ડૉલર આસપાસના મથાળે કોન્સોલિડેટ થાય તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.
રૂપિયામાં વેપારને પ્રોત્સાહિત કરતી દેશની નવી વિદેશ વેપાર નીતિ
નવી દિલ્હી: પહેલી એપ્રિલથી અમલી બની રહેલી ભારતની નવી વિદેશ વેપાર નીતિ રૂપિયાના ચલણમાં આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહિત કરી રહી છે તેમ જ વૈશ્ર્વિક સ્તરે મંદીનો માહોલ હોવા છતાં નિકાસને પ્રોત્સાહન આપે છે, એમ આજે સરકારે જણાવ્યું હતું.
ડૉલરની અછતનો સામનો કરી રહેલા દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રો રૂપિયામાં વેપાર કરવા માટે તૈયાર છે. જેથી ડૉલરની અછતને નિવારી શકાશે અને અસરકારક રીતે નિકાસને પ્રોત્સાહિત પણ કરી શકાશે, એમ વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે આજે દિલ્હી ખાતે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
વધુમાં ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડના હેડ સંતોષકુમાર સારંગીએ જણાવ્યું હતું કે નવી વિદેશ વેપાર નીતિમાં ચોક્કસ લક્ષ્યાંકો સાથે આગામી વર્ષ ૨૦૩૦ સુધીમાં નિકાસ બે ટ્રિલિયનના સ્તરે પહોંચાડવા માટે પગલાં પણ લેવામાં આવ્યા છે. અત્રે નોંધનીય બાબત એ છે કે વૈશ્ર્વિક સ્તરે અનિશ્ર્ચિતતા પ્રવર્તી રહી છે તે જોતા પડકારો પણ વધુ હોવા છતાં વર્ષ ૨૦૨૨-૨૩માં અંદાજિત ૭૭૦ અબજ ડૉલરની નિકાસમાં ત્રણ ગણા વધારાના લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ ઉપરાંત નવી નીતિમાં નિકાસ જવાબદારીમાં કસૂરવાર (ડિફોલ્ટ) માટે વન ટાઈમ સેટલમેન્ટ માટે નવી એમ્નેસ્ટી સ્કીમ પણ શરૂ કરવામાં આવી હોવાનું તેમણે જણાવતાં ઉમેર્યું હતું કે સ્કીમનો મુખ્ય આશય વેપાર વિવાદનો ઉકેલ છે, આ સ્કીમ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી અમલી રહેશે. જોકે, આ સ્કીમ છેતરપીંડીની તપાસ સાથે સંકળાયેલા કિસ્સામાં લાગુ નહીં પડે, એમ તેમણે ઉમેર્યું હતું.
ભારતની નવી વિદેશ વેપાર નીતિ અંતર્ગત અમુક વ્યાપારી મંજૂરીઓ ઑટોમેટીક (સ્વચાલિત) ધોરણે મળશે અને મધ્યમ તથા નાના કદના ઉદ્યોગોનાં ચાર્જિસમાં ઘટાડો થવાની સાથે અમુક સરકારી લાભો પણ મળશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -