Homeદેશ વિદેશઊંચા મથાળેથી સોનાની માગ તળિયે બેસતા વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવ ઔંસદીઠ ૩૦...

ઊંચા મથાળેથી સોનાની માગ તળિયે બેસતા વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવ ઔંસદીઠ ૩૦ ડૉલર ડિસ્કાઉન્ટમાં

વર્ષ ૨૦૨૩માં ફુગાવો વધતાં સોનામાં હેજરૂપી માગનો ટેકો મળવાનો આશાવાદ

કોમોડિટી -રમેશ ગોહિલ

અમેરિકી ફેડરલ રિઝર્વે ગત ૧૩-૧૪ ડિસેમ્બરની નીતિવિષયક બેઠકમાં બજારની અપેક્ષાનુસાર વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો વધારો કર્યો હોવા છતાં ફેડરલના અધ્યક્ષે આગામી વર્ષ ૨૦૨૩માં પણ વ્યાજદરમાં વધારાનો અભિગમ જાળવી રાખવાના સંકેત આપતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સોનાના વૈશ્ર્વિક ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. વધુમાં ગત ગુરુવારે અમેરિકાના ત્રીજા ત્રિમાસિકગાળાના જીડીપીના ડેટા પ્રોત્સાહક આવતા સોનાના ભાવમાં એક ટકા જેટલો ઘટાડો આવી ગયો હતો. જોકે, ત્યાર બાદ બૅન્ક ઑફ જાપાને નાણાનીતિ તંગ કરવાના સંકેત આપતાં યેન સામે ડૉલર નબળો પડ્યો હતો. તેમ જ ચીન ખાતે કોવિડ-૧૯થી અસરગ્રસ્તોની સંખ્યામાં થઈ રહેલા વધારાને કારણે વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવતાં સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું આમ એકંદરે વૈશ્ર્વિક સોનામાં સાપ્તાહિક ધોરણે ૦.૨ ટકા જેટલો સુધારો આગળ ધપ્યો હતો. જોકે, વર્ષ ૨૦૨૨માં સોનાના વૈશ્ર્વિક ભાવમાં બે ટકા જેટલો ઘટાડો નોંધાવાની ધારણા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા હતા. વધુમાં આગામી વર્ષ ૨૦૨૩માં વૈશ્ર્વિક સ્તરે ઊંચા ફુગાવાની સમસ્યા જળવાઈ રહે તેમ હોવાથી સોનામાં વધતા ફુગાવા સામેની હેજરૂપી માગ જળવાઈ રહેવાની શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે.
સ્થાનિક ઝવેરી બજારમાં વીતેલા સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ તેમ જ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નબળો પડવાને કારણે સોનાની આયાત પડતરોમાં પણ વધારો થવાથી ભાવમાં તેજીનું વલણ રહ્યું હતું અને સ્થાનિકમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૪,૦૦૦ની સપાટી કુદાવી જતાં સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી અટકી હતી તેમ જ રિટેલ સ્તરની માગ પણ તળિયે બેસી જવાને કારણે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૩૦ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ડિસ્કાઉન્ટની આ સપાટી છ મહિનાની ઊંચી સપાટીએ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કોલકાતા સ્થિત હોલસેલર જે જે ગોલ્ડ હાઉસના પ્રોપ્રાઈટરે જણાવ્યું હતું કે ગત સપ્તાહ દરમિયાન કોલકાતા ખાતે એક તબક્કે સોનાના ભાવ વધીને ગત આઠમી માર્ચ પછીની સૌથી ઊંચી ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫,૨૨૦ની સપાટી સુધી પહોંચ્યા હતા. આમ એકંદરે ભાવ વધવાને કારણે ખાસ કરીને રિટેલ સ્તરની માગ પર અત્યંત માઠી અસર પડી છે. તેમ જ ડીલરો આટલી મોટી માત્રમાં ડિસ્કાઉન્ટ સાથે ભાવ ઑફર કરી રહ્યા હોવા છતાં જ્વેલરી ઉત્પાદકો પણ નવી લેવાલીથી દૂર રહેતાં હોવાનું તેમણે ઉમેર્યું હતું.
દરમિયાન સ્થાનિકમાં ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૧૭ ડિસેમ્બરના ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૩,૯૯૮ના બંધ સામે સુધારાના ટોને રૂ. ૫૪,૧૨૬ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં ખૂલતી જ રૂ. ૫૪,૧૨૬ની સપાટી અને ઉપરમાં રૂ. ૫૪,૭૬૩ની ટોચ દાખવીને સપ્તાહના અંતે સાપ્તાહિક ધોરણે રૂ. ૩૬૮ અથવા તો ૦.૬૮ ટકા વધીને રૂ. ૫૪,૩૬૬ના મથાળે બંધ રહ્યા હતા.
ગત સપ્તાહે જાપાને નાણાનીતિમાં ફેરફાર કરતાં ડૉલર સામે યેન મજબૂત થવાને કારણે જાપાન ખાતે સોનાના ભાવમાં ઘટાડો થતાં નોંધપાત્ર ખરીદી નીકળી હોવાનું ટોકિયો સ્થિત એક ડીલરે જણાવતાં ઉમેર્યું હતું કે બૅન્ક ઑફ જાપાને લાંબાગાળાના વ્યાજદરની પકડ ઢીલી કરતાં ડૉલર સામે યેન ચાર ટકા જેટલો ઉછળ્યો હતો અને સોનાના ભાવ ઘટીને ૧૨ સપ્તાહની નીચી સપાટીએ પહોંચતાં સોનામાં લેવાલી વધી હોવાનું તેમણે ઉમેર્યું હતું.વધુમાં સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે ગત સપ્તાહે છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૮થી ૧૬ ડૉલર આસપાસના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે પ્રીમિયમ ૧૦થી ૨૦ ડૉલર આસપાસની સપાટીએ રહ્યા હતા.
એકંદરે ગત સપ્તાહે ચીન, દક્ષિણ કોરિયા, જાપાન અને બ્રાઝિલમાં કોવિડ-૧૯ના વધી રહેલા કેસને કારણે વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવી હતી. જોકે, અમેરિકા ખાતે ત્રીજા ત્રિમાસિકગાળામાં જીડીપીમાં નોંધપાત્ર બાઉન્સબૅક જોવા મળ્યું હતું, જ્યારે બ્રિટનમાં વર્ષ ૨૦૨૨માં પહેલી વખત ત્રીજા ત્રિમાસિકગાળામાં આર્થિક વૃદ્ધિમાં પીછેહઠ જોવા મળી હતી. આમ આર્થિક વૃદ્ધિની ચિંતાને ધ્યાનમાં લેતાં સોનામાં હેજરૂપી માગનો ટેકો મળ્યો હોવાથી ગત ગુરુવારે સોનાના વૈશ્ર્વિક અગ્રણી એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હૉલ્ડિંગ આગલા દિવસની સરખામણીમાં ૦.૨ ટકા વધીને ૯૧૩.૮૮ ટનની સપાટીએ રહ્યું હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે હાલ કૉમેક્સ ખાતે સોનાના ભાવ ઔંસદીઠ ૧૭૯૦ ડૉલરની મહત્ત્વની ટેકાની સપાટી આસપાસ પ્રવર્તી રહ્યા છે અને આ સપાટી બાદ ૧૭૬૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ઔંસદીઠ ૧૮૪૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેમ જણાય છે. જોકે, સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં આગામી સપ્તાહે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૩,૦૦૦થી ૫૫,૬૦૦ની રેન્જમાં અથડાતા રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
દરમિયાન ગત સપ્તાહના અંતે અમેરિકા ખાતે જાહેર થયેલા ઑક્ટોબર મહિનાના ફુગાવામાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ ઘટાડો એટલો નહોતો કે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી પાડે આથી ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સત્રના અંત પૂર્વે હાજરમાં સોનાના ભાવ આગલા બંધથી ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૭૯૬.૫૩ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૫ ટકા વધીને ૧૮૦૪.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular