લગ્નસરાની મોસમના અંત સાથે સોનામાં માગ શાંત સ્થાનિક સોનાના ભાવ વિશ્ર્વ બજારની તુલનામાં આઠ ડૉલર ડિસ્કાઉન્ટમાં

વેપાર વાણિજ્ય

કોમોડિટી – રમેશ ગોહિલ

વધતા ફુગાવાને ડામવા માટે અમેરિકી ફ્ેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતા અને તેને કારણે આર્થિક વૃદ્ધિ ધીમી પડવાની ભીતિ વચ્ચે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મક્કમ વલણ રહેતાં ગત સમગ્ર સપ્તાહ સુધી સોનાના ભાવ ઘટાડાતરફી રહ્યા હતા. જોકે, સપ્તાહના અંતે શુક્રવારે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ ઘટાડો આવતા સોનામાં ધીમો સુધારો જોવા મળ્યો હતો અને ભાવમાં સપ્તાહની નીચી સપાટીએથી સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સપ્તાહ દરમિયાન ૨૪ પૈસાનું ધોવાણ થયું હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરો વધી જવાને કારણે ભાવમાં વિશ્ર્વ બજારની સરખામણીમાં ઓછો ઘટાડો આવ્યો હતો. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં સોનાના ૧૦ ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૧૭ જૂનના રૂ. ૫૧,૧૬૯ના બંધ સામે રૂ. ૫૧,૦૬૪ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન રૂ. ૫૦,૭૬૪થી ૫૧,૧૫૫ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૪૦નો ઘટાડો નોંધાયો હતો.
એકંદરે સપ્તાહ દરમિયાન સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા હોવા છતાં દેશમાં લગ્નસરાની મોસમ ઓસરી જવાને કારણે રિટેલ સ્તરની માગ પાંખી રહી હતી. તેમ જ ગ્રાહકોની ચહેલપહેલ પણ ગત મે મહિનાની સરખામણીમાં ઘણી ઓછી રહી હોવાનું રિદ્ધિ સિદ્ધિ બુલિયનનાં ડિરેક્ટર મુકેશ કોઠારીએ જણાવ્યું હતું. તેમ જ સપ્તાહ દરમિયાન જ્વેલરોની ડીલર પાસેથી ખરીદી પણ નિરસ રહેતાં સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વિશ્ર્વ બજારની સરખામણીમાં ઔંસદીઠ આઠ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હોવાનું એક આયાતકર્તા બૅન્કે જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે આગલા સપ્તાહે ડિસ્કાઉન્ટ છ ડૉલર આસપાસની સપાટીએ રહ્યા હતા.
સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે ગત સપ્તાહે વૈશ્ર્વિક ભાવની સમકક્ષથી ઔંસદીઠ ૨થી ૩ ડૉલરના પ્રીમિયમે છૂટાછવાયા હાથબદલાના વેપાર થયા હતા. જોકે, શાંઘાઈ ખાતે ટ્રેડિંગ લગભગ નહીવત્ જેવું રહ્યું હતું. તેમ છતાં રોકાણકારો વધતા ફુગાવા અને રાજકીય-ભૌગોલિક જોખમો સામે સલામતી માટે સોનું ખરીદવા ઈચ્છુક હોવાનું વિન્ગ ફુંગ પ્રીસિયસ મેટલ્સનાં ડીલિંગ વિભાગના હેડ પીટર ફંગે જણાવતા ઉમેર્યું હતું કે શાંઘાઈ ખાતે લોકડાઉનના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે, પરંતુ ચીનમાં હજુ કોવિડ-૧૯નો પ્રસાર થતો હોવાથી ગ્રાહકો નવી ખરીદીમાં સાવચેતીનો અભિગમ અપનાવી રહ્યા છે. તેમ જ સ્વિસ કસ્ટમ વિભાગની આંકડાકીય માહિતી અનુસાર ગત મે મહિનામાં ચીન ખાતે સોનાના શિપમેન્ટમાં ઘટાડો થયો છે. વધુમાં હૉંગકૉંગ ખાતે ડીલરો સોનાના ભાવ ઔંસદીઠ ૧.૮૦ ડૉલર પ્રીમિયમથી ૧.૮૦ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા છે. સિંગાપુર ખાતે સોનામાં છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૧.૨૦થી ૧.૭૦ ડૉલર આસપાસના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા, જ્યારે જાપાન ખાતે ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સમકક્ષ અથવા તો ઔંસદીઠ ૫૦ સેન્ટ પ્રીમિયમમાં ઑફર કરી રહ્યાના અહેવાલ હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ તેની આગામી ૨૬-૨૭ જુલાઈની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી ભીતિ હેઠળ ગત સપ્તાહે વૈશ્ર્વિક સોનામાં સતત બીજા સપ્તાહમાં સાપ્તાહિક ધોરણે ભાવઘટાડો નોંધાયો હતો. ગત સપ્તાહે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ફુગાવા સામેની લડતને બિનશરતી લડત ન હોવાનું જણાવ્યું હતું, જ્યારે ફેડરલ રિઝર્વના ગવર્નર મિશેલ બૉમેને જુલાઈમાં વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો અને ત્યાર બાદ અમુક વખત ૫૦ બેઝિસ પૉઈન્ટ સુધીના વધારાની તરફેણ કરી હતી. જોકે, આ દિશા-નિર્દેશો સાથે આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવતા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં સાધારણ પીછેહઠ જોવા મળી હતી, પરંતુ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં ભાવ દબાણ હેઠળ રહ્યા હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે હાલના સંજોગોમાં વૈશ્ર્વિક સોનું ઔંસદીઠ ૧૮૫૦ ડૉલરની સપાટી કુદાવે તેવી શક્યતા નથી જણાતી. વધુમા અત્યારે સોનામાં રોકાણલક્ષી માગનો પણ ટેકો નથી મળી રહ્યો આથી જ ગત ગુરુવારે વિશ્ર્વમાં સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટમાં સોનાનું હોલ્ડિંગ ૦.૮૧ ટકા ઘટીને ૧૦૬૩.૦૭ ડૉલરની સપાટીએ રહ્યું હતું. ટૅક્નિકલ દૃષ્ટિએ હાલ વૈશ્ર્વિક સોનામાં ઔંસદીઠ ૧૮૬૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થવાની શક્યતા છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૯,૨૦૦થી ૫૧,૫૦૦ની રેન્જમાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને વ્યાજદરમાં વધારાને કારણે આર્થિક વૃદ્ધિની ચિંતા હેઠળ સોનામાં સલામતી માટેની માગ ખૂલતાં ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો અને હાજરમાં ભાવ એક તબક્કે ઘટીને સપ્તાહની નીચી ઔંસદીઠ ૧૮૧૬.૧૦ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ આગલા બંધથી ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૧૮૩૦.૨૨ ડૉલર અને વાયદામાં ભાવ સુધારા સાથે ૧૮૩૦.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
હાલ સોનાના વૈશ્ર્વિક ભાવ પર બે પરિબળો અસર કરી રહ્યા છે. એક તરફ વૈશ્ર્વિક આર્થિક મંદીની ચિંતાને ધ્યાનમાં લેતા સોનામાં સલામતી માટેની માગને કારણે રોકાણનો આંતરપ્રવાહ રહે છે, જ્યારે બીજી તરફ ફેડરલ રિઝર્વ વાસ્તવિક વ્યાજદરમાં આક્રમક વલણ અપનાવવાના નિર્દેશ આપી રહી હોવાથી ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ આંતરપ્રવાહ રૂંધી રહ્યો હોવાનું ન્યૂ યોર્ક સ્થિત ટીડી સિક્યોરિટીઝનાં કૉમોડિટી સ્ટ્રેટેજિસ્ટ ડેનિયલે જણાવતા ઉમેર્યું હતું કે સોનામાં વધતા ફુગાવા, વધતા વ્યાજદર અને આર્થિક વૃદ્ધિની ચિંતાને કારણે સોનામાં સલામતી માટેની માગ અપેક્ષિત છે, પરંતુ સામે પક્ષે ડૉલર મજબૂત થતાં રોકાણની કીમતમાં પણ વધારો થઈ રહ્યો છે. આથી સોનું બેતરફી વધઘટે અથડાઈ રહ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.