એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
દેશના સૌથી મોટા ઉદ્યોગ અને બિઝનેસ ગ્રૂપમાંથી એક અદાણી ગ્રુપ સામે અમેરિકાની રીસર્ચ સંસ્થા હિંડનબર્ગે આક્ષેપોનો મારો ચલાવીને બહાર પાડેલા રિપોર્ટે રમખાણ કરી દીધું છે. આ રિપોર્ટના કારણે અદાણીના શેરો તો ઉંધા માથે પછડાયા જ છે પણ આખા શેરબજારમાં ધમાલ મચી ગઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી શેરબજાર હાલકડોલક થઈ ગયું છે. અદાણીનો મુદ્દો મીડિયામાં તો ગાજે જ છે પણ હવે સંસદમાં પણ પહોંચી ગયો. વિપક્ષોએ આ મુદ્દે ધમાલ મચાવીને ચર્ચાની માગણી કરી ને મોદી સરકારે એ ફગાવી દેતાં સંસદની કામગીરી મોકૂફ રાખવી પડી.
અદાણીને સરકારી બેંકોએ જંગી પ્રમાણમાં લોન આપી છે. સાથે સાથે એલઆઈસી સહિતની સરકારી સંસ્થાઓએ અદાણી ગ્રૂપની કંપનીઓમાં રોકાણ કર્યું છે. વિપક્ષોનો આક્ષેપ છે કે, એલઆઈસી સહિતની સરકારી સંસ્થાઓમાં રોકાણની મંજૂરી વડા પ્રધાનની સહી વિના શક્ય નથી તેથી મોદી મહેરબાન તો અદાણી પહેલવાન જેવો ઘાટ થયો છે. આ કારણે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ.
કૉંગ્રેસે તો અદાણી સામેના આક્ષેપોની તપાસ કરવા માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી) રચવાની માગણી પણ કરી નાંખી. આમ આદમી પાર્ટીના સંજયસિંહે અદાણીનો પાસપોર્ટ જપ્ત કરવાની માગણી કરી નાંખી.
આ બધી વાતો બાલિશ અને હાસ્યાસ્પદ છે. અદાણી સામે એક કંપનીએ આક્ષેપો કર્યા છે. આ આક્ષેપો સાચા જ છે એવું કોઈ છાતી ઠોકીને ના કહી શકે. આ આક્ષેપોના આધારે દેશના ટોચના ઉદ્યોગપતિ કોઈ ક્રિમિનલ હોય એમ તેમનો પાસપોર્ટ જપ્ત કરવાની વાતો કરાય એ આઘાતજનક કહેવાય. એક બિઝનેસ ગ્રૂપના મુદ્દે સંસદમા ચર્ચા કરવાની માંગ પણ અયોગ્ય છે, અદાણી ગ્રૂપે ખોટું કર્યું હોય તો તેની તપાસ કરી શકાય પણ સંસદમાં ચર્ચા બહુ મોટી વાત છે.
વિપક્ષો રાજકીય ફાયદા માટે આક્ષેપો કરે છે એ કહેવાની જરૂર નથી. રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતા લાંબા સમયથી મોદીના અદાણી સાથેના સંબંધો અંગે પ્રહારો કર્યા કરે છે. વિપક્ષો સીધા મોદીને નિશાન બનાવીને ઘણું બધું કહે છે. મોદીની મહેરબાનીથી અદાણીને શું શું મળ્યું તેની વાતો પણ કરે છે. આ પ્રહારો રાજકીય છે તેથી મોદી સરકાર કે ભાજપ તો જવાબ આપવાની જરૂર નથી પણ એલઆઈસી સહિતની સરકારી સંસ્થાઓના અદાણી ગ્રૂપમા રોકાણ અને સરકારી બેકો દ્વારા અદાણીને અપાયેલા ધિરાણનો મુદ્દો રાજકીય નથી.
આ મુદ્દો પ્રજાના હિત સાથે જોડાયેલો છે કેમ કે એલઆઈસી સહિતની સરકારી સંસ્થાઓ અને સરકારી બેકો પણ પ્રજાના પૈસે બનેલી છે ને પ્રજાના નાણાંથી ચાલે છે. એલઆઈસી સહિતની સરકારી સંસ્થાઓ અદાણી ગ્રૂપમાં રોકાણ કરે કે સરકારી બેકો અદાણીને ધિરાણ આપે તેમાં કશું ખોટું નથી કેમ કે સંસ્થાઓ-બૅંન્કો પણ અંતે તો ધંધો કરવા જ ખોલાયેલી છે. એ બીજા બધામાં રોકાણ કરે કે લોન આપે એ રીતે અદાણી ગ્રૂપમાં પણ કરી જ શકે છે.
આ સંજોગોમાં લોન આપવી કે રોકાણ કરવામાં કશું ખોટું નથી પણ એ રોકાણ અને લોન સલામત છે કે નહીં એ અંગે લોકોને માહિતી આપવી સરકારની ફરજ છે. મોદી સરકારે એ ફરજ બજાવવી જોઈએ. રાજકીય આક્ષેપો તો ચાલ્યા જ કરવાના પણ રાજકીય આક્ષેપો થાય છે તેની આડમાં લોકોને જે જાણવાનો અધિકાર છે એ અધિકાર ના છિનવી શકાય.
મોદી સરકારે એલઆઈસી સહિતની સરકારી સંસ્થાઓના અદાણી ગ્રૂપમા રોકાણ અને સરકારી બેકો દ્વારા અદાણીને અપાયેલા ધિરાણની વિગતોની સાથે સાથે બીજા એક મુદ્દે પણ સ્પષ્ટતા કરવી જોઈએ ને અદાણીનો કાન પણ આમળવો જોઈએ. હિંડનબર્ગના આક્ષેપોના પગલે અદાણી ગ્રુપ તરફથી જે નિવેદન બહાર પડાયું તેમાં હિંડનબર્ગના આક્ષેપોને ભારત પર હુમલો ગણાવાયો છે. અદાણી જૂથે કહેલું કે, ‘મેડઓફ્સ ઓફ મેનહટ્ટન’ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટથી તેમને આશ્ર્ચર્ય થયું છે અને પોતે હેરાન પણ છે કેમ કે આ રિપોર્ટ જૂઠાણા સિવાય બીજું કંઈ નથી. આ રિપોર્ટ ખાસ એકઠી કરાયેલી ગેરમાર્ગે દોરનારી માહિતીઓનું એક ખરાબ ઉદ્દેશ સાથે કરાયેલું સંકલન છે.
અદાણી પોતાના બચાવમાં આ બધું કહે તેમાં કશું ખોટું નથી પણ પછી અદાણીએ જે કહ્યું એ વાંધાજનક છે. અદાણી ગ્રૂપે કહ્યું કે, આ કોઈ ખાસ કંપની પરનો હુમલો નથી પણ ભારત અને ભારતીય ઉદ્યોગોની સ્વતંત્રતા, અખંડિતતા, ગુણવત્તાની સાથે જ ભારતની વિકાસગાથા અને દેશની મહત્ત્વાકાંક્ષા પર એક સુનિયોજિત હુમલો છે.
અદાણીએ પોતાના બચાવ માટે હિંડનબર્ગના રિપોર્ટને ભારત પરનો હુમલો ગણાવી દીધો એ આઘાતજનક કહેવાય. કોઈ વ્યક્તિ કે જૂથ પોતાનાં કૃત્યો માટે કશું કહેવાય તેને દેશ પરનો હુમલો કઈ રીતે કહી શકે? અદાણી ગ્રૂપ એક બિઝનેસ ગ્રૂપ છે ને આ બિઝનેસ ગ્રૂપ એટલે ભારત નથી કે, ભારતીય ઉદ્યોગો પણ નથી.
અદાણીએ સાચું કર્યું છે, ખોટું કર્યું છે કે બીજું કંઈ કર્યું છે તેની પંચાતમાં આપણે પડતા નથી પણ તેને પોતે જે કંઈ કર્યું છે તેને દેશના નામે ચડાવીને પોતાનો બચાવ કરવાનો કોઈ અધિકાર જ નથી. અદાણી પર જે કંઈ આક્ષેપો થયા એ ભારત સરકારે લીધેલા નિર્ણયોના કારણે થયા નથી કે તેને અદાણી દેશ પરના હુમલામાં ખપાવી શકે.
હિંડનબર્ગના રિપોર્ટમાં ભારત સામે કે ભારત સરકાર સામે પણ કશું નકારાત્મક કહેવાયું જ નથી. રિપોર્ટમાં એવું કશું હોય ને મોદી સરકાર સત્તાવાર નિવેદન આપે તેમાં એ વાત કરે તો સમજી શકાય પણ અદાણીને તો એ અધિકાર જ નથી. અદાણીએ જે કંઈ કર્યું તેની સંપૂર્ણ જવાબદારી અદાણીની પોતાની છે, આ દેશની નથી કે દેશનાં લોકોની નથી તેથી અદાણી દેશના નામે ચરી ખાય કે તેના પર થયેલા આક્ષેપોને રાષ્ટ્રવાદનો રંગ ચડાવે એ ના ચાલે.
મોદી સરકારે અદાણીને કડક શબ્દોમાં આ વાત કહેવી જોઈએ. ભવિષ્યમાં આ રીતે દેશના નામે ચરી ખાવાથી દૂર રહેવાની ચેતવણી પણ આપવી જોઈએ. સાવ નાની વાતમાં રાષ્ટ્રવાદના નામે ફૂંફાડા મારનારા લોકો અદાણી દેશના નામનો દુરુપયોગ કરે એ મુદ્દે ચૂપ છે પણ કમ સે કમ કેન્દ્ર સરકારે તો ચૂપ ના જ રહેવું જોઈએ.