મુંબઈ: બાંદ્રામાં ઘરમાં પ્રવેશ્યા બાદ કિશોરીનો વિનયભંગ કરવા પ્રકરણે ડિલિવરી બૉયની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીની ઓળખ એજાઝ સલીમ ખાન તરીકે થઇ હોઇ કોર્ટે તેને પોલીસ કસ્ટડી ફટકારી હતી.
બાંદ્રા વિસ્તારમાં રહેતી કિશોરીએ તેની બહેનપણી માટે ઓનલાઇન દવા મગાવી હતી. આથી બે દિવસ પહેલાં તેના ઘરે ડિલિવરી બૉય એજાઝ ખાન આવ્યો હતો. દવા આપ્યા બાદ એજાઝ ખાને લઘુશંકા માટે ઘરનું બાથરૂમ વાપરવા દેવા વિનંતી કરી હતી. કિશોરીએ પહેલા તો ના પાડી હતી, પણ બાદમાં તેને ઘરમાં પ્રવેશ આપ્યો હતો.
દરમિયાન બાથરૂમમાં ગયેલો ખાન બહાર આવ્યા બાદ કિશોરી સામે અશ્ર્લીલ હરકત કરવા લાગ્યો હતો. ગભરાયેલી કિશોરીએ તેને ઘરની બહાર જવાનું કહ્યું હતું, પણ તે બહાર જતો ન હોવાથી તેને ધક્કો મારીને કિશોરી બાથરૂમમાં ભરાઇ ગઇ હતી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. પંદર મિનિટ બાદ કિશોરી બહાર આવી ત્યારે ખાન ઘરમાં હાજર નહોતો. આ ઘટના બાદ કિશોરીએ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગુનો દાખલ કરાયો હતો અને પોલીસે બાંદ્રા વિસ્તારમાંથી ખાનને ઝડપી પાડ્યો હતો.
એમપીસીબી અધિકારીના સ્વાંગમાં રૂપિયા વસૂલ્યા: ત્રણ સામે ગુનો
થાણે: મહારાષ્ટ્ર પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડ (એમપીસીબી)ના અધિકારીના સ્વાંગમાં ફેક્ટરીના માલિકો પાસેથી રૂપિયા વસૂલવાના આરોપસર ત્રણ જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ડોંબિવલી સ્થિત પાઉડર કોટિંગ ફેક્ટરીના માલિકે નોંધાવેલી ફરિયાદને આધારે ગુનો દાખલ કરાયો હોઇ આ કેસમાં હજી કોઇની ધરપકડ કરવામાં આવી નથી.
આરોપીઓએ ફેક્ટરીના માલિકને બનાવટી એમપીસીબીનું આઇકાર્ડ બતાવ્યું હતું અને ૪ ડિસેમ્બર તથા ૧૬ ડિસેમ્બર વચ્ચે તેઓ રૂ. ૩૫ હજાર લઇ ગયા હતા. તેમણે અન્ય લોકો પાસેથી પણ આ પ્રમાણે પૈસા લીધા હતા, એમ માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)