શ્રદ્ધા વાલકર મર્ડર કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસને એક ઓડિયો મળ્યો છે જેને આરોપી આફતાબ વિરુદ્ધ મહત્વનો પુરાવો સાબિત થઇ શકે છે. આ ઓડિયોમાં આફતાબ અને શ્રદ્ધા એકબીજા સાથે ઝઘડતા સાંભળવા મળે છે. બીજી તરફ દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઓડિયો પરથી સ્પષ્ટ થાય છે કે આફતાબ ગર્લફ્રેન્ડ શ્રદ્ધાને ટોર્ચર કરતો હતો.
દિલ્હી પોલીસ આ ઓડિયોને મોટા પુરાવા તરીકે જોઈ રહી છે. જો કે હવે આ ઓડિયોને આફતાબના અવાજ સાથે મેચ કરવા માટે પોલીસ આરોપીના વોઈસ સેમ્પલ લેશે. CFSLની ટીમ આફતાબના અવાજના નમૂના લેવા માટે CBI હેડક્વાર્ટર પહોંચી છે. તપાસ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે ઓડિયોની મદદથી હત્યાનો હેતુ શોધી શકાશે.
આરોપી આફતાબ હાલ તિહાર જેલમાં બંધ છે. આરોપીનો પોલીગ્રાફ ટેસ્ટથી લઈને નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે. આફતાબ અને શ્રદ્ધા બંને મુંબઈના રહેવાસી હતા અને થોડા મહિનાઓ પહેલા જ દિલ્હી શિફ્ટ થયા હતા. બંને દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં ભાડાના મકાનમાં સાથે રહેતા હતા. આફતાબે તપાસ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે 18 મેના રોજ તેની શ્રદ્ધા સાથે ઝઘડો થયો હતો, ત્યારબાદ તેણે તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી આફતાબે શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા. ઘણા દિવસો સુધી આફતાબ એક પછી એક શ્રદ્ધાના મૃતદેહના ટુકડા ફેંકવા માટે મહેરૌલીના જંગલમાં જતો હતો.