નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં નવા વર્ષની વહેલી સવારે બનેલી ઘટના અંગે દેશભરમાંથી પ્રતિક્રિયાઓ ઉઠી રહી છે પણ આ બધા વચ્ચે દિલ્હી પોલીસની કામગિરી પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.
દિલ્હીના પોલીસ સ્ટેશન કંજાવાલા (રોહિણી)માં પહેલી જાન્યુઆરીના સવારે 3.24 કલાકની આસપાસ કોલ આવ્યો હતો જેમાં કોલરે એક કારની પાછળ ડેડબોડી લટકી રહી હોવાની માહિતી આપી હતી. ફોન કરનાર વ્યક્તિએ ફોન પર પોલીસને હેલો સર ગ્રે કલરની બલેનો ગાડી જે કુતુબગઢ તરફ જઈ રહી છે તેમાં એક ડેડબોડી બાંધીને રાખવામાં આવી છે. જે નીચેની તરફ લટકી રહી છે. પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલાં દાવા પ્રમાણે ફોન આવતા જ આસપાસના વિસ્તારમાં તહેનાત ઓન ડ્યૂટી પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ આ કારની તપાસ કરવામાં લાગી ગઈ.
સવારે 4.11 કલાકે પોલીસને બીજી વખત કોલ આવ્યો અને આ વખતે કોલ કરનાર વ્યક્તિએ કંજાવાલામાં રસ્તા પર યુવતીનો મૃતદેહ જોવા મળ્યો હોવાની માહિતી આપી હતી. પોલીસે જ્યારે યુવતીનો મૃતદેહ જોયો. મૃતદેહથી થોડે જ દૂર પોલીસને દુર્ઘટનાગ્રસ્ત સ્કૂટી પણ જોવા મળી હતી. સ્કૂટી પરથી જ યુવતીની ઓળખ થઈ શકી હતી. તપાસ કરીને કાર જપ્ત કરવામાં આવી. મોડી સાંજે પોલીસે પાંચેય આરોપીની ધરપકડ કરી હતી.
દરમિયાન જ આ ઘટનાને નજરે જોનાર સાક્ષી દીપક નામનો માણસ સામે આવ્યો છે અને તેણે એવો દાવો કર્યો છે કે આ ઘટનામાં પોલીસે કોઈ જ રસ દાખવ્યો નહોતો. દીપકે એવો પણ દાવો કર્યો છે કે તે વહેલી સવારે પાંચ વાગ્યા સુધી સતત પોલીસના સંપર્કમાં હતો. એટલું જ નહીં તેણે બેગમપુર સુધી પીછો પણ કર્યો હતો. પીસીઆર વેનમાં હાજર પોલીસે કોઈ રિસ્પોન્સ નહીં આપ્યો. આરોપીઓએ શબ જ્યાં સુધી કારમાંથી નીકળીને રસ્તા પર નહીં પડ્યું ત્યાં સુધી કાર અહીંયા ત્યાં દોડાવી અને જેવો મૃતદેહ કારથી છુટો પડીને રસ્તા પર પડી ગયો ત્યારે આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા.