નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીના ચકચાર લીવ ઈન રિલેશનશિપમાં રહેનારા સાહિલે પોતાની ગર્લફ્રેન્ડ નિક્કી યાદવની હત્યા કરવાના કિસ્સામાં એક પછી એક નવા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. આરોપી સાહિલે નિક્કીની હત્યા કરીને તેના મૃતદેહને થોડા સમય માટે કારમાં મૂકી દીધો હતો. એટલું જ નહીં, મૃતદેહને કારમાં મૂક્યા પછી લગ્ન કરવા પહોંચ્યો હતો. નરાધમ લગ્ન કર્યા પછી નિક્કીના મૃતદેહને ઠેકાણે લગાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેની એકમાત્ર ભૂલે જેલના સળિયા પાછળ ધકેલી દીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
નિક્કીનો જ્યારે ફોન લાગી રહ્યો નહોતો ત્યારે તેના પિતાએ ક્રાઈમ બ્રાન્ચમાં
વાત જણાવી હતી, પરંતુ એ વખતે નિક્કીનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો, તેથી કંઈ અજુગતું બન્યું હોવાની શંકા ગઈ હતી ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ગુપ્ત બાતમીના આધારે પોલીસના આ કેસમાં વધારે શંકાસ્પદ લાગ્યો હતો, ત્યારબાદ નિક્કીનો ફોન સર્વેલન્સમાં મૂક્યો હતો અને ફોનના લોકેશનના આધારે પોલીસ ઢાબા પર પહોંચી હતી. લોકેશને પહોંચ્યા પછી પોલીસને ઢાબાના ફ્રિજમાંથી નિક્કીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપી સાહિલ ગહલોતની ધરપકડ કરી હતી. પોલીસને તેના પાંચ દિવસના રિમાન્ડ મળ્યા છે તથા તેની નિરંતર પૂછપરછ કરી રહી છે. હાલના તબક્કે પોલીસ પળે પળની માહિતી એકત્ર કરી રહી છે તેમ જ પોલીસને મળેલા સીસીટીવી ફૂટેજની પણ તપાસી રહી છે, એમ ડીસીપીએ જણાવ્યું હતું.
શ્રદ્ધા મર્ડર કેસનું પણ નિક્કીની હત્યામાં પુનરાવર્તન કરવામાં આવ્યું છે. આરોપીએ ગુનાની તો કબૂલાત કરી છે, પરંતુ હાલમાં વધુ કંઈ બોલવા તૈયાર નથી. આ કેસમાં પોલીસે શંકા વ્યક્ત કરી હતી કે આરોપી શ્રદ્ધા મર્ડર કેસની માફક નિક્કીના પણ ટુકડા કરવાની ફિરાકમાં હતો, તેથી હાલના તબક્કે એ એંગલ પ્રમાણે પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
કહેવાય છે કે નવમી ફેબ્રુઆરીના સાહિલે અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી હતી અને એ જ રાતે નિક્કીનું ગળું (મોબાઈલના વાયર) દબાવીને હત્યા કરી હતી. મર્ડર કર્યા પહેલા સાહિલ નિક્કીના ઘરે ગયો હતો અને થોડો સમય પસાર કર્યા પછી બંને દિલ્હીમાં અનેક જગ્યાએ ફર્યા હતા. સૌથી મોટી બાબત તો એ જાણવા મળી છે કે બંને વચ્ચે લગ્ન કરવા મુદ્દે વિવાદ થયો હતો, ત્યારબાદ ગુસ્સામાં આવીને સાહિલે નિક્કીનું મર્ડર કરી નાખ્યું હતું. બુધવારે પોલીસને આરોપીની પાંચ દિવસની કસ્ટડી મળી હતી, જ્યારે નિક્કીને જે કારમાં ફેરવવામાં આવી હતી તથા મર્ડર કરવામાં આવ્યું હતું એ કાર પણ પોલીસે જપ્ત કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.