દિલ્હી નગર નિગમના મેયર તથા ડેપ્યુટિ મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો મોટો વિજય થયો છે. જ્યાં મેયરના પદ માટેના ઉમેદવાર શૈલી ઓબેરોય તથા ડેપ્યુટિ મેયર પદના ઉમેદવાર આલે મહોમ્મદ ઇકબાલને બહુ મોટી જીત હાંસલ થઇ છે. જોકે ત્યાર બાદ સ્ટેન્ડીંગ કમીટીની રચનાને લઇને બીજેપીનો વિરોધને કારણે મામલો અટકી ગયો હતો. જેને કારણે મોડી રાત સુધી સદનમાં હંગામો ચાલતો રહ્યો ત્યાં આપ અને બીજીપીમાં છૂટા હાથની મારા-મારી અને ધક્કા-મૂક્કી થતાં મામલો વધારે બગડ્યો હતો. દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રવક્તા આતીશી માર્લેનાએ બીજેપી પર નવા ચૂંટાયેલા મેયર શૈલી ઓબેરોય પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
અહીં મેયર પદની ચૂંટણીમાં આપના ઉમેદવાર શૈલી ઓબેરોયે ભારી મતે વિજય મેળવ્યો હતો. આ ચૂંટણીમાં બીજેપીના ઊમેદવાર રેખા ગુપ્તાને માત્ર 116 મત મળ્યા હતા જ્યારે આપના શૈલી ઓબેરોયને 147 મત મળ્યા હતા. એ જ રીતે ડેપ્યુટિ મેયરની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ બાજી મારી હતી. અહીં આલે મહોમ્મદ ઇકબાલને 147 વોટ મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર કમલ બાગડીને 116 વોટ મળતા તેમનો પરાજય થયો હતો. આ ચૂંટણીમાં બીજેપીના સાંસદ ગૌતમ ગંભીરે વોટીંગ ન હતું કર્યુ. મેયર પદ માટે વોટીંગ કર્યા બાદ તરત જ ગૌતમ ગંભીર સદનમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યાર બાદ બીજેપી દ્વારા ગૌતમ ગંભીર પાછા આવે તેની રાહ જોવાની માંગણી કરી હતી પણ મેયર દ્વારા પહેલાં જ બહુ મોડુ થઇ ગયુ છે તેમ જણાવી રાહ જોવાની ના પાડી દીધી હતી.
ડેપ્યુટિ મેયરની ચૂંટણી બાદ સદન એક કલાક માટે સ્થગીત કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડીંગ કમિટીની ચૂંટણી વખતે ફરી હંગામો થયો અને બંને પક્ષ વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડયો પણ બહાર આવ્યો. બીજેપી દ્વાર વોટીંગ બંધ કરવા માટની માંગણી કરતા કહેવામાં આવ્યું કે આપના કેટલાંક કાઉન્સીલર ફોન લઇને આવ્યા હતા તેથી ફરીથી વોટીંગ કરાવવું જોઇએ. આ બાબતે ખૂબ હંગામો થયો હતો.