એક તરફ શ્રદ્ધા મર્ડર કેસમાં દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે દિલ્હી ફરી એકવાર સનસનાટીભરી હત્યાની ઘટનાથી હચમચી ઉઠ્યું છે. દિલ્હીની દક્ષિણે આવેલા પાલમમાં એક જ પરિવારના ચાર સભ્યોની કરપીણ હત્યા કરવામાં આવી હતી. હત્યા કરનાર વ્યક્તિ અન્ય કોઇ નહીં, પણ ઘરનો પુત્ર હતો જેણે તેની દાદી અને બે બહેનો સહિત તેના પિતાની પણ હત્યા કરી હતી.
આ ઘટના રાજ નગર પાર્ટ-2 વિસ્તારમાં બની હોવાનું બહાર આવ્યું છે. આ વિસ્તારમાં એક ઘરમાંથી ચાર મૃતદેહ મળી આવતાં આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. છરીના ઘા ઝીંકીને આ હત્યાઓ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. પોલીસને મોડી રાત્રે આ ઘટનાની માહિતી મળી હતી. જે બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઘરમાંથી લોહીલુહાણ લાશોનો કબજો મેળવી લીધો છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ઘરના છોકરાએ જ ચાર લોકોની ચાકુ મારીને હત્યા કરી હતી. પોલીસને એવી પ્રબળ શંકા છે કે છોકરો ડ્રગ્સનો વ્યસની હતો. વ્યસન મુક્તિ કેન્દ્રમાંથી સારવાર લીધા બાદ તે ઘરે પરત ફર્યો હતો, પરંતુ ઘરમાં કોઇની સાથે તેનું બનતું નહોતું. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઘરના વિવાદને કારણે તેણે આ ચોંકાવનારું કૃત્ય કર્યું હશે. રસપ્રદ વાત એ છે કે ચાર લોકોના જીવ લીધા બાદ હત્યારો છોકરો ક્યાંય ભાગ્યો નહોતો. તે મૃતદેહો પાસે બેઠો રહ્યો હતો.
પોલીસે આ માથાભારે શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
એક જ પરિવારના ચાર સભ્યોની હત્યાથી હચમચ્યું દિલ્હી
RELATED ARTICLES