નવી દિલ્હી: દિલ્હીની રાજ્ય સરકારના ‘લિકર પૉલિસી’ કૌભાંડના અનુસંધાનમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના તંત્રે મંગળવારે દિલ્હી, મુંબઈ, ગુરુગ્રામ, લખનઊ, હૈદરાબાદ અને બેંગલુરુ સહિત સાત શહેરોના ૩૫ ઠેકાણે દરોડા પાડ્યા હતા. મુખ્યત્વે દારૂના વેપારીઓ અને એક્સાઇઝ ખાતાના ભૂતપૂર્વ અધિકારીઓના ઘર પર દરોડાસત્રો ચાલી રહ્યા છે. ખાસ કરીને સીબીઆઈના એફઆઈઆરમાં જેમના નામો નોંધાયા હોય તેમના સ્થાનો પર દરોડા પડાઈ રહ્યા છે. એફઆઈઆરમાં દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાનું નામ છે, પરંતુ તેઓ કહે છે કે ઇડીના દરોડા બાબતે તેમને કંઈ ખબર નથી. જોકે, ઇડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે દરોડામાં મનીષ સિસોદિયા કે સાર્વજનિક હોદ્દો ધરાવતી વ્યક્તિને સંબંધિત કોઈ સ્થળનો સમાવેશ નથી.
ભારતીય જનતા પક્ષે એક સ્ટિંગ ઑપરેશનનો વિડિયો બહાર પાડ્યા બાદ વિવાદ વધુ વકર્યો હતો. હવે ઇડીના દરોડાસત્ર સાથે આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી રહી છે. જોકે, પાર્ટીના નેતા અને દિલ્હી રાજ્યના પ્રધાન મનીષ સિસોદિયા કહે છે કે અગાઉ સીબીઆઈના
દરોડામાં કંઈ ન મળ્યું અને હવે ઇડીના દરોડામાં પણ કંઈ નહીં મળે. દેશમાં શિક્ષણના ક્ષેત્રે જે સુધારા આવ્યા છે અને અરવિંદ કેજરીવાલ જે કામ કરી રહ્યા છે, તેને રોકવા માટે દરોડાસત્રો ચલાવાઈ રહ્યા છે, પરંતુ તેઓ કેજરીવાલના સત્કાર્યોને રોકી નહીં શકે. મારે કંઈ છુપાવવાનું નથી. મેં નિષ્ઠા અને ઇમાનદારીથી કામ કર્યું છે. તેમને દરોડામાં ચાર વધુ શાળાઓના નકશા મળશે.
ભારતીય જનતા પક્ષે સ્ટિંગ ઑપરેશનમાં બહાર પાડેલા વિડિયોમાં દારૂ કૌભાંડના આરોપી નંબર-૧૩ સની મારવાહના પિતા કુલવિંદર મારવાહને દિલ્હીમાં ‘લિકર લાયસન્સ’ મેળવવા માટે કમિશન ચૂકવ્યાનો દાવો કરતા બતાવવામાં આવ્યા છે. ભાજપે એ વિડિયોને આધારે મનીષ સિસોદિયાને દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાનના હોદ્દા પરથી બરતરફ કરવાની માગણી કરી હતી.
સોમવારે દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં ભાજપના દિલ્હી એકમના પ્રમુખ આદેશ ગુપ્તા અને લોકસભાના સભ્ય મનોજ તિવારી તથા પક્ષના પ્રવક્તા સંબિત પાત્રાએ સ્ટિંગ ઑપરેશનનો વિડિયો બહાર પાડ્યો હતો. સંબિત પાત્રાએ પત્રકારોને જણાવ્યું હતું કે વિડિયો દ્વારા જાણવા મળ્યું હતું કે ૮૦ ટકા પ્રોફિટ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને તેમના મિત્રોને ફાળે જાય છે. આમ આદમી પાર્ટીએ દારૂના ધંધાના કૉન્ટ્રાક્ટ આપવા માટે અગાઉની બ્લૅક લિસ્ટેડ કંપનીઓને આમંત્રણ આપ્યું હતું, એ બાબત વિડિયોમાં સ્પષ્ટ થાય છે. (એજન્સી)

Google search engine