પીડિતા સાથે હતી તેની મિત્ર, આજે અંતિમસંસ્કાર
નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીમાં 20 વર્ષીય યુવતીનું કથિત રીતે કારની ટક્કરમાં કરુણ મોત થયું હતું, જેમાં કારે ટક્કર માર્યા પછી ચારેક કિલોમીટર સુધી ઘસડવામાં આવી હતી. ત્યાર બાદ તેનું ડેડબોડી નિર્વસ્ત્ર હાલતમાં મળ્યું હતું. 20 વર્ષની યુવતીનું કરુણ મોત થયા બાદ સમગ્ર દેશમાં તેના આકરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ કેસનો રિપોર્ટ ખૂદ ગૃહ મંત્રાલયે માગ્યા બાદ મંગળવારે પીડિતાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો છે, જેમાં તેનું મૃત્યુ યૌન ઉત્પીડન નહીં, પરંતુ કારના ઘસેડવાને કારણે થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઉપરાંત, અન્ય અહેવાલમાં જાણવા મળ્યું છે પીડિતા સાથે તેની ફ્રેન્ડ પણ હતી. જોકે, તેની ફ્રેન્ડને જરાય વાગ્યું નથી અને અકસ્માત પછી તે ત્યાંથી જતી રહી હતી. તેની ફ્રેન્ડનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે, જ્યારે તે પોલીસને સહકાર પણ આપી રહી છે અને તેનું નિવેદન આરોપીઓને સજા આપવામાં મહત્ત્વનું રહેશે, એમ પોલીસે જણાવ્યું હતું.
PM Report આવ્યો, અકસ્માતમાં થયું મોત!
પોસ્ટ મોર્ટમ (પીએમ) રિપોર્ટમાં જણાવાયું છે કે પીડિતાના માથા, કરોડરજ્જુ અને શરીરથી નીચલા અંગોમાં એન્ટિમોર્ટમ ઈજાઓ અને રક્તસ્ત્રાવને કારણે મોત થયું છે. એના સિવાય પ્રાઈવેટ પાર્ટમાં ક્યાંય ઈજાના નિશાન નથી. પોલીસે કહ્યું હતું કે તેને પહોંચેલી ઈજા વાહનના અકસ્માત અને ઘસેડવાને કારણે થયું છે. એના સિવાય રિપોર્ટમાં જણાવ્યું છે કે તેને કોઈ પણ ઈજા રેપ-બળાત્કારને કારણે થયું નથી. મૃતક યુવતીના પાર્થિવ દેહને એમ્બ્લુયન્સમાં હોસ્પિટલથી તેના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો અને આજે અંતિમસંસ્કાર કરશે. અંતિમસંસ્કાર પૂર્વે તેના ઘરની આસપાસ પોલીસ ફોર્સને તહેનાત કરવામાં આવી છે, એવું પોલીસે જણાવ્યું હતું. દરમિયાન આઈપીએસ શાલિની સિંહને આ કેસની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેઓ ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)માં કામ કરી ચૂક્યા છે.