ઉત્તર પ્રદેશના મહોબામાં દિલ્હી જેવો જ કાળજું કંપાવી દે તેવો અકસ્માત નોંધાયો છે. અહીંના કાનપુર-સાગર નેશનલ હાઈવે પર એક પૂરપાટ વેગે જઇ રહેલી ટ્રકે સ્કૂટી પર સવાર દાદા અને પૌત્રને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ડ્રાઈવરે વાહન પણ રોક્યું ન હતું. સ્કૂટી ટ્રકમાં ફસાઈ જતાં તે તેમને એક કિલોમીટર સુધી ખેંચી ગયો હતો. અકસ્માતમાં દાદા અને પૌત્ર બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે ટ્રકને કબજે કરી લીધી છે. ટ્રકનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટ્રકમાં ફસાયેલી સ્કૂટી ખેંચાઈ રહી છે અને રસ્તા પર તેના ઘર્ષણને કારણે તણખા પણ નીકળી રહ્યા છે. તે જ રસ્તેથી જઇ રહેલા એક બાઇક સવારે તેનો વીડિયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ મહોબાના નૌકાનાપુરામાં રહેતા ઉદિત નારાયણ નિવૃત શિક્ષક હતા. શનિવારે તેઓ પોતાના 6 વર્ષના પૌત્ર સાથે સ્કૂટી પર સવાર થઈને મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે રસ્તા પર એક ઝડપી ટ્રકે તેમની સ્કુટીને ટક્કર મારી હતી. જેના કારણે ઉદિત નારાયણ દૂર ફંગોળાઇ ગયા હતા, પરંતુ સ્કૂટી અને તેમનો 6 વર્ષનો પૌત્ર ટ્રકમાં ફસાઈ ગયા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલકે પણ વાહનની સ્પીડ વધારી દીધી હતી અને બાઈકને સ્કૂટી સાથે એક કિલોમીટર સુધી ખેંચી ગયો હતો. કિદરી ફાટક પાસે ગ્રામજનોએ ટ્રક રોકી હતી. ટ્રક ચાલક ડરીને ઘટનાસ્થળેથી ભાગી ગયો, ત્યારબાદ ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ ટ્રક પર પથ્થરમારો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
માહિતી મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. સ્કૂટી પરથી ફંગોળાઇ ગયેલા દાદાનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને ટ્રક નીચે સ્કૂટી પર ફસાઇ ગયેલા પૌત્રનું પણ કમકમાટીભરી રીતે મૃત્યુ થયું હતું. પોલીસે બંનેની લાશનો કબજો લીધઓ હતો અને તેને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. દાદા અને પૌત્રના આ રીતે મૃત્યુ થતાં તેમના ઘરમાં પણ કલ્પાંત મચી ગયો હતો. આ પહેલા દિલ્હીમાં પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે. અહીં કારમાં આવેલા છોકરાઓ દારૂના નશામાં એક છોકરીને 8 કિમી સુધી ઘસડી ગયા હતા.