દિલ્હીની વર્તમાન એક્સાઇઝ પોલિસીની મુદત પૂરી થવામાં માત્ર બે દિવસ બાકી છે ત્યારે દિલ્હી સરકારે છ મહિના માટે છૂટક દારૂના વેચાણના જૂના શાસન પર પાછા જવાનો નિર્ણય કર્યો છે. એ મુજબ હવે 1 ઓગસ્ટથી દિલ્હીમાં જૂની એક્સાઈઝ પોલિસી ફરીથી લાગુ કરવામાં આવશે. નવી આબકારી નીતિ ગયા વર્ષે લાગુ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW) દ્વારા ચાલી રહેલી તપાસ અને દિલ્હી સરકારના લેફ્ટનન્ટ ગવર્નર (LG) વીકે સક્સેના સાથેના ઘર્ષણ વચ્ચે દિલ્હી સરકારનું આ પગલું આવ્યું છે. દિલ્હીના રાજ્યપાલે નવી આબકારી નીતિ અંગે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી.
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલય ખાતેથી પ્રાપ્ત માહિતી અનુસાર, લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ મુખ્ય સચિવના એક રિપોર્ટના જવાબમાં નવી લિકર પોલિસીના મામલામાં સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. તેમણે એક્સાઈઝ વિભાગના પ્રભારી સિસોદિયાને જવાબદાર ઠેરવ્યા હતા. ત્યાર બાદ દિલ્હીમાં કેન્દ્ર અને આમ આદમી પાર્ટી (AAP) સરકાર વચ્ચેના વણસેલા સંબંધો વધુ વણસી ગયા હતા. આ પગલા પછી તરત જ, મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્ર પર આકરા પ્રહારો કર્યા હતા, અને કહ્યું હતું કે LG “ખોટા આરોપો” કરી રહ્યા છે અને AAPના નેતાઓ “જેલ જવાથી ડરતા નથી”.
દિલ્હી સરકારની નવી આબકારી નીતિ હેઠળ, દિલ્હીને 32 ઝોનમાં વહેંચવામાં આવ્યું હતું, જેના માટે 849 લાઇસન્સ ફાળવવામાં આવ્યા હતા. આ રીતે દરેક ઝોનમાં સરેરાશ 26 થી 27 દારૂની દુકાનો ખોલવામાં આવી હતી. એક ઝોનમાં 8 થી 9 વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રીતે દરેક વિસ્તારમાં દારૂ સરળતાથી મળી રહેતો હતો. અત્યાર સુધી 60 ટકા દુકાનો સરકારી અને 40 ટકા ખાનગી હાથમાં હતી પરંતુ આ પોલિસી પછી 100 ટકા દુકાનો ખાનગી હાથમાં ગઈ હતી.
ભાજપે કેજરીવાલ સરકાર પર મહેસૂલના નામે દિલ્હીને દારૂના નશામાં ડુબાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. નોંધનીય છે કે અગાઉ દિલ્હીમાં દારૂની 250 ખાનગી દુકાનો હતી જે નવી એક્સાઈઝ નીતિ બાદ વધીને 850 થઈ ગઈ હતી. નવી આબકારી નીતિ અનુસાર દિલ્હીમાં દારૂ પીવા માટેની કાયદેસર વય મર્યાદા 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરવામાં આવી હતી. લાયસન્સધારકો મોબાઈલ એપ કે વેબસાઈટ દ્વારા ઓર્ડર લઈને દારૂની હોમ ડિલિવરી કરતા હતા. ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્યરત સ્વતંત્ર દુકાન અને હોટલમાં 24 કલાક દારૂનું વેચાણ થતું હતું. ઘણી દુકાનોએ વન ઓન વન ફ્રી જેવી મોટી ઓફરો આપવાનું શરૂ કર્યું હતું.

Google search engine