નશામાં ચકચુર પાંચ યુવકે કારથી યુવતીને ચાર કિલોમીટર ઘસડી, યુવતીનું મોત
દેશના પાટનગરમાં દારુના નશામાં ચકચુર પાંચ યુવકે કારમાં એક યુવતીને કચડીને લગભગ ચારેક કિલોમીટર સુધી ઘસડી ગયા હતા અને આ બનાવમાં યુવતીનું મોત થયું હોવાનો શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 31મી ડિસેમ્બરના મોડી રાતના 3.24 વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. આ મુદ્દે પોલીસને કોઈએ કોલ કરીને જણાવ્યું હતું કે એક કાર કુતુબગઢ તરફ જઈ રહી છે અને તેમાં એક મૃતદેહ બાંધલો લટકી રહ્યો છે અને તેને કારનો નંબર પણ જણાવ્યો હતો. ત્યાર બાદ અન્ય એક પીસીઆરમાંથી કોલ આવ્યો હતો, જેમાં કહ્યું હતું કે કંઝાવલા વિસ્તારના રસ્તાની બાજુમાં એક યુવતી લોહીલુહાણ અને નિર્વસ્ત્ર છે. ત્યાર બાદ યુવતીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આ કેસમાં પોલીસે પાંચ જણની ધરપકડ કરી છે. પોલીસને આરોપીઓએ કહ્યું હતું કે સુલ્તાનપુરી વિસ્તારમાં એક કારને સ્કુટી સાથે અકસ્માત થયો હતો. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એસએચઓને અકસ્માતના સ્થળેથી સ્કૂટી મળી હતી અને તપાસમાં જાણવા મળ્યું હતું કે અકસ્માત પછી મૃતક યુવતીને કારથી ઘસડીને દૂર સુધી લઈ ગયા હતા, તેથી તેના કપડા ફાટી ગયા હતા. કારમાં બેસેલા પાંચેય આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ દારુના નશામાં ધૂત હતા અને મુરથલથી સોનીપત પોતાના ઘરે (મંગોલપુરી) જઈ રહ્યા હતા ત્યારે આ યુવતીની સ્કૂટી સાથે ટક્કર થઈ હતી, ત્યાર બાદ યુવતી કારના નીચે ફસાઈ ગઈ અને તેને કારણે કિલોમીટર સુધી તેને ધસડી ગયા હતા. પાંચેય જણની ઓળખ દીપક ખન્ના (26), અમિત ખન્ના (25 ડ્રાઈવર), કાશીનાથ (27), મિથુન (વ્યવસાયે હેરડ્રેસર) અને પાંચમો મનોજ મિત્તલ તરીકે ઓળખ કરી છે. મૃતક યુવતી (આશરે 23 વર્ષ, વ્યવસાય વેલકમ ગર્લ) પાર્ટ ટાઈમ જોબ કરતી હતી અને લગ્ન સમારંભ એટેન્ડ કરીને સ્કૂટીથી ઘરી જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો હતો.