દિલ્હી દિલવાલોં કી: ઐતિહાસિક વારસાની ધરોહર

ઉત્સવ

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

લાલ કિલ્લો -હુમાયુનો મકબરો
ભારતમાં સૌથી વધુ વિવિધતાસભર સંસ્કૃતિનો સમન્વય જોવો હોય તો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી છે. એક રાજ્ય તરીકે દિલ્હીની ઓળખ એ રીતે આપી શકાય કે દેશની ચારેય દિશાઓમાંથી જુદાં જુદાં રીતરિવાજો, રહેણીકરણી, પહેરવેશ, ભાષા, બોલી, ખોરાક, ધર્મ ધરાવતા લોકોનો સહવાસ. દેશની રાજધાની દિલ્હીમાં ભારતના વિશાળ વૈવિધ્યસભર ભૌગોલિક, સંસ્કૃતિ, ઐતિહાસિક, ધાર્મિક રંગો સોળે કલાએ નીખરેલા જોઇ શકાય. આજે દિલ્હીમાં આવેલાં વિશાળ સ્થાપત્યો તેના ભવ્ય ઐતિહાસિક વારસાના સાક્ષી બની ઊભાં છે. એક બાજુ ઓલ્ડ દિલ્હી જ્યાં પોતાનો વારસો સાચવી બેઠી છે ત્યાં નવી દિલ્હી આધુનિકતાની હરણફાળ ભરી રહી છે. આજે આપણે દિલ્હીમાં કેટલાંક જાણીતાં, અજાણીતાં, ઐતિહાસિક અને આધુનિક સ્થાપત્યો, મ્યુઝિયમ, આર્ટ ગેલેરીઓ, સ્ટ્રીટ શોપિંગ પસંદ કરનારા માટે ખજાના સમાન કેટલીક સ્ટ્રીટ માર્કેટ અને ત્યાં મળતા સ્ટ્રીટ ફૂડ, ધાર્મિક સ્થળો વગેરે વગેરેની મુલાકાત ગોઠવીએ.
દિલ્હીને જોઈને એમ લાગે કે જાણે દિલ્હી આ કરોડો લોકોને પોતાના બનાવી સાચવીને બેઠું છે. એ જોઈ એમ પણ થાય કે દિલ્હીમાં આટલી દરિયાદિલી ક્યાંથી આવતી હશે. આપણે સૌપ્રથમ દિલ્હીની ઐતિહાસિક ધરોહરોની લટાર મારીશું. દિલ્હીમાં રખડપટ્ટી કરવા માટે મેટ્રો બેસ્ટ ઑપ્શન રહે. આપણી મેટ્રોની સવારીને પ્રથમ તો દિલ્હીની સૌથી મોટી ઓળખ એવા લાલ કિલ્લા પાસે રોકીએ. પંદરમી ઓગસ્ટના કરવામાં આવતું ધ્વજવંદન જ તેનું મહત્ત્વ દર્શાવે છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ આ ઈમારત સ્થાપત્યકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. મુઘલ બાદશાહ શાહજહાં દ્વારા નિર્મિત આ લાલ કિલ્લો મુઘલ યુગ દરમિયાન સત્તાનું કેન્દ્ર રહેલો. લાલ કિલ્લામાં એન્ટ્રી લાહોર ગેટથી થાય છે. કિલ્લો અંદરથી એટલો મોટો છે કે જોવામાં આરામથી અનુકૂળતા મુજબ સમય પસાર કરી શકો. દીવાને-આમ, દીવાને-ખાસ, રંગમહેલ , વિવિધ બગીચાઓ, ફુવારાઓ અંદરના ભાગમાં જોઈ શકાય. કિલ્લાના વિશાળ સ્તંભો અને બાંધકામની શૈલી ખૂબ જ ભવ્ય અને આકર્ષક છે. યમુના કાંઠે બાંધેલો આ કિલ્લો શાહજહાંના શાહજહાંનાબાદ નગરની ભવ્યતાનો સાક્ષી બનીને ઊભો છે. આગળ હવે રાજઘાટ અને ઇન્ડિયા ગેટની મુલાકાત લઈશું. ઇન્ડિયા ગેટ એ રાજપથ પર આવેલ શહીદોની યાદમાં બનાવેલું સ્મારક છે, જ્યાં અમર જવાન જ્યોતિ પ્રજ્વલિત છે. સ્મારક પર શહીદોનાં નામ કોતરવામાં આવ્યાં છે. દિલ્હીના શ્રેષ્ઠ લેન્ડમાર્કમાંની એક જગ્યા ગણી શકાય. દિવસ હોય કે રાત, લોકોની ચહેલપહેલ એટલી જ રહે છે. રાત્રે સ્મારક પર તિરંગાનો લાઈટ શો તેની શોભામાં વધારો કરે છે. ખાસ કરી સ્થાનિકો અહીં સાઇક્લિગં કરતા દેખાઈ આવે છે. રાષ્ટ્રપતિભવન પણ દિલ્હીનું આકર્ષણનું કેન્દ્ર છે. રાષ્ટ્રપતિભવનનું આર્કિટેક્ચર બેનમૂન છે. ખાસ કરીને મુઘલ ગાર્ડનની લોકો મુલાકાત લેતા હોય છે. રાત્રે લાઈટિંગમાં ખૂબ જ આકર્ષક લાગે છે. નજીકમાં જ શોરબકોર કરતી દિલ્હીમાં શાંતિનો અનુભવ કરાવતું રાજઘાટ આવેલો છે.
દિલ્હીનાં અન્ય બે આકર્ષણનાં કેન્દ્ર એટલે કુતુબમિનાર અને હુમાયુનો મકબરો. કુતુબમિનાર ભારતના સૌથી ઊંચા મિનારમાં ગણના પામે છે. પાંચ માળના કુતુબમિનારના સોશિયલ મીડિયા પર બહુ બધાં પક્ષીઓ અને વિમાનો ઊડતા ફોટોગ્રાફ્સ અને રીલ્સ જોયાં હશે, પણ રૂબરૂ મુલાકાત લેવાની મજા જ કંઈક અલગ છે. હુમાયુનો મકબરો સુંદરતા અને પ્રેમના વહેણનો સંગમ જ જોઈ લો. એવું કહેવાય છે કે સૌથી વધુ મુઘલ પરિવારના સભ્યોની કબરો અહીં આવેલી છે. આસપાસ મોટા અને સુંદર ગાર્ડન્સ છે જે મુઘલ સામ્રાજ્યના સમય દરમિયાન વિકસિત થયેલી ચારબગ શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેનો મતલબ કુરાનના સ્વર્ગની ચાર નદીઓ સાથે ચાર ચોરસ બગીચા એવો થાય છે, જ્યાં બેસીને આરામથી પરિવાર કે મિત્રો સાથે કલાકો પસાર કરી શકાય. બાકી મકબરાની વાઈબ્સ તો તેને જોઈને જ માણી શકાય. એવું કહેવાય છે કે તાજમહેલની પ્રેરણા હુમાયુના મકબરા પરથી જ લેવામાં આવી હતી. આ ઉપરાંત દિલ્હીમાં એક વેસ્ટ ટુ વંડર પાર્ક પણ છે, જ્યાં વિશ્ર્વની સાત અજાયબીઓની પ્રતિકૃતિ વેસ્ટ મટીરિયલમાંથી બનાવવામાં આવી છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા હેઠળનું એક મહાભારત સમયગાળાનું સ્થાપત્ય એટલે અગરસેનની બાવડી. ‘પીકે’ ફિલ્મમાં પણ આ સ્થળનો સીન આવે છે. ખાસ કરીને યંગસ્ટર્સ માટે ફોટોજેનિક પ્લેસ તરીકે બહુ પસંદ કરવામાં આવે છે તેમ જ સુલતાન મહોમ્મદ તુઘલકના તુઘલકાબાદના ભવન અવશેષો કે જે મુખ્ય શહેરની થોડા બહાર આવ્યા છે. ઐતિહાસિક બાબતોમાં રસ ધરાવતા લોકો અહીં જરૂરથી જાય છે. બીજાં ઘણાં બધાં સ્થાપત્યો દિલ્હીમાં આવેલાં છે, જ્યાં દરેક પોતાના રસ અને સમય અનુસાર જઈ શકે.
દિલ્હીમાં આધુનિક સમયનાં પણ કેટલાંક રસપ્રદ સ્થળો આવેલાં છે, જેમાં ગાંધી સ્મૃતિ, લોટસ ટેમ્પલ, જંતર મંતર, સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન, રાજઘાટ, નેશનલ વોર મેમોરિયલ, અલગ અલગ મ્યુઝિયમ, આર્ટ ગેલેરીઓ વગેરે. આજના સમયમાં બોલીવુડ અને હોલીવુડના સ્ટંટ કરતા હીરોને પોતાના રોલ મોડેલ માનનારા આપણા ઘણા યંગસ્ટર્સે એક વાર દિલ્હીના નેશનલ વોર મેમોરિયલની મુલાકાત જરૂરથી લેવી જોઈએ તો તેમને સમજાશે વાસ્તવિકતા કે નાયક કોણ છે, કેવા હોય છે અને સર્વોચ્ચ બલિદાન શું છે તે સમજી શકે. તો દિલ્હીમાં જવાનું થાય ત્યારે સમય કાઢી નેશનલ વોર મેમોરિયલની જરૂરથી મુલાકાત લેવી. દિલ્હીના લોટસ ટેમ્પલનું વાતાવરણ અને બાંધકામ ખૂબ જ પીસફુલ છે. ખૂબ વિશાળ કમળ આકારના આ મંદિરમાં દરેક ધર્મના લોકો સાથે મળી પ્રાર્થના કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અહીં એક મોટો પ્રેયર હોલ અને મેડિટેશન હોલ છે. હાલના કોવિડના સમયમાં કોઈ પણ જગ્યાએ જતાં પહેલાં તે ક્યારે ઓપન થાય છે, ત્યાં પ્રવેશ મળે વગેરે જતાં પહેલાં જાણી લેવું જોઈએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સમર્પિત મ્યુઝિયમ ગાંધીસ્મૃતિ એ બિરલા ભવન તરીકે પણ ઓળખાય છે. અહીં ગાંધીજીના વિચારો અને તેમના જીવનના વિવિધ પ્રસંગોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. બાળકો માટે પણ દિલ્હીમાં અલગ અલગ ગેમ્સ અને થીમ પાર્ક છે. આર્ટ એન્ડ કલ્ચરમાં રસ ધરાવતા લોકો માટે નેશનલ મ્યુઝિયમ બેસ્ટ પ્લેસ છે. અહીં પ્રી-હિસ્ટોરિકથી માંડીને આધુનિક યુગનાં શિલ્પ અને ચિત્રો વગેરે અન્ય કલાઓનું પ્રદશન છે. વિવિધ શિલ્પ, મૂર્તિઓ, જ્વેલરીઓ, ચિત્રો એટલું બધું છે કે લખવા બેસીએ તો પણ ખૂટે એમ નથી. ટૂંકમાં સમગ્ર ભારતના ઇતિહાસ સાથે જોડાયેલી બાબતો જોઈ શકાય. દિલ્હીમાં બહુ મોટી સંખ્યામાં મ્યુઝિયમ આવેલાં છે. દરેકના રસ મુજબ જઈને જાણકારી મેળવી શકાય. દિલ્હીમાં જ્યારે જવાનું થાય અથવા ત્યાંથી પસાર થતી વખતે નજીકનાં આવાં એકાદ-બે સ્થળો જોઈ લેવાં જોઇએ શુ ખબર ક્યારે કંઈક અટપટું કરવાનો વિચાર આવી જાય. આ અંકમાં આટલું રાખીએ. આગળના ભાગમાં આપણે જૂની દિલ્હીની ગલીઓમાં ફરીશું અને ચટાકેદાર સ્ટ્રીટ ફૂડનો સ્વાદ માણીશું તેમ જ શોપિંગરસિયાઓ માટેની કેટલીક ખાસ જગ્યાઓ પર રખડીશું. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.