Homeટોપ ન્યૂઝઅભિનેત્રી જેકલીનને 15 નવેમ્બર સુધી રાહત

અભિનેત્રી જેકલીનને 15 નવેમ્બર સુધી રાહત

મહાઠગ સુકેશ ચંદ્રશેખર પાસેથી કરોડો રૂપિયાની ભેટ લેવાના કેસમાં EDની ચુંગાલમાં ફસાયેલી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને થોડા સમય માટે કોર્ટમાંથી રાહત મળી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શુક્રવારે આ મામલે સુનાવણી કરતા કેસની સુનાવણી 15 નવેમ્બર સુધી ટાળી દીધી હતી. તેમજ EDને 15 નવેમ્બર સુધી અભિનેત્રીની ધરપકડ ન કરવાનો આદેશ આપ્યો છે. હવે કોર્ટ મંગળવારે નક્કી કરશે કે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસની ધરપકડ કરવામાં આવશે અને તેને જામીન મળશે કે કેમ.
વિશેષ ન્યાયાધીશ શૈલેન્દ્ર મલિકે અગાઉ જેકલીન ફર્નાન્ડીઝને વચગાળાના જામીન આપ્યા હતા. તેમણે ફર્નાન્ડીઝ તેમજ ED માટે હાજર રહેલા વકીલોની દલીલો સાંભળ્યા પછી જેકલીનની જામીન અરજી પર આદેશ અનામત રાખ્યો હતો.
EDએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે જેકલીન સરળતાથી દેશમાંથી ભાગી શકે છે કારણ કે તેની પાસે પૈસાની અછત નથી ત્યારે કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે અભિનેત્રીની અત્યાર સુધી ધરપકડ કેમ કરવામાં આવી નથી. “તમે (ED) એલઓસી (લુક આઉટ નોટિસ) જારી કરવા છતાં તપાસ દરમિયાન હજુ સુધી જેકલીનની ધરપકડ કેમ કરી નથી? એવો કોર્ટે સવાલ કર્યો હતો.
ઇડીએ દાવો કર્યો છે કે જ્યારે મહાઠગ સુકેશ તિહાર જેલમાં હતો અને તેની સામે મની લૉન્ડરિંગની તપાસ ચાલી રહી હતી ત્યારે જેક્લીને સુકેશ પાસેથી કરોડો રૂપિયાની ભેટ સ્વીકારી હતી. સુકેશ પર ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંહ જેવા હાઈ-પ્રોફાઈલ વ્યક્તિઓ સહિત ઘણા લોકોને છેતરવાનો આરોપ છે.
EDએ પોતાની ચાર્જશીટમાં જણાવ્યું હતું કે અભિનેત્રી “પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અપરાધની આવકમાં સામેલ છે.”

RELATED ARTICLES

Most Popular