દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સંકટ ઘેરું બની રહ્યું છે, જેને કારણે દિલ્હીમાં કોરોના મહામારીની તર્જ પર ફરી એકવાર વર્ક ફ્રોમ હોમ પોલિસી લાગુ કરવામાં આવી શકે છે.
દિલ્હીમાં પ્રદૂષણની ગંભીરતાને જોતા દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે લોકોને ઘરેથી કામ કરવાની અપીલ કરી છે. આટલું જ નહીં, તેમણે લોકોને અપીલ કરી કે જેઓ ઓફિસ જઈ રહ્યા છે, તેમણે કાર કે બાઇક શેર કરવી જોઈએ, જેને કારણે ઓછા વાહનો રોડ પર આવશે. તેમણે વાહનોનું પ્રદૂષણ ઘટાડવા માટે સામાન્ય પરિવહનનો ઉપયોગ કરવાની પણ અપીલ કરી છે.
પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે કહ્યું હતું કે દિલ્હીમાં છેલ્લા બે દિવસથી અલગ-અલગ વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે. માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશ, હરિયાણાના ઘણા વિસ્તારોમાં AQI (એર ક્વૉલિટી ઇન્ડેક્સ)નું સ્તર વધ્યું હતું. તેમણે કહ્યું કે 1 નવેમ્બરના રોજ AQI ફરીદાબાદમાં 403, માનેસરમાં 393, ગુરુગ્રામમાં 390, બહાદુરગઢમાં 400, સોનીપતમાં 350, કૈથલમાં 350, ગ્રેટર નોઈડામાં 402, નોઈડામાં 398, ગાઝિયાબાદમાં 381 હતો.