નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીમાં દિવસે દિવસે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે, જે અંતર્ગત દ્વારકામાં 17 વર્ષની વિદ્યાર્થિની પર એસિડ એટેકની ઘટના ઘટી હતી.
ઉત્તમ નગર નજીકના મોહન ગાર્ડન વિસ્તારમાં બુધવારે સવારના બાઈક પર આવેલા બે શખશમાંથી એકે 17 વર્ષની વિદ્યાર્થિની પર એસિડ ફેંકી દીધો હતો. વિદ્યાર્થિની પર એસિડ ફેંકવાના બનાવ પછી તેને સફદરજંગ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી તથા તેની તબિયત સ્થિર છે. તે આઠ ટકા દાઝી ગઈ છે, એમ દ્રારકાના ડીસીપી એમ. હર્ષવર્ધને જણાવ્યું હતું.
સીસીટીવી ફૂટેજમાં મળેલી માહિતી પ્રમાણે આ બનાવ બુધવારે સવારના 7.32 વાગ્યાના સુમારે બન્યો હતો. ફૂટેજમાં જોવા મળે છે કે બારમા ધોરણની 17 વર્ષની વિદ્યાર્થિની તેની નાની બહેન સાથે સ્કૂલ જઈ રહી હતી ત્યારે મોહન ગાર્ડન પોતાના ઘરેથી નીકળી હતી. બંને બહેનો ઘરેથી માંડ થોડા અંતરે ગઈ હતી ત્યારે બાઈક પર છોકરા તેમની તરફ આવીને બોટલમાંથી મોટી બહેનના ચહેરા પર એસિડ ફેંકવામાં આવ્યો હતો. શકના આધારે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.