નવી દિલ્હીઃ દિલ્હીમાં 17 વર્ષીય સગીરા પર થયેલા એસિડ એટેક કેસમાં દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષ સ્વાતિ માલિવાલે ફ્લિપકાર્ટ અને એમેઝોનને નોટિસ ફટકારી છે. માલિવાલનું કહેવું છે કે આરોપીએ ફ્લિપકાર્ટથી એસિડ ખરીદ્યું હતું.
ડીસીડબ્લ્યુ ચીફે ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે 17 વર્ષની સગીરા પર જે એસિડ ફેંકવામાં આવ્યું એ ફ્લિપકાર્ટ પરથી ખરીદવામાં આવ્યું હતું. એટલું જ નહીં એમેઝોન પર પણ એસિડ ખુલ્લે આમ વેંચાઈ કહ્યું છે. વિચાર કરો કે કોઈ માટે પણ એસિડ ખરીદવું કેટલું સહેલું થઈ ગયું છે અને ઘરે બેઠા એની ડિલિવરી પણ મળી જાય. હું ફ્લિપકાર્ટ અને એમેઝોનને નોટિસ ફટકારું છું, એમની જવાબદારી હોવી જ જોઈએ.
દિલ્હી મહિલા આયોગ દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં એવું જણાવવામાં આવ્યું છે કે કમિશનને જાણ થઈ છે કે આરોપીએ ઓનલાઈન શોપિંગની મદદથી એસિડ ખરીદ્યું હતું. આયોગને પણ એવી માહિતી પણ મળી છે કે એસિડ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે, જે ગેરકાયદેસર છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર સરળતાથી એસિડ ઉપલબ્ધ થવું એ ગંભીર ચિંતાનો વિષય છે અને તેની તાત્કાલિક તપાસ થવી જોઈએ.