Homeલાડકીદેખો કભી તો પ્યાર સે, ડરતે હો ક્યોં ઈકરાર સે...

દેખો કભી તો પ્યાર સે, ડરતે હો ક્યોં ઈકરાર સે…

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

નામ: શૌકત કૈફી
સ્થળ: મુંબઈ
સમય: ઓક્ટોબર, ૨૦૧૮
ઉંમર: ૯૩ વર્ષ
(ભાગ-૩)
મારી વચલી બહેન રિયાસતની શાદી અખ્તર હસન સાથે થઈ હતી. અખ્તરભાઈ એ વખતે હૈદરાબાદમાં ઉર્દૂ ‘પયામ’ ડેઈલી પેપરના તંત્રી હતા. પોતે શાયર હતા અને એમનું ઘર હંમેશાં જુદું વિચારતા સમાજને બદલવા માગતા તરક્કી પસંદ લોકો માટે બેઠકનું કેન્દ્ર હતું. ફેબ્રુઆરી, ૧૯૪૭માં કેટલાક પ્રગતિશીલ સાહિત્યકારોની કોન્ફરન્સ હતી. અખ્તરભાઈએ કૈફી આઝમી, મઝરુહ સુલ્તાનપુરી, સરદાર જાફરી જેવા લોકોને આમંત્રિત કર્યા હતા. એ સમયમાં હોટેલ કે ગેસ્ટહાઉસમાં કોઈને રાખવા એ અપમાનજનક બાબત હતી એટલે શાયરોને સગાં કે ઓળખીતાના ઘરે રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. હું પણ એ દિવસોમાં મારી બહેન પાસે હૈદરાબાદ ગઈ હતી. મેં જિંદગીમાં પહેલીવાર આવા લોકોને જોયા, જેમના જીવનનું ધ્યેય માત્ર નોકરી કરવી કે પૈસા કમાવા એટલું જ નહોતું, સમાજને બદલવા કે લોકોના વિચારોને જગાડવાનું કામ આ સૌ કરતા. મને આ લોકોને જોઈને નવાઈ લાગી કારણ કે લોકપ્રિય અને પ્રસિદ્ધ હોવા છતાં એટલા સાદા, મિલનસાર અને સરળ હતા કે આપણા માન્યામાં ન આવે. એમના કપડાં પણ તદ્દન સાદા અને જીવનશૈલી પણ એકદમ સરળ! હૈદરાબાદમાં તો એવું હતું કે માણસ પૈસાવાળો હોય કે થોડો લોકપ્રિય થઈ જાય તો પોતાનાથી નીચા કે ઓછા લોકો સાથે વાત પણ ન કરે…
રાત્રે મુશાયરો હતો. મેં ખૂબ સુંદર કપડાં પહેર્યાં. સફેદ કુર્તો અને મેઘધનુષી રંગનો દુપટ્ટો (જે મેં ખૂબ મહેનત કરીને રંગ્યો હતો). મહેફિલમાં લોકો મને જ જોઈ રહ્યા હતા અને એની મને ખબર હતી એટલે હું ઈતરાફી ફરતી હતી. કૈફીએ ગઝલ વાંચવાની શરૂ કરી અને હું સ્તબ્ધ થઈને એને જોતી રહી. લાંબું શરીર, આમ દુબળા, પણ મજબૂત અને અવાજ તો એવો ઘનઘોર કે આખા મુશાયરામાં માત્ર એ જ છવાઈ ગયા.
મજાની વાત એ થઈ કે, મુશાયરો ખતમ થયો અને બધા લોકો ઓટોગ્રાફ બુક લઈને સરદાર જાફરી, કૈફી અને બીજા શાયરો તરફ ધસ્યા, (ત્યારે સેલ્ફીનો જમાનો નહોતો!) કૈફી જુવાન છોકરીઓથી ઘેરાઈ ગયા હતા, પણ મેં એમની તરફ એક ઊલ્ટી નજર નાખી અને હું સરદાર જાફરી, મજરુહ સુલ્તાનપુરીના ઓટોગ્રાફ લેવા જતી રહી. અંતે જ્યારે એમની પાસે પહોંચી ત્યારે એમણે મારી ઓટોગ્રાફ બુક પર એક વાહિયાત શેર લખ્યો. મારી બીજી બહેનપણીઓ અને અખ્તરભાઈની બહેનની ઓટોગ્રાફ પર એણે રોમેન્ટિક શેર લખ્યા હતા… મેં નારાજગીથી પૂછ્યું, ‘આટલો ખરાબ શેર મારી ઓટોગ્રાફ બુકમાં કેમ લખ્યો?’ કૈફીએ તોફાની સ્મિત કર્યું અને કહ્યું, ‘તમે પહેલા સરદાર જાફરીના ઓટોગ્રાફ લેવા કેમ ગયાં? ’ હું હસી પડી… અમારી દોસ્તીની એ શરૂઆત. અમે બંને સીડી ચડીને એક નાનકડા મેઝેનિન ફ્લોરની જગ્યાએ બેસી ગયા. ધીમા અવાજે વાતો કરતા રહ્યા. નીચે દાવતમાં જે ચાલતું હતું તે… પણ અમે તો એકમેકની સાથે એવાં ખોવાયાં કે મારી બહેને બૂમ પાડી ત્યાં સુધી મને ખબર જ ન પડી.
અમારી આ નિકટતા કદાચ મારી નાની બહેનને બહુ અનુકૂળ નહીં લાગી હોય એટલે એણે સૌની વચ્ચે કહ્યું, ‘ચલો ચલો જમવાનું તૈયાર છે અને હા કૈફી તમે શૌકતને મુબારકબાદ આપો કારણકે, ત્રણ મહિના પછી એના લગ્ન અમારા મામાના દીકરા ઉસ્માન સાથે થવાના છે’. એણે આ ઈરાદાપૂર્વક કહ્યું હતું એવું મને લાગ્યું. કૈફીનો ચહેરો ઊતરી ગયો. એ ઊઠીને જમવા તો આવ્યા, પણ જાણે એમને જમવામાં કોઈ રસ જ નહોતો! જમવાનું અને પાન પત્યા પછી એમણે મને એકલી જોઈને વાત શરૂ કરી, ‘ત્રણ મહિના પછી તો તમારા લગ્ન થઈ જશે ને તમે મને ભૂલી જશો’ મેં કહ્યું, ‘તમે પણ તો મુંબઈમાં ક્યાંક લગ્ન કરી જ લેશો ને?’ કોણ જાણે કૈફીને શું થયું, એણે એક સેક્ધડ મારી આંખમાં જોયું ને પછી કહ્યું, ‘હવે હું જિંદગીભર લગ્ન નહીં કરું’. એ ત્યાંથી જતા રહ્યા પણ હું હતપ્રભ જેવી ત્યાં જ ઊભી રહી. મને એ રાત્રે જરાય ઊંઘ ન આવી.
સવારે નાહીધોઈને મેં કૈફીના ઓરડામાં નજર નાખી. એ પણ નાહીને નીકળ્યા હતા. પેન્ટ, શર્ટ, લાંબા ભીના વાળ. હું વહાલથી અંદર ગઈ અને એમના ઉપર પરફ્યૂમ છાંટીને ભાગી આવી. (એ સમયે ‘ઈવનિંગ ઈન પેરિસ’ બહુ જાણીતું પરફ્યૂમ હતું) હું દોડી તો આવી, પણ કૈફીની મુસ્કુરાતી આંખો મારો પીછો કરતી રહી.
રાત્રે અખ્તરભાઈએ બધા શાયરો માટે દાવત રાખી હતી. હું ખૂબ સરસ તૈયાર થઈને કૈફીની રાહ જોતી હતી, પણ એ ના આવ્યા. મેં પૂછ્યું ત્યારે કોઈએ કહ્યું, ‘એ તો રાબિયા આપાના ઘરે જઈને સૂઈ ગયા’ મેં મારી બહેનને કહ્યું, ‘એમ જમ્યા વગર કેવી રીતે સૂઈ ગયા, જા બોલાવી આવ’, મારી બહેને કહ્યું, ‘હું નહીં જાઉં, તારે જવું હોય તો જા’. મેં પણ મનોમન નક્કી કર્યું, ‘નથી જવું જા…’ થોડીવારમાં મેં જોયું કે, ચોળાયેલા ઝભ્ભો-લેંઘો પહેરીને કૈફી આવી પહોંચ્યા. એમણે મારી નજીક આવીને કહ્યું, ‘બહોત પ્યાસ લગી હૈ’ નજીકમાં પડેલી માટીની સુરાહીમાંથી પાણી ભરીને મેં એમને આપ્યું. એમણે કહ્યું, ‘ઔર’. મેં ફરી પાણી આપ્યું, એમણે ફરી કહ્યું, ‘ઔર’. મેં આપ્યું. એમણે ફરી પ્યાલો મારા તરફ લંબાવ્યો અને હું આશ્ર્ચર્યથી એમની સામે જોઈ રહી ત્યારે એમણે કહ્યું, ‘પ્યાસ નહીં બુઝી’ હું શરમાઈને ભાગી ગઈ અને મારી આખી દુનિયા જાણે રંગોથી છલકાઈ ગઈ. એ પછી એક નાનકડો પર્સનલ મુશાયરો અખ્તરભાઈની છત પર યોજાયો… એક પછી એક બધા શાયરો પોતાની ગઝલો, નઝમ વાંચતાં રહ્યા… કૈફીએ જે નઝમ વાંચી એ સાંભળીને મને લાગ્યું કે જાણે એ મારે જ માટે વાંચી રહ્યા હતા.
તોડ યે અઝ્મે-શિકન (આંસુ વહાવવા) સિલસિલએ-પન્દ (ઉપદેશોની બેડી) ભી તોડ
તેરી ખાતિર હૈ જો જંજીર વો સૌગંદ ભી તોડ
બનકે તૂફાન છલકના હૈ, ઉબલના હૈ તુઝે
ઉઠ મિરી જાન મિરે સાથ હી ચલના હૈ તુઝે
હાઁ ઉઠા જલ્દ ઉઠા, પાએ-મુકદ્દર (વાસ્તવિકતા) સે જબીં (અસ્તિત્વ)
મૈં ભી રુકને કા નહીં, વક્ત ભી રુકને કા નહીં
લડખડાએગી કહાઁ તક કિ સંભલના હૈ તુઝે
ઉઠ મિરી જાન મિરે સાથ હી ચલના હૈ તુઝે
મારી આંખોમાં આંસુ ઊભરાયા. અમે બંને એકબીજાની સામે જોઈ રહ્યા હતા અને મને લાગ્યું કે, આ આખી નઝમ મારા જ માટે લખાઈ. આ હું જ તો છું! વિદ્રોહી, સ્વાભિમાની, સ્વતંત્ર વિચાર ધરાવતી અને ખોટી વાતની વિરુદ્ધ સતત અવાજ ઉઠાવતી બેબાક શૌકત!
એ પછી અખ્તરભાઈએ કૈફી, સરદાર જાફરી, મજરુહ સુલ્તાનપુરી અને બીજા બધા શાયરોને ઔરંગાબાદ આવવાનું આમંત્રણ આપ્યું. એમને કહ્યું કે, ‘ઔરંગાબાદના મુશાયરા પછી અજંટા ઈલોરા જોવાની પણ મજા આવશે’. એ સમયે લોકો આટલા મસરુફ (વ્યસ્ત) નહોતા. એ ચાર-પાંચ શાયરોએ અંદર અંદર મસલત કરી અને નક્કી કર્યું કે, ઔરંગાબાદ આવશે. આટલા બધા લોકોનું રિઝર્વેશન અચાનક મળવું શક્ય નહોતું. અમે બધા અનરિઝર્વ્ડમાં ચડી ગયા. હું, કૈફી, અખ્તરભાઈ, મારી નાની બહેન ઝાકિયા ઊભા રહ્યા. બાકી બધાને બેસવાની જગ્યા મળી ગઈ હતી. ટ્રેન અચાનક ઝટકાથી એક સ્ટેશન પર અટકી અને હું સીધી કૈફી પર પડી. કૈફીએ મને ફૂલની જેમ સંભાળી લીધી, પણ એ સ્પર્શ હું આટલાં વર્ષે ભૂલી નથી શકતી.
એ રાત્રે અમે એકબીજાની સામે જોતાં જ રહ્યાં… અમારી સાથે પ્રવાસ કરી રહેલા સૌએ અમારાં આ તારામૈત્રકની નોંધ લીધી જ હશે કારણ કે, એ દિવસ પછી ઝાકિયાએ મને ચેતવણી આપવાની શરૂઆત કરી હતી.
ઔરંગાબાદના મુશાયરા પછી અમે અજંટા ઈલોરા ગયા. સતત ગંભીર લાગતા કૈફી અજંટા ઈલોરાના રસ્તે સાવ જુદા જ પ્રકારની વ્યક્તિ તરીકે સામે આવ્યા. જુદા જુદા શાયરોની મિમિક્રી અને મુશાયરામાં બનેલા પ્રસંગો સાથે એમણે અમને હસાવી હસાવીને થકવી નાખ્યા. ઔરંગાબાદના એ ત્રણ દિવસ અમારા માટે એકબીજાની નજીક આવવાના દિવસો હતા.
જવાની આગલી સાંજે કૈફી એક વૃક્ષ નીચે ચૂપચાપ ઊભા હતા. હું એમની બાજુમાં જઈને ઊભી રહી. કૈફીએ ઉદાસ અવાજમાં કહ્યું, ‘અમે કાલે જતા રહીશું પછી તમને મળવાની તક નહીં મળે’ હું ચૂપ રહી. અંગૂઠાથી જમીન ખોતરતી હતી. મારી આંખોમાં વારંવાર આંસુ આવી જતા હતા, પણ મેં ઊંચું ન જોયું. કૈફીએ મને કહ્યું, ‘મેં એક નઝમ તમારે માટે લખી છે, સંભળાવું?’ મેં ડોકું હલાવી દીધું. એમણે મારી તરફ જોઈને નઝમ કહેવા માંડી.
હલાવતોં (માધુર્ય) કી તમન્ના મલાહતોં (સૌંદર્ય) કી મુરાદ
ગુરુર કલિયોં કા, ફૂલોં કા ઇન્કિસાર (નમ્રતા) હો તુમ
જિસે ન બૂજ સકા ઈશ્ક વો પહેલી હો
જિસે સમજ ન સકા પ્યાર ભી વો પ્યાર હો તુમ
ખુદા કરે કિસી દામન મેં જઝ્બ હો ન સકેં
યે મેરે અશ્કે-હસીં (સુંદર આંસુ) જિનસે આશ્કાર (પ્રગટ થાય છે) હો તુમ
એ સાંભળતાં સાંભળતાં મને સમજાઈ ગયું કે, હું કૈફી વગર જીવી નહીં શકું…
(ક્રમશ:)

RELATED ARTICLES

Most Popular