નવી દિલ્હી: ભારત અને ઇજિપ્ત વેપાર અને સંરક્ષણ ક્ષેત્રે સહકાર માટે સંમત થયા હતા. બુધવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇજિપ્તના પ્રમુખ અલ-સિસિની મુલાકાત દરમિયાન સંરક્ષણ, આંતરિક સુરક્ષા, વેપાર, સાંસ્કૃતિક બાબતો, ઇન્ફોટેક, સાયબર સુરક્ષા, યુવા ઉત્કર્ષ, માહિતી-પ્રસારણ અને ત્રાસવાદ વિરોધી કાર્યવાહીના વિષયો પર ચર્ચા બાદ એ ક્ષેત્રોમાં સહકારના પાંચ કરાર પર સહી-સિક્કા કરવામાં આવ્યા હતા. અલ-સિસિ જોડે મંત્રણા બાદ નરેન્દ્ર મોદીએ પ્રસારમાધ્યમો માટેના નિવેદનમાં જણાવ્યું હતું કે ત્રાસવાદ માનવ સમાજની સલામતી સામે મોટું જોખમ હોવા વિશે દ્વિપક્ષી સંમતી સધાઈ હતી. સલામતી, આર્થિક બાબતો, રાજકીય અને વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં ભારત અને ઇજિપ્તના સંબંધો મજબૂત બનાવવાનો સંકલ્પ બન્ને પક્ષોએ દર્શાવ્યો હતો. તે ઉપરાંત દ્વિપક્ષી વેપારનું પ્રમાણ ૧૨ અબજ અમેરિકન ડૉલર સુધી લઈ જવાનો નિર્ધાર પણ કરવામાં આવ્યો હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. (એજન્સી)