ઘટડામાં ઘોર અંધેરા…?

ધર્મતેજ

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ

માનવીનું જીવન એક સમસ્યા છે. એક તરફ વિષ્ાયોનું સુખ, સૌંદર્ય અને સામર્થ્ય હોય છે તો બીજી તરફ પરબ્રહ્મ પરમાત્મા તરફ ભક્તિની લાગણી, એક તરફ છે સાંસારિક ઉપભોગોની દુનિયા તો બીજી તરફ છે અધ્યાત્મની અજાયબી, એક તરફ ક્ષ્ાણિક ક્ષ્ાણભંગુર જીવનનો ભ્રામક આનંદ હોય છે. તો બીજી તરફ અનંત ઐશ્ર્વર્યવાન પરમાત્મા સાથે અનુસંધાન કેળવી સદૈવ પરમાનંદમાં લીન થઈ જવાની ઝંખના.. પણ.. જયાં સુધી માનવી સાચા અને ખોટાં સુખ વચ્ચેનો સૂક્ષ્મ ભેદ જાણી શક્તો નથી ત્યાં સુધી આમ તેમ અથડાયા કરે છે. સંસાર સરોવરના દરિયા કિનારે ભટક્યા કરે છે. એ સામે પાર ક્યાંથી પહોંચી શકે ? તૃષ્ણા, મોહ, ભોગવિલાસ અને આસક્તિઓમાંથી મુક્ત થઈ જવું એ સહેલું નથી. એ તો ગુરુની કપા અને સાચા સંતની શીખામણ મળી હોય તો જ શક્ય બને. અને એ જ કારણે આપણા સંતો એ જગતના અનિત્ય કઠોર વાસ્તવિક્તાભર્યા માનવ જીવનની સાચી ઓળખ કરાવતા રહીને પરમાત્મા પ્રત્યે અપાર શ્રધ્ધા અને આધ્યાત્મિક પ્રેમ પ્રગટાવવા ભારે મથામણ કરી છે. પોતાની વાણીમાં માનવજીવનમાં, વ્યાપી રહેલા ઠાઠમાઠ, ગર્વ, પાખંડી આચારો નાત- જાતના વાડા, અત્યાચારો, અને દંભ જેવા અનિષ્ટો પ્રત્યે વ્યંગ દર્શાવી, પાપની અને અધર્મની અંતે શી દશા થાય છે એના દ્રષ્ટાંતો આપી સંતોએ નામસ્મરણના મહિમાનું વર્ણન ર્ક્યું છે.
વારંવાર આપણા સંતોએ આ શરીરને ઘટ એટલે કે ઘડાની ઉપમા આપીને સમજાવવાનો પ્રયાસ ર્ક્યો છે કે કુંભકાર – પ્રજાપતિ જ્યારે ઘડો બનાવવાનો હોય ત્યારે સૌથી પ્રથમ પૃથ્વી તત્વ એટલે કે માટી લે. પછી એમાં જલ તત્ત્વ એટલે પાણી નાંખે, ત્યારબાદ એ માટીના પિંડાને યોગ્ય આકાર આપીને વાયુ તત્ત્વ એટલે હવા-પવનમાં સૂક્વવા મૂકે, પછી નાંખે નિંભાડામાં- અગ્નિ તત્ત્વમાં પકાવવા માટે. એ વાસણ પાકીને તૈયાર થઈ જાય ત્યારે એની અંદર પણ આકાશ હોય અને બહાર પણ આકાશ તત્ત્વ હોય. આમ પૃથ્વી,પાણી,વાયુ,અગ્નિ અને આકાશ એ પાંચ મૂળભૂત તત્વો કે જેનાથી સમગ્ર બ્રહ્માંડનું સર્જન થયું છે અને માનવપિંડનું પણ સર્જન થયું છે એની ઓળખ સીધા સાદાં સરળ શબ્દોમાં આપણને સંતકવિ કરાવે અને અધ્યાત્મ સાધનાના પંથે આગળ લઈ જાય. આ પ્રજાપતિ કુંભારના ચાકડામાંથી કેવા કેવા આકારના વાસણ બને? ગોળા, માટલાં, માટલી,મટકી, ઘડા, ગાગર, લોટકા, કુંભ, ગરબા, કુંડુું,કોડિયાં, જાકરિયા,ગોળી,પાટિયા,કાથરોટ, ગાડવો, નળિયાં, કોઠી, હાંડા, ઢસકુંડી, ઢાંકણી, કુરડી, કુંપી, કુંજા, ભંભલી, દોણું, તાવડી, તાવો, બાઘડો-કાજલું,તાંસળું, મોભિયાં અને રામૈયું- રામપાતર.
આદિતરામ નામના એક કવિએ આ રીતે શરીરની ઓળખ કરાવી છે :
એ તો નથી અળગો રે, ઘનશ્યામ છે ઘટમાં,
શ્રી ભાગવત ભાખે રે, વળી શાસ્ત્રો ખટમાં…
– એ તો નથી અળગો રે..૦
સ્થૂળ સૂક્ષ્મ કારણ મહા કારણ, ત્યાં લગી ગુણનો થાપ,
અંતરજામી મ્હાલે એકલડો, કરી ક્ષ્ાણમાં વ્યાપ,
જાગશે તો જડશે રે,માધવ બેઠો છે મઠમાં..
– એ તો નથી અળગો રે..૦
જાગૃત સ્વપ્ન સુષ્ાુપ્તિ તુરિયા, અનુભવનું ઘર જોય,
સઘળે સૂત્રમાં પરમાત્મા રે, જીવપણાને ખોય,
રહ્યો બ્રહ્મ વ્યાપી રે,જેમ તંતુ પટમાં..
– એ તો નથી અળગો રે..૦
અંધારું અજ્ઞાન તણું જે, અર્ક ઉદય થયે જાય,
પ્રતિબિંબ બિંબમાં જઈ ભળે, તેમ જ શિવમાં જીવ સમાય,
સંત શૂરાની રે જે આવે ઓઝટમાં..
– એ તો નથી અળગો રે..૦
તત્ત્વ વિચાર જ કરતાં દરસે, ત્રિકમજી તન માંય,
કહે આદિતરામ વસ્તુ વિચારો, કલ્પિત જાણો કાય,
મથતાં જેમ પ્રગટે રે,
અગ્નિ લાકડામાં..
– એ તો નથી અળગો રે..૦
ત્યારે અમરદાસ નામના ભક્ત કવિ ગાય છે :
પ્રાણી તું તો રટી લે ને રઘુરાઈ, તારો ફેરો સફળ થઈ જાય…
સર્વ દેહમાં દેહ માનવનો,
ઉત્તમ દેહ ગણાય,
હિરો મળ્યો આ હંસા તુજને, પારખથી પરખાય…
-પ્રાણી તું તો રટી લે ને રઘુરાઈ,
તારો ફેરો સફળ થઈ જાય..૦
સંત સમાગમ હરિ કિરતનમાં, હરખી હરખી જાય,
શ્રવણ મનની દયા સંત કરતાં, જ્ઞાન ગંગા ઉભરાય…
-પ્રાણી તું તો રટી લે ને રઘુરાઈ,તારો ફેરો સફળ થઈ જાય..૦
આજકાલ કરતાં પ્રાણી તારો, કેમ અમૂલ્ય જાય,
આ પલ ચૂક્યો જાય ચોરાશી, પેટ ભરી પસ્તાય…
-પ્રાણી તું તો રટી લે ને રઘુરાઈ,તારો ફેરો સફળ થઈ જાય..૦
ટીપે ટીપે સરોવર છલકાય, કાંકરે પાળ બંધાય,
દાસ અમર નિત્ય હરિને રટતાં, સહેજે સતગતિ થાય…
-પ્રાણી તું તો રટી લે ને રઘુરાઈ,
તારો ફેરો સફળ થઈ જાય..૦
પણ આજનો માનવી તો ધર્મના નામે, પંથ-સંપ્રદાયોના નામે અનેકવિધ આડંબરોથી ઘેરાતો જાય છે. ત્યારે આપણા અનેક સંતકવિઓએ ચેતવણીના સૂર પણ કાઢ્યા છે. રવિ-ભાણ સંપ્રદાયના મોરારસાહેબના શિષ્ય કરમણભગત ભક્તિના માર્ગે શરણાગતિની વાત કરતાં કહે છે :
નાઈ ધોઈને કરે અસ્નાના,
માયલાનો મેલ તારો નૈં જાવે ;
ધ્યાન વિનાનો ધૂન મચાવે,
ન્યાં સાહેબ મારો નૈં આવે…
– નાઈ ધોઈને કરે અસ્નાના …૦
વૈષ્ણવ થઈ વિવેક ન જાણે,નિત ઊઠીને નાવા જાવે ;નટવા હોકર નાચ નચાવે,ન્યાં સાહેબ મારો નૈં આવે… – નાઈ ધોઈને કરે અસ્નાના …૦
જોગી હોકર જટા વધારે,કામ કરોધ બાવો બહુ લાવે;
ભભૂતિ લગાડી ભવ હારે,તોય ન્યાં સાહેબ મારો નૈં આવે…
– નાઈ ધોઈને કરે અસ્નાના …૦
ભમ્મર ગુફામાં સાધે ગોટકા,વીર વિદ્યા બાવો બહુ લાવે;
સમાધિભાવે બાવો કરે સાધના,ન્યાં સાહેબ મારો નૈં આવે…
– નાઈ ધોઈને કરે અસ્નાના …૦
ધન માલનો કરે ઢગલો,ઈ પણ તારી હાર્યે નૈં જાવે ;
કરમણને ગુરુ મોરાર મળિયા,ગરીબ થઈ ગુરુ ગુણ ગાવે… – નાઈ ધોઈને કરે અસ્નાના …૦

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.