કોરોનાકાળ દરમિયાન ઘણા દંપતીએ પહેલા અથવા બીજા બાળકના આયોજન અંગે ફેરવિચાર કર્યો હતો. આ બે વર્ષ દરમિયાન બાળકોના જન્મદરમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ વર્ષ ૨૦૨૨માં પણ બાળજન્મમાં ઘટાડો જોવા મળે છે. ગુજરાતના અમદાવાદમાં કોરોનાકાળ પહેલાના વર્ષો કરતા ૨૦૨૨ના નવેમ્બર મહિના સુધીના આંકડા અનુસાર જન્મદરમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે.
વર્ષ ૨૦૧૯માં અમદાવાદમાં ૧,૦૬,૨૩૭ બાળકનો જન્મ થયો હતો. જે વર્ષ ૨૦૨૧માં ૮૭,૪૦૬ અને વર્ષ ૨૦૨૦માં ૮૯,૨૦૧ હતા. વર્ષ ૨૦૧૯ પહેલા અમદાવાદમાં દર વર્ષે જન્મદર એક લાખ કરતા વધારે નોંધાયો છે. સમાજશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર કોરોનાકાળ દરમિયાન અને તે બાદ પણ આર્થિક અસુરક્ષા વધી છે. નોકરીઓ ગઈ હોય અથવા દેવું માથે થઈ ગયુ હોય કે આવકમાં ઘટાડો થયો હોય તેવા દંપતીઓ પરિવાર નિયોજન અંગે વિચારે છે. ખાસ કરીને બીજું બાળક કરવામાં અચકાય છે. આ સાથે મહિલાઓ અને પુરુષોમાં માનસિક તણાવનું પ્રમાણ મહામારી બાદ વધ્યું છે, તે કારણ પણ ઓછા જન્મદર માટે જવાબદાર છે. જોકે આનું એક ટેકનિકલ કારણ એ પણ હોઈ શકે કે કોરોના બાદ ઘણી મહિલાઓ પોતાના ગામના નાના નર્સિંગ હોમમાં જ બાળક ડિલિવર કરવાનું પસંદ કરે છે, તેના લીધે અમદાવાદની હોસ્પિટલોમાં રજિસ્ટ્રેશન ઓછું થયું હોય. આમ છતાં કોરોનાકાળ બાદ નાના પરિવાર તરફ લોકો વળી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે.
કોરોનાકાળ બાદ પણ બાળકના જન્મદરમાં ઘટાડોઃ આર્થિક અસુરક્ષા મુખ્ય કારણ
RELATED ARTICLES