પ્રધાનમંડળના વિસ્તરણ અંગે આગામી સપ્તાહ સુધીમાં નિર્ણય લેવાશે- એકનાથ શિંદે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વડાપ્રધાન મોદીની મુલાકાત કરી હતી. મહારાષ્ટ્રમાં શિંદે નેતૃત્વ હેઠળ સરકાર બન્યા બાદ તેમની વડાપ્રધાન સાથે પહેલી મુલાકાત હતી. શિંદે અને ફડણવીસે વડાપ્રધાનની તેમના લોક કલ્યાણ માર્ગ સ્થિત આવાસમાં મુલાકાત કરી અને મહારાષ્ટ્રના વિકાસ માટે તેમના આશીર્વાદ અને માર્ગદર્શન માંગ્યુ.

એ અગાઉ શિંદેએ દિલ્હીમાં કરેલી પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું હતું કે તેઓ રાજ્યના વિકાસ માટે વડાપ્રધાનના દ્રષ્ટિકોણને સમજવા અને મહારાષ્ટ્રને નવી ઊંચાઇઓ પર લઇ જવાનો પ્રયત્ન કરશે. શિંદેએ કહ્યું હતું કે મુંબઈ અને નાગપુરને જોડતા સમૃદ્ધિ એક્સપ્રેસ વે, શહેરોમાં મેટ્રો અને સિંચાઇને પ્રોત્સાહન આપવા માટે ખેતરોમાં તળાવ બનાવવા જેવી અનેક યોજનાઓને તેઓ ઝડપી ગતિથી પૂરી કરશે, જે ફડણવીસે શરૂ કરી હતી, પણ ઉદ્ધવ ઠાકરે સરકારમાં તેનું કામ થયુ નહીં.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ તેમનો કાર્યકાળ પૂર કરવાનો અને ભાજપ સાથે ગઠબંધનમાં આગામી ચૂંટણી જીતવાનો વિશ્વાસ દર્શાવ્યો હતો. એમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રના પ્રધાનમંડળના વિસ્તરણ માટેનો નિર્ણય આગામી અઠવાડિયે મુંબઈમાં લેવામાં આવશે. દરમિયાન ઉદ્ધવ ઠાકરેના મધ્યસત્ર ચૂંટણી (મિડ ટર્મ ઇલેકશન) યોજવાના પડકારને એ કહીને ફગાવી દીધો છે કે રાજ્ય સરકાર મજબૂત છે અને 288 સભ્યોવાળી વિધાનસભામાં તેમને 164 વિધાનસભ્યનું સમર્થન છે, જયારે વિપક્ષ પાસે ફકત 99 વિધાનસભ્ય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.