મહારાષ્ટ્રમાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

યવતમાલમાં એક મહિનામાં 43 ખેડૂતોની આત્મહત્યાથી ખળભળાટ

યવતમાલના કપાસ ઉગાડતા જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં 43 ખેડૂતોએ આત્મહત્યા કરવાથી હડકંપ મચી ગયો છે. આનો અર્થ એ છે કે આખા મહિનામાં દરરોજ ઓછામાં ઓછા એક ખેડૂતે આત્મહત્યા કરી છે. પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લા મેજિસ્ટ્રેટ અમોલ યેગેએ એક સમિતિની રચના કરી છે, જે ખેડૂતોની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરશે અને તેમને સરકારી યોજનાઓ અને લાભો વિશે માહિતી આપશે.

એક સ્થાનિક ખેડૂતે ફરિયાદના સૂરમાં કહ્યું હતું કે, અમારા પર લગભગ 12 લાખ રૂપિયાનું દેવું હતું, ભારે વરસાદને કારણે અમારો પાક બરબાદ થઈ ગયો હતો. અમે ક્યારેય વિચાર્યું નહોતું કે અમારા પિતા આત્મહત્યા કરશે પરંતુ તેમણે ચૂપચાપ ખેતરમાં જઈને મોતને વહાલું કર્યું. અમને વહીવટીતંત્ર તરફથી કોઈ મદદ મળી નથી.

નોંધનીય છે કે 2001માં પ્રથમ વાર આ જિલ્લો ખેડૂતોની આત્મહત્યા માટે ચર્ચામાં આવ્યો હતો. અહીં દર વર્ષે સરેરાશ 250થી 300 ખેડૂતો આત્મહત્યા કરે છે. અહીંનો મુખ્ય પાક કપાસ છે, જેના ભાવો આંતરરાષ્ટ્રીય બજાર પર નિર્ભર હોય છે. ગયા વર્ષે કપાસના ભાવ વિક્રમી ઉંચાઇ પર હતા પણ એ સમયે અહીં ઉત્પાદન ઓછું થયું હતું. જોકે, કપાસના ઊંચા ભાવે તેમને નુક્સાનીમાંથી બચાવી લીધા હતા. હવે આ વર્ષે ભારે પૂરને કારણે ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા છે ત્યારે અત્યાર સુધી યવતમાળમાં 188 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે, જે રાજ્ય સરકારની કાર્યશૈલી પર પણ સવાલો ઉભા કરી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.