પાકિસ્તાનમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે. લોકોને ખોરાકના ફાંફાં છે. ફોરેન એક્સચેન્જ રિઝર્વ ખાલી થઈ ગયું છે, પણ લોકોના નવાબી શોખ ઓછા નથી થઈ રહ્યા. તેઓ પોતાનો શોખ પૂરો કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. પાકિસ્તાનમાં લોકો મોંઘી કોફી પીવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે.
પાકિસ્તાનમાં નવી ખોલેલી ટિમ હોર્ટન્સ કોફી શોપનો દાખલો લઇએ. એક તરફ સરકાર પૈસા માટે દુનિયાભરમાં ખોળો પાથરી રહી છે અને આઇએમએફને માઇબાપ કરી રહી છે. વિદેશી હૂંડિયામણના ભંડાર ખાલી થઇ ગયા છે તો બીજી તરફ કેટલાક નવાબી શોખીનો માત્ર કોફી પીવા પાછળ રૂ.650 થી રૂ.1000નો ખર્ચ કરી રહ્યા છે. આ કેનેડિયન કોફી શોપની સામે ભીડ એવી રીતે એકઠી થઈ રહી છે કે લોકોને ખબર છે કે થોડા દિવસો પછી ગરીબીથી ગ્રસ્ત પાકિસ્તાનમાં ચા-કોફી પણ નહીં મળે.
કેનેડિયન કંપની ટિમ હોર્ટન્સ વિશ્વમાં તેની વિવિધ પ્રકારની કોફી માટે જાણીતી છે. તેના સ્ટોરમાં તમને અનેક પ્રકારની કોફી મળે છે. સામાન્ય રીતે ટિમ હોર્ટન્સ કોફીની ગણતરી મોંઘી બ્રાન્ડ તરીકે થાય છે. તેની માત્ર એક કપ કોફીની કિંમત હજારો રૂપિયા સુધી છે. ટિમ હોર્ટન્સ રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ ઇન્ટરનેશનલ ઇન્ક (RBI) ની માલિકીની છે. તાજેતરમાં તેણે લાહોરમાં પોતાનો નવો સ્ટોર ખોલ્યો છે. સ્ટોર ખુલતાની સાથે જ પાકિસ્તાનના લોકો તેની કોફીની વેરાયટી જોઈને ઘેલા થઈ ગયા છે. લોકો કોફી ખરીદવા કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. સ્ટોરની સામે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આવી ઘણી તસવીરો સામે આવી છે જેમાં સેંકડો લોકો કતારમાં ઉભા છે.
એક મેડિકલ સ્ટુડન્ટે મોંઘી કોફી વિશે કહ્યું હતું કે પાકિસ્તાનમાં અમીર લોકો વધુ અમીર થઈ રહ્યા છે અને ગરીબ વધુ ગરીબ થઈ રહ્યા છે અને મધ્યમ વર્ગ સંઘર્ષ કરી રહ્યો છે. સ્ટોરમાં વેચાતી કોફીના કપની પ્રારંભિક કિંમત રૂ. 650 છે. આ પછી, તમારે જે વિવિધતાની માંગ છે તે મુજબ તમારે ચૂકવણી કરવી પડશે.
કૉફી શૉપની બહારની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો પૂછવા લાગ્યા કે પાકિસ્તાનમાં આટલી બધી સાયબી છે ત્યારે તેઓ વિદેશ પાસેથી ભીખ કેમ માંગે છે. તસવીરો જોયા બાદ ઘણા લોકોએ શાહબાઝ શરીફ સરકારને પણ ઠપકો આપ્યો હતો. લોકોએ પૂછ્યું કે જ્યારે પાકિસ્તાનના લોકો પાસે આટલા પૈસા છે તો તમે IMF સામે કટોરો લઈને કેમ ઉભા છો? પાકિસ્તાન પર લગભગ 4300000000000 રૂપિયાનું દેવું થઈ ગયું છે.