વડોદરાના જણીતા બિલ્ડર હરીશ અમીનના મૃત્યુ અંગે પોલીસનો મોટો ખુલાસો: અકસ્માત નહિ આયોજનબદ્ધ હત્યા કરાઈ હતી

આપણું ગુજરાત

Vadodara: બે મહિના અગાઉ વડોદરા શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને બિલ્ડર હરીશ અમીન(Harish Amin)નું સિંધરોટ નજીક એક કાર અકસ્માતમાં મૃત્યુ થયા ખબર મળ્યા હતા. જે રીતે અકસ્માત થયો હતો તે જોતા તેમની હત્યા(Murder) થઇ હોવાની આશંકા સેવાઈ રહી હતી. પોલીસે તપાસ કરી અંતે ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આપેલી માહિતી મુજબ હરીશ અમીનનો વહીવટ સંભાળતા બે ભાઇઓએ ઉધાર લીધેલા રૂપિયા 91 લાખ પરત ન આપવા પડે એ માટે માલિક હરીશ અમીનની આયોજનબદ્ધ રીતે હત્યા કરી હતી અને કારમાં લાશ મુકીને આગ લગાડી હત્યાને અકસ્માતમાં ખપાવી દેવાના પ્રયત્નો કર્યા હતા.

ઘટનાની માહિતી મુજબ ગત 18 મેના રોજના રોજ સિંધરોટ(Sindharot) પાસે ઈકો કારમાં ઉદ્યોગપતિ અને બિલ્ડર હરીશ અમીનની લાશ સળગેલી હાલતમાં મળી આવી હતી. પહેલી નજરે જોતા આ અકસ્માત લાગતો હતો. આ મામલે SOG, LCB અને વડોદરા ગ્રામ્ય તાલુકા પોલીસની ટીમે મળીને ગુપ્ત તપાસ કરી હતી. તપાસ દરમિયાન SOGએ હત્યાના પ્રકરણ ઉપરથી પડદો ઉંચકાયો છે.

પોલીસે આપેલી માહિતી હરીશ દાદુભાઇ અમીન વડોદરાના જાણીતા બિલ્ડર અને ઉદ્યોગપતિ હતા. પ્રવિણ માલીવાડ અને ભરત માલીવાડ બંને ભાઇઓ હરીશભાઇના ઓર્ચિડ ફાર્મમાં નાણાંકીય વ્યવહાર સહીત તમામ કામ સંભાળતા હતા. હરીશભાઇ પાસેથી ભરત માલવીયાએ રૂપિયા 70 લાખ અને પ્રવીણ માલવીયાએ રૂપાયા 21 લાખ લીધા ઉધાર લીધા હતા. સ્વાભાવિક રીતે આટલી મોટી રકમ પરત લેવા માટે હરીશભાઈ અમીન ઉઘરાણી કરતા હતા. આ રકમ પરત આપવી ન પડે તે માટે બંને ભાઇઓએ હરીશભાઇની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.

હરીશભાઈને હત્યા માટે બંને ભાઈઓએ બાજુના ગામમાં રહેતા સુનિલ બારીયા, સોમા બારીયા અને સુખરામ ઉર્ફ શંભુ ડામોર નામના શખ્સોને 15-15 લાખ રૂપિયા આપવાનું નક્કી કરી સોપારી આપી હતી. આ ષડ્યંત્રમાં પ્રવીણની પત્ની લક્ષ્મી પાણ સામેલ થઇ હતી. બનાવના દિવસે તમામ 6 શખ્સો ભેગા થયા હતા. પ્રવિણ અને તેની પત્ની ઓર્ચિડ ફાર્મ પર રેકી કરવા માટે ગયા હતા. હરીશભાઇ આ ફાર્મમાં એકલા જ રહેતા હતા. આરોપીઓ દિવાલ કૂદીને અંદર પહોંચ્યા હતા. હરીશભાઇને બંદી બનાવી ઇકો ગાડીમાં બેસાડ્યા હતા. આરોપીઓ અન્ય એક ગાડી પણ સાથે લાવ્યા હતા. જેમાં પેટ્રોલનો કેરબો પણ હતો.

આરોપીઓ હરીશભાઈનું અપહરણ કરી ભીમપુરા-સિંધરોટ રોડ પર લઈ ગયા હતા. જ્યાં હરીશભાઈને ગાડીમાંથી નીચે ઉતારી નજીકના કોતરમાં લઈ જઈ પથ્થર અને લાકડી વડે માર મારી મોતને ઘાટ ઉતરી દીધા હતા. ત્યાર બાદ લાશને ઇકો કારમાં લાવી પાછળની સીટ ઉપર બેસાડી આરોપી ભરતે ગાડી ચલાવી લોખંડના મજબૂત ભૂંગળા સાથે અથડાવી હતી. બાદમાં આરોપી પ્રવીણે બીજી ગાડીમાંથી પેટ્રોલ ભરેલો કેરબો લાવી ગાડીની અંદર અને ઉપર છાંટી ગાડીને આગ લગાડી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

પોલીસે તમામ આરોપી  પ્રવિણ માલવીયા, ભરત માલવીયા, પ્રવિણ માલવીયાની પત્ની લક્ષ્મી તેમજ સુનિલ બારીયા, સોમા બારીયા અને સુખરામ ઉર્ફ શંભુ ડામોરની ધરપકડ કરી પૂછપરછ કરી હતી ત્યારે સમગ્ર હત્યાની પોલ ખુલી હતી. આ મામલે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યા, અપહરણનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવશે. રિમાન્ડ દરમિયાન સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવશે અને શક્ય તેટલા તમામ પુરાવા ભેગા કરીને આરોપીઓને કડકમાં કડક સજા કરાવવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.