Homeઆમચી મુંબઈગેસ ગીઝર લીક થવાથી બાથરૂમ ચેમ્બરમાં ફેરવાઈ, ન્હાતી વખતે પતિ-પત્નીનું મોત

ગેસ ગીઝર લીક થવાથી બાથરૂમ ચેમ્બરમાં ફેરવાઈ, ન્હાતી વખતે પતિ-પત્નીનું મોત

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ગીઝરમાંથી ગેસ લીક ​​થવાને કારણે એક નવપરિણીત યુગલનું મોત થવાની ઘટના બનતા ચકચાર જાગી છે. આ ઘટના હોળીના દિવસે ઘાટકોપરના કુકરેજા ટાવરમાં બની હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, બંનેના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે મૃતક દંપતીની ઓળખ દીપક શાહ (40) અને તેની પત્ની ટીના શાહ (35) તરીકે થઈ છે. પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, દંપતી કુકરેજા ટાવરમાં ભાડાના ફ્લેટ સાથે રહેતું હતું. હોળીની બપોરના સમયે આ ટાવરમાં રહેતા તેમના એક સંબંધી તેમને મળવા આવ્યા હતા, પરંતુ દરવાજો ખટખટાવ્યા બાદ અને લાંબા સમય સુધી બૂમો પાડવા છતાં અંદરથી કોઈ જવાબ ન મળતાં તેમણે પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ડુપ્લીકેટ ચાવીથી ફ્લેટ ખોલ્યો તો અંદર બંને પતિ-પત્ની બેભાન અવસ્થામાં પડ્યા હતા. ઉતાવળમાં બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
પડોશીઓએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે થોડા સમય પહેલા કપલ બધા સાથે હોળી રમ્યું હતું અને નહાવા માટે અંદર ગયા હતા. આ દરમિયાન તેણે પાણી ગરમ કરવા માટે ગીઝર ચાલુ કર્યું. અકસ્માતે ગીઝરમાંથી ગેસ લીકેજ શરૂ થયો હતો. જેના કારણે બંને બાથરૂમમાં જ આ ગેસની લપેટમાં આવી ગયા હતા અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ મામલો ગીઝર ગેસ લીકેજનો છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વિસેરા તપાસ રિપોર્ટ જોયા બાદ આ અંગે કંઈ પણ કહી શકાય. હાલ પોલીસ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પોલીસે બંનેના પરિવારજનોને જાણ કરી છે.
ગાઝિયાબાદના મુરાદનગરમાં પણ આવી જ એક ઘટના નોંધાઇ છે. અહીંના અગ્રસેન માર્કેટમાં હોળીના દિવસે બાથરૂમમાં સ્નાન કરતી વખતે એક યુગલ ગીઝર ગેસની ઝપેટમાં આવી ગયું હતું. જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને દરવાજો તોડી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular